બેઠકોનો દોર શરૂ:ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ રોકવા એક્શન પ્લાન ઘડો, કલેક્ટર અને કમિશનરને મુખ્ય સચિવનો આદેશ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક - Divya Bhaskar
મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક
  • ગઈકાલે ગુજરાતમાં કોરોના નવા 2265 કેસ નોંધાયા
  • ગુજરાતના 5 IAS અધિકારી કોરોના સંક્રમિત
  • બેઠકમાં કોરોનાને કાબુમાં લેવા કેટલાક જરૂરી પગલા ભરવા અંગે ચર્ચાઓ થઈ

ગુજરાતમાં કોરોના-ઓમિક્રોન હાહાકાર મચાવી રહ્યો છે. જેને પગલે સરકાર દોડતી થઈ ગઈ છે. કારણે આગામી દિવસોમાં વાયબ્રન્ટ સમિટ પણ યોજાવાની છે તો એકતરફ વાયબ્રન્ટની તૈયારી તો બીજીતરફ સતત વધતા જતા કોરોના સંક્રમણને નિયંત્રણમાં કેવી રીતે લેવું તે સરકાર માટે પડકારજનક છે. આજે મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં અત્યારે કોવિડ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે. જેમા કોરોનાને કાબુમાં લેવા કેટલાક જરૂરી પગલા ભરવા અંગે ચર્ચાઓ થઈ છે. આ બેઠકમાં તમામ મહાનગરપાલિકાના કમિશનરઓ અને જિલ્લા કલેકટરઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરી તેને નિયંત્રણમાં લેવા માટે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન ઉપર ભાર મુકવામાં આવ્યો છે. મુખ્ય સચિવ કોવિડ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી તેને કાબૂમાં લેવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.

તમામ મહાનગરપાલિકાના કમિશનરઓ પણ બેઠકમાં હાજર રહ્યાં
તમામ મહાનગરપાલિકાના કમિશનરઓ પણ બેઠકમાં હાજર રહ્યાં

કોરોના નિયંત્રણ માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવા સૂચના
મુખ્ય સચિવએ મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટરઓને કોરોનાના સંક્રમણને રોકવા માટે સંભવિત વિસ્તારોમાં સામેથી કેસો શોધવા માટે આરોગ્યની ટીમોને પ્રોએક્ટિવ ભૂમિકા દાખવીને પ્રિવેન્ટિવ કામગીરી કરવા માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન, માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન, ઓપીડી કેસોનું રોજબરોજ મોનીટરીંગ કરીને તાવ, ઉધરસના કેસો સંદર્ભે ખાનગી હોસ્પિટલો તથા IMA સાથે સંકલન કરી કોરોના નિયંત્રણ માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરી જરૂરી આયોજનો કરવા સૂચનાઓ આપી હતી.

ધન્વંતરી-સંજીવની રથ દ્વારા મોનીટરીંગ કરવા ખાસ સૂચના
મુખ્ય સચિવએ ધન્વંતરી રથ અને સંજીવની રથના રોજ-બરોજ મોનીટરીંગ કરીને કેસો પર ધ્યાન રાખવા સૂચના આપી હોસ્પિટલોમાં જિલ્લાઓ દ્વારા કરાયેલ તૈયારીઓની પણ સમીક્ષા કરીને માર્ગદર્શન આપ્યુ હતું.તેમણે છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં જે કેસો આવી રહ્યા છે તેના પરથી દૈનિક મોનીટરીંગ કરીને આવનાર દિવસોમાં સંભવતઃ કેસો વધે તો તે અંગે ઝીરો કેઝ્યુલીટી માટે કેવી તૈયારીઓ રાખવી અને શું આયોજન કરવું તે અંગે સવિસ્તૃત માહિતી પૂરી પાડીને તમામને આ અંગે જરૂરી આયોજનો કરવા સૂચનાઓ આપી હતી.આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત મ્યુનિસિપલ કમિશનરઓએ સહભાગી થઇ વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

રાજશ્રી કેસરી, કોર્પોરેટર ચાંદખેડા વોર્ડ
રાજશ્રી કેસરી, કોર્પોરેટર ચાંદખેડા વોર્ડ

ફલાવર શો રદ કરવા કોર્પોરેટર રાજશ્રી કેસરીએ PIL કરી
રાજ્યમાં કોરોનાના વધતા કેસો વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 8 જાન્યુઆરી 2022 રોજ સાબરમતી રિવરફ્રન્ટ પાર્ક ખાતે ફલાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફલાવર શોને રદ કરવા માટે કોંગ્રેસ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં PIL કરવામાં આવી છે. ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ગુજરાત હાઈકોર્ટમાં PIL કરી છે કે રાજ્ય સહિત અમદાવાદમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે જેના કારણે કોરોનાં વધુ ફેલાવવાની શકયતા છે જેના કારણે આ ફલાવર શો રદ કરવામાં આવે.

રાજશ્રી કેસરીએ જણાવ્યું હતું કે, ફલાવર શો રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં PIL કરવામાં આવી છે. એક કલાકમાં 400 લોકો ઉપરાંત કોર્પોરેશનના કર્મચારીઓ, નર્સરીના કર્મચારીઓ, સ્ટોલના કર્મચારીઓ તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમના એમ 500 જેટલા લોકો ફલાવર શોમાં હાજર રહેવાના છે. રાજ્ય સરકાર 400 લોકોને મંજૂરી આપે છે પરંતુ ફલાવર શોમાં 400થી વધુ લોકો આવશે.અમદાવાદ શહેરમાં રોજના 1000 જેટલા કેસ હવે આવે છે ત્યારે આ ફલાવર શો યોજાશે. તો કોરોના વધુ ફેલાવવાની શક્યતા છે. જો આ ફલાવર શો યોજાશે અને કોરોના ફેલાશે તો કોર્પોરેશનના અધિકારીઓ કે પદાધિકારીઓ જવાબદાર રહેશે??

આરોગ્ય વિભાગમાં જ કોરોનાની એન્ટ્રી
ગઈકાલે ગુજરાત સરકારના વધુ બે IAS કોરોના સંક્રમિત થયા હતા. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, IAS રાજકુમાર બેનિવાલ, IAS હારિત શુક્લા, IAS મનોજ અગ્રવાલ અને જગદીશ પ્રસાદ ગુપ્તા કોરોના સંક્રમિત થયા હતા. ગઈકાલે સાંજે જ આરોગ્ય વિભાગના અગ્ર સચિવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહત્વનું છે કે, આજે વધુ કેટલાંક અધિકારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવી શક્યતા છે. ગુજરાત સરકારના કુલ 5 IAS અધિકારી કોરોના સંક્રમિત થયા છે. IAS હારિત શુક્લા વર્ષ 2020માં પણ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે તેમણે હોમ ક્વોરન્ટીન થઈને સારવાર લીધી હતી. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે કેબિનેટ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે કોરોનાને કારણે રદ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ગઈકાલે 2265 કોરોના કેસ નોંધાયા
રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 7 મહિના બાદ પહેલીવાર 2200થી વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 નવા કેસ નોંધાયા છે. એ પહેલા 29 મેના રોજ 2230 કેસ હતા. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કેસમાં બમણો વધારો થઈને કુલ 1290 કેસ નોઁધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 37 હજાર 293ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 125 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 19 હજાર 287 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 7881 એક્ટિવ કેસ છે, જેમાંથી 18 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 7863 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય સમાચારો પણ છે...