• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In The Matter Of Stray Cattle And Bismar Road In Ahmedabad, Mr. Commissioner Akra Pani Took A Dig At The Officials In The Review Meeting

કમિશનરે અધિકારીઓને આડેહાથ લીધા:અમદાવાદમાં રખડતા ઢોર અને બિસ્માર રોડ મામલે મ્યુ. કમિશનર આકરા પાણીએ, રીવ્યુ મિટિંગમાં અધિકારીઓનો ઉધડો લીધો

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર અને બિસ્માર રોડને લઈ નાગરિકો હેરાન પરેશાન છે. અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને જાણ કરવા છતાં પણ આનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. ત્યારે રખડતાં ઢોર અને ખરાબ રોડની નાગરિકોની ફરિયાદો ઉઠતા આજે મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારેસન દ્વારા વિક્લી રીવ્યુ મિટિંગમાં સીએનસીડી વિભાગ અને રોડ વિભાગના અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પાસે પૂરતી સાધન સામગ્રી અને સુવિધાઓ હોવા છતાં પણ શા માટે યોગ્ય કામગીરી કરવામાં નથી આવતી તેવા આકરા સવાલો કમિશનર દ્વારા અધિકારીઓને પૂછવામાં આવ્યા હતા. જેનો યોગ્ય જવાબ ન મળતા કમિશનરે તેઓને આડેહાથ લીધા હતા અને કામગીરી કરવા માટેની સૂચના આપી હતી.

રખડતા ઢોર અને ખરાબ રસ્તા મામલે ખખડાવ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારેસને જ્યારથી ચાર્જ સંભાળ્યો છે. ત્યારથી કોર્પોરેશનમાં ચાલતી લાલયાવાડીને બંધ કરાવી અને કામગીરી કરાવવાનું શરૂ કર્યું છે. આજે કમિશનરની અધિકારીઓ સાથેની વિકલી રીવ્યુ મિટિંગ મળી હતી જેમાં શહેરમાં રખડતા ઢોર અને ખરાબ રસ્તા મામલે અધિકારીઓને ખખડાવ્યા હતા. સૌથી પહેલા સીએનસીડી વિભાગના અધિકારી નરેશ રાજપૂત અને ડોક્ટર પ્રતાપસિંહ રાઠોડ જેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને 10 દિવસમાં પરત નોકરી પર લેવામાં આવ્યા હતા. એવા બંને અધિકારીને શહેરમાં રખડતા ઢોર મુદ્દે આડે હાથ લેતા તેઓએ જણાવ્યું હતું કે તેઓને દરેક પ્રકારના સાધનો અને મેનપાવર આપવામાં આવ્યા છે છતાં પણ રોજના માત્ર 55 જેટલા જ ઢોર શહેરમાંથી કેમ પકડવામાં આવે છે. સાથે ઝોનમાં 21 ટીમો રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરે છે છતાં પણ તેમ આટલા જ રખડતા ઢોર જોવા મળે છે અને રોડ ઉપર હજી પણ રખડતા ઢોર હોવાની ફરિયાદો ઉઠી રહી છે જેને લઇ અને કમિશનર દ્વારા બંનેને આડેહાથ લેવામાં આવ્યા હતા.

ક્યાંય પણ રોડની કામગીરી પૂર્ણ થઇ નથી
બીજી તરફ દિવાળી બાદ 31 ઓક્ટોબર સુધીમાં શહેરમાં તમામ જગ્યાએ રોડ ફ્રી સરફેસ અને જ્યાં પણ પેચ વર્કની કામગીરી કરવાની હોય છે તે પૂર્ણ કરવાની હતી. જોકે, શહેરના અનેક વિસ્તારોમાં હજી પણ ખરાબ રોડ અને ક્યાંય પણ રોડની કામગીરી પૂર્ણ થઇ નથી. જેને લઇ મ્યુનિસિપલ કમિશનર ગુસ્સે ભરાયા હતા અને 31 ઓક્ટોબર સુધીમાં રોડ રીસરફેસની કામગીરી પૂર્ણ કરવાની હતી છતાં પણ કેમ પૂર્ણ નથી થઈ તેવો આસિસ્ટન્ટ સીટી ઇજનેરોને સવાલ કર્યો હતો. જેમાંથી એક ઝોનના આસિસ્ટન્ટ સીટી ઇજનેરે કમિશનરને એવું કહ્યું કે કોન્ટ્રાક્ટરોની હડતાલ હતી તો તેને લઈ અને કમિશનરે તેમને આડે હાથ લેતા કહ્યું હતું કે કોન્ટ્રાક્ટરોની હડતાલ તો એક દિવસ હતી પરંતુ એક પણ ઝોનમાં જે રીતે કામગીરી પૂર્ણ થવી જોઈએ તે હજી સુધી પૂરી થઈ નથી. રોજના 600 મેટ્રિક ટન જેટલું કામ એક ઝોનમાં થવું જોઈએ. જે હજી સુધી જોવા મળતું નથી અને ધીમી કામગીરી છે.

આજે પણ નાગરિકોને રોડ બાબતે હાલાકી
ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી હોવા છતાં પણ દિવાળી પહેલા શહેરમાં રોડની કામગીરી પૂર્ણ થવાની જરૂર હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ દ્વારા રોડ બાબતે કોઈપણ પ્રકારનું યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી. જેના કારણે આજે પણ નાગરિકોને રોડ બાબતે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને નવા કમિશનરે આવીને બાદમાં સૂચના આપવી પડી છે કે, હવે રોડ સારા કરો. મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓને અવારનવાર આડેહાથ લઈ અને યોગ્ય કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવે છે છતાં પણ આવા અધિકારીઓ યોગ્ય કામગીરી કરતા નથી. શહેરમાં અનેક જગ્યાએ હજી પણ રોડની હાલત ખૂબ જ ખરાબ છે. પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર હોય કે પશ્ચિમ વિસ્તારમાં સાબરમતી, ન્યુ રાણીપ, ચેનપુર દરેક જગ્યાએ હજી પણ ખરાબ રોડ છે છતાં પણ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...