કાયદાની વાત:કુંતા માતાએ જન્મ બાદ કર્ણને તરછોડી દીધો હતો, આવા કિસ્સામાં IPCની કઈ કલમ હેઠળ ગુનો નોંધાય?

અમદાવાદએક મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • IPCની કલમ હેઠળ દાખલ કરાયેલા આ પ્રકારના ગુનામાં 7 વર્ષની કેદ સજા

લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં કાયદાકીય એટલે કે IPCની કલમોનું જ્ઞાન ખૂબ જ જરૂરી રહેતું હોય છે. તેમાં પણ મહાભારત, રામાયણ જેવી ધાર્મિક કથાઓના ઉદાહરણોથી આ કલમો યાદ રાખવામાં ઉમેદવારોને ફાયદો થતો હોય છે. ત્યારે આવા જ એક ઉદાહરણ દ્વારા આજે IPCની કલમ 317 વિશે થોડી માહિતી મેળવીએ.

કુંતિએ કર્ણને જન્મ બાદ તરછોડ્યો
રાજા શૂરસેનની પુત્રી કુંતિ પોતાના મહેલમાં આવેલા મહાત્માઓની સેવા કરતી હતી. એકવાર ત્યાં ઋષિ દુર્વાસા પણ પધાર્યા. કુંતિની સેવાથી પ્રસન્ન થઈને ઋષિ દુર્વાસાએ પૂર્ણપણે પ્રસન્ન બનીને એમને એક મંત્ર આપીને જણાવ્યું કે, આ મંત્રથી જે જે દેવનું આવાહન કરશે, તે તે દેવના પ્રભાવ કે પ્રસાદથી તને પુત્રપ્રાપ્તિ થશે. મહર્ષિ દુર્વાસાની વિદાય પછી એક દિવસ કુંતીને કુતૂહલવશ થઇને મંત્રપ્રયોગની આકાંક્ષા થઇ આવી. એનું આવાહન કરવાથી એની પાસે ભગવાન સૂર્યનારાયણ આવી પહોંચ્યા. એમને જોઈને કુંતિ બોલ્યા કે, મેં તો કેવળ પરીક્ષા કરવા માટે જ મંત્રનો પ્રયોગ કર્યો છે. આ પ્રયોગ પાછળ કોઇ બીજો આશય નથી. મારા સાહસયુક્ત અસાધારણ અપરાધને માટે મને ક્ષમા કરો.

IPCની કલમ 317 હેઠળ 7 વર્ષની કેદની સજા
ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે, મારી કૃપાથી તને કોઇ પ્રકારનો દોષ નહીં લાગે. એથી ઊલટું, મને કોઇપણ પ્રકારના પ્રયોજન વગર બોલાવવાનો દોષ લાગશે. આ બાદ કુંતિ પુત્રવતી બન્યા. એ પુત્ર કર્ણ હતો. ભગવાન સૂર્યનારાયણે કુંતીને પુનઃકૌમાર્ય આપ્યું. કુંતીએ લોકલાજથી બચવા માટે, લોકાપવાદથી ડરીને, પોતાના એ અકાળે પ્રગટેલા પરમપ્રતાપી પુત્રને નદીમાં વહાવી દીધો હતો. આમ જો કોઈ 12 વર્ષથી નાની ઉંમરના બાળકને માતા-પિતા અરક્ષિત ત્યજી દે ત્યારે તેમની સામે IPCની કલમ 317 હેઠળ ગુનો દાખલ થાય છે અને આવા ગુનામાં 7 વર્ષની કેદ અથવા દંડની જોગવાઈ કરાયેલી છે.