સઘન ચેકિંગ:અમદાવાદમાં કાંકરિયામાં છેલ્લા બે દિવસમાં વેક્સિન સર્ટિફિકેટ વિના પ્રવેશ કરતાં 1557 લોકોને પાછા ધકેલાયા

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • બુધવારે 753 અને ગુરૂવારે 804 લોકોને કાંકરિયા પરિસરમાં પ્રવેશ અપાયો નહતો
  • કાંકરિયામાં ટિકીટ બારીના તમામ સાત ગેટ પર વેક્સિન સર્ટિ ચેક કરીને જ પ્રવેશ અપાય છે

કોરોનાના કેસો વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર સ્થળો, કચેરીઓમાં વેક્સિન સર્ટી નહીં બતાવનાર લોકોને પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. જે લોકો વેક્સિન સર્ટી બતાવે તે લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરમા વેકેશનમાં કાંકરિયા પરિસરમાં હજારો પ્રવાસીઓ આવી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા વેક્સિન સર્ટી જોઈને જ તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કાંકરિયામાં છેલ્લા બે દિવસમાં વેક્સિન સર્ટિફિકેટ વિના પ્રવેશ કરતાં 1557 લોકોને પાછા ધકેલવામાં આવ્યાં હતાં.

મોર્નિંગ વોકર્સને પણ સર્ટિ વિના પ્રવેશ નહીં
કાંકરિયા પરિસરમાં સવારે સવારે મોર્નિંગ વોકમાં આવતા લોકો પાસે પણ જો બે ડોઝ લીધાનું સર્ટી ન હોય તો તેઓને પણ પ્રવેશ આપવામાં આવતો નથી.કાંકરિયા પરિસરમાં પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, બટર ફ્લાય, મ્યુઝિકલ ફાઉન્ટેન, લેઝર શો, નોકટર્નલ ઝૂ, હોરર હાઉસ, પાણીનો બબલ, બોટિંગ, બાળકોની રાઇડ્સ, કીડસ સિટી વગેરે નજરાણા શહેરીજનો માટે આકર્ષણના કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને બહારના જિલ્લા, અન્ય રાજ્યોમાંથી આવતા લોકો પણ મુલાકાતે આવતા હોય છે. આ સ્થિતિમાં કોરોનાના ગાઇડ લાઇનનું પાલન કરવાનું ફરજિયાત બનાવાયું છે.

શહેરમાં AMTS અને BRTS બસોમા પણ સઘન ચેકિંગ ( ફાઈલ ફોટો)
શહેરમાં AMTS અને BRTS બસોમા પણ સઘન ચેકિંગ ( ફાઈલ ફોટો)

તમામ સાત ગેટ પર ટિકિટ બારી પાસે ચેકિંગ
દિવાળી પછી કોરોનાના કેસ વધતા હવે કોરોના રસીના બે ડોઝ લીધા હોય તેવા લોકોને જ કાંકરિયા પરિસરમાં પ્રવેશ આપવાનો સત્તાવાળાઓએ નિર્ણય લીધો છે. આજ કારણોસર બુધવારે 753 અને ગુરૂવારે 804 લોકોને કાંકરિયા પરિસરમાં પ્રવેશ અપાયો નહતો. તમામ સાત ગેટ પર ટિકિટ લેતી વખતે બે ડોઝ લીધાના સર્ટી ફરજિયાત માંગવામાં આવે છે. રસીના બંને ડોઝ લીધા હોય તો જ પ્રવેશ અપાય છે. સવારે મોર્નિંગ વોકમાં મોટી સંખ્યામાં લોકો ચાલવા આવતા હોય છે. ત્યારે પણ બે ડોઝ લીધાના સર્ટિફિકેટ માંગવામાં આવે છે. નહીં તો લોકોને પાછા ધકેલી દેવાય છે.

હવે તમામ જગ્યાએ વેક્સિન સર્ટિફિકેટ ચેક કરાશે
12 નવેમ્બરથી વેક્સિન માટે લાયકાત ધરાવતા 18 વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધેલ હોય તેવા વ્યકિતઓને AMC દ્વારા કાર્યરત AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ, એ.એમ.સી.સ્પોર્ટ્સ કોમ્લેક્સ, સિટી સીવીક સેન્ટર અને કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા કોરોના વેક્સિનના સર્ટિફિકેટ તપાસવામાં આવશે.

જાહેર સ્થળો અને કચેરીઓમાં વેક્સિન સર્ટિ વિના નો એન્ટ્રી ( ફાઈલ ફોટો)
જાહેર સ્થળો અને કચેરીઓમાં વેક્સિન સર્ટિ વિના નો એન્ટ્રી ( ફાઈલ ફોટો)

અગાઉ આ નિયમનો બે જ દિવસમાં ફિયાસ્કો થયો હતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા એક મહિના પહેલા અમદાવાદમાં AMTS, BRTS, સિવિક સેન્ટરો, અર્બન હેલ્થ સેન્ટરો, ઝોનલ ઓફિસ વગેરે જગ્યાએ ફરજિયાત વેક્સિન સર્ટિફિકેટ બતાવીને જ પ્રવેશ મેળવવાનો રહેશે તેવી જાહેરાત કરી હતી. જો કે કોર્પોરેશનના આ નિયમોનો બે દિવસમાં જ ફિયાસ્કો જોવા મળ્યો હતો.કોર્પોરેશનની સબ ઝોનલ ઓફિસ, સિવિક સેન્ટર અને BRTS બસ સ્ટેન્ડ સહિતની જગ્યાએ કોરોના વેક્સિનેશન ચેકિંગ અંગે કોઈ જગ્યાએ કોર્પોરેશનના કર્મચારીઓ વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરતા હોય તેવું જોવા મળ્યું ન હતું. કોઈ જગ્યાએ ચેક કરવાની ઈચ્છા હોય તો પૂછતાં હતા બાકી ક્યાંય ચેકિંગ થતું જોવા મળ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...