જો આવું થાય તો?:LRD ભરતીમાં છેલ્લી પસંદગી યાદીમાં જો કોઈ બે ઉમેદવારોના એકસરખા માર્ક્સ થાય તો પહેલા કોને નોકરી મળે?

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારોને શારીરિક કસોટી, લેખિત કસોટી તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ આખરી પસંદગી યાદી તૈયાર થશે

રાજ્યમાં ઘણા લાંબા સમય બાદ લોકરક્ષક દળની 10 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. આ માટેની શારીરિક કસોટી 3 ડિસેમ્બરથી શરૂ થશે જ્યારે માર્ચ મહિનામાં લેખિત પરીક્ષા શરૂ કરવામાં આવી શકે છે. આ નોકરી માટે 9.46 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને ભરતીની તૈયારી કરી રહ્યા છે, જેમાંથી માત્ર 10 હજારને જ નોકરી મળી શકશે. જોકે પરીક્ષા પાસ કરવા ઉમેદવારે શારીરિક કસોટી તથા શારીરિક માપદંડની કસોટી, લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે બોડી હેલ્થ ચેક-અપમાંથી પસાર થવું પડશે. જોકે ઘણીવાર આટલા બધા ઉમેદવારોના કિસ્સામાં કેટલાક બે કે તથી વધુ ઉમેદવારોના માર્ક્સ એક સમાન હોય છે. એવામાં નોકરીની પહેલી પ્રાથમિકતા કોને મળશે તેવો સવાલ થતો હોય છે.

ચાર બાબતો ધ્યાનમાં રાખી સમાન માર્ક્સ ધરાવતા ઉમેદવારોને નોકરી મળશે
LRDની ભરતી માટે આખરી પસંદગી યાદી તૈયાર કરવામાં આવે ત્યારે બે કે તેથી વધુ ઉમેદાવારોના સમાન ગુણ થતા હોય તેવા કિસ્સામાં મુખ્યત્વે ચાર બાબતો ધ્યાનમાં રાખીને કોઈ એક ઉમેદવારને નોકરી માટે પ્રાથમિકતા આપવામાં આવે છે. લોકરક્ષક ભરતી બોર્ડે ભરતી માટે બહાર પાડેલા નોટિફિકેશનમાં આ તમામ બાબતો સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

સરખા માર્ક્સના કિસ્સામાં નોકરીમાં પહેલી પ્રાથમિકતા કોને મળે?

  • તેવા કિસ્સામાં ઉમેદવારોની જન્મ તારીખ ધ્યાને લેવામાં આવશે. જન્મ તારીખ પ્રમાણે વધુ ઉંમરવાળા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
  • જો ગુણ અને જન્મ તારીખ બંન્ને સમાન હોય ત્યારે ઉમેદવારોની ઉંચાઇ ધ્યાને લેવામાં આવશે, જે ઉમેદવારની ઉંચાઇ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
  • જો ગુણ, જન્મ તારીખ અને ઉંચાઇ સમાન હોય ત્યારે ઉમેદવારોના હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકાર દ્વારા માન્ય ધોરણ-12 સમકક્ષ પરીક્ષામાં મેળવેલા ગુણ ધ્યાને લેવામાં આવશે. જે ઉમેદવારના ગુણ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
  • જો ગુણ, જન્મ તારીખ, ઉંચાઇ અને હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકાર દ્વારા માન્ય ધોરણ-12 સમકક્ષ પરીક્ષામાં મેળવેલ ગુણ સમાન હોય ત્યારે ઉમેદવારે એસ.એસ.સી. પરીક્ષામાં મેળવેલા ગુણ ધ્યાને લેવામાં આવશે, જે ઉમેદવારના ગુણ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

10 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી
જણાવી દઈએ કે, ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યાઓ સીધી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 9.46 લાખ અરજીઓ કન્ફર્મ થઈ હતી. જેમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાઓની અરજીઓ ઉમેદવારો છે.