પ્રશ્નપત્રનું વિશ્લેષણ:LRDની છેલ્લી ચાર લેખિત પરીક્ષામાં કાયદો, ભૂગોળ અને રીઝનિંગ વિષયના 45 ટકા પ્રશ્નો પુછાયા, જુઓ છેલ્લી ચાર પરીક્ષાના પ્રશ્નપત્રો​​​​​​​

અમદાવાદ12 દિવસ પહેલા
  • ગુજરાત પોલીસમાં વર્ષ 2012, 2015, 2016 અને 2019માં થયેલી ભરતીમાં લેખિત પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો
  • પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, કમ્પ્યુટર, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, રીઝનિંગ, વિજ્ઞાન, કાયદાના પ્રશ્નો પુછાશે

ગુજરાત પોલીસમાં 10,459 જેટલી લોકરક્ષક (LRD) કેડરની ભરતી માટે 9.50 લાખ જેટલા ઉમેદવારો છે. શારીરિક દોડની પરીક્ષા પૂરી થયા બાદ લેખિત પરીક્ષા એક જ મહિનામાં યોજાવાની છે, જેથી એની તૈયારી પણ ઉમેદવાર કરી રહ્યા છે. 100 માર્ક્સની લેખિત પરીક્ષામાં MCQ દ્વારા અલગ અલગ વિષયોના પ્રશ્નો પુછાય છે. ભૂતકાળમાં ગુજરાત પોલીસમાં થયેલી LRDની ભરતીની લેખિત પરીક્ષાઓમાં કયા વિષયના કેટલા માર્ક્સના પ્રશ્નો હતા એનું અંદાજિત અને સરેરાશ વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જે હાલમાં સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહ્યું છે. છેલ્લી ચાર LRD ભરતીનાં પેપરમાં સરેરાશ 45 ટકા જેટલા પ્રશ્નો કાયદો, ભૂગોળ અને રીઝનિંગ વિષયના પુછાયા છે, જેથી આ વિષયોમાં ઉમેદવારોએ વધુ વાંચન કરવાની જરૂર છે.

LRDની લેખિત પરીક્ષાનું વર્ષ 2012નું પ્રશ્નપત્ર

LRDની લેખિત પરીક્ષાનું વર્ષ 2015નું પ્રશ્નપત્ર

LRDની લેખિત પરીક્ષાનું વર્ષ 2016નું પ્રશ્નપત્ર

LRDની લેખિત પરીક્ષાનું વર્ષ 2019નું પ્રશ્નપત્ર

છેલ્લી ચાર ભરતીમાં કેવા પ્રશ્નો વધુ પૂછાયા?
LRDની ભરતીમાં લેખિત પરીક્ષામાં કાયદો, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, બંધારણ અને વર્તમાન પ્રવાહો વગેરે વિષય પર વધુ ભાર આપવામાં આવે છે. સોશિયલ મીડિયામાં અને પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ગુજરાત પોલીસમાં વર્ષ 2012, 2015, 2016 અને 2019માં થયેલી ભરતીમાં લેખિત પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોમાં અંદાજિત રીતે સૌથી વધુ કાયદો, ભૂગોળ, વિજ્ઞાન, ગણિત તેમજ રીઝનિંગના પ્રશ્નો સૌથી વધુ પુછાયા છે. સોશિયલ મીડિયામાં ફરતી એક પોસ્ટમાં કાયદા વિષયમાં સૌથી વધુ પ્રશ્નો પુછાયા છે.

2019માં રીઝનિંગમાં 31 માર્ક્સના પ્રશ્નો પૂછાયા
વર્ષ 2019ની ભરતીમાં રીઝનિંગમાં સૌથી વધુ 31 માર્ક્સના પ્રશ્નો પુછાયા હતા. 2015-2016ની ભરતીની પરીક્ષામાં કાયદાના વિષય પર સૌથી વધુ અનુક્રમે 20 અને 24 માર્ક્સના પ્રશ્નો હતા. ભૂતકાળમાં લેવાયેલી પરીક્ષાઓમાં અંદાજિત રીતે ઇતિહાસ, ભૂગોળ, રીઝનિંગ અને બંધારણ જેવા વિષયોમાં 10થી વધુ માર્ક્સના પ્રશ્નો પુછાયા છે. મનોવિજ્ઞાન, સાહિત્ય, સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક વારસો જેવા વિષયોના માત્ર 1થી 2 માર્ક્સનું પુછાય છે.

આ પણ વાંચોઃ મેસેજ આપતી મહેંદી:મહિલા ઉમેદવારે હાથમાં મુકાવી LRDની મહેંદી, એક હાથમાં પુસ્તકો તો બીજામાં દોડતી યુવતી ચિતરાવી

લેખિત પરીક્ષા બે કલાકની રહેશે
લેખિત પરીક્ષામાં દરેક પ્રશ્નના એક ગુણ લેખે કુલ ગુણ 100 રહેશે. પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે. આ પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, કમ્પ્યુટર જ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, માનસિક ક્ષમતા, વિજ્ઞાન તેમજ ભારતના બંધારણના પાયાના સિદ્ધાંતો, ભારતીય ફોજદારી અધિનિયમ 1860, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1976 અને ભારતીય પુરાવા અધિનિયમ-1872ને લગતા પ્રાથમિક પ્રકારના પ્રશ્નોને આવરી લેવાશે.

છેલ્લા ચાર પ્રશ્નપત્રોનું વિશ્લેષણ
છેલ્લા ચાર પ્રશ્નપત્રોનું વિશ્લેષણ

આ પણ વાંચો: DB પર LRDની તમામ માહિતી: દિવ્યભાસ્કરના LRD ભરતી માર્ગદર્શનને 'ખજૂર'નો સાથ, દિવ્યભાસ્કર એપ ડાઉનલોડ કરવા અપીલ કરી

લેખિત પરીક્ષામાં નેગેટિવ માર્કિંગનો નિયમ
આ લેખિત પરીક્ષા MCQ (Multiple Choice Question) અને OMR (Optical Mark Reader) પદ્ધતિમાં લેવામાં આવશે. તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. દરેક પ્રશ્નમાં એક "Not Attempted"નો વિકલ્પ પણ આપવામાં આવશે. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ ન આપવા માગતા હોય તો "Not Attempted" વિકલ્પની પસંદગી કરવાની રહેશે. "Not Attempted" વિકલ્પને પસંદ કરવામાં આવે તો કોઈ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં. દરેક સાચા જવાબ માટે એક ગુણ મળશે તેમજ દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ નેગેટિવ રહેશે.

વ્હાઇટનર પેનનો ઉપયોગ નહીં કરી શકો
ઉમેદવારે કોઈપણ વિકલ્પ પસંદ કર્યો નહીં હોય તો 0.25 ગુણ નેગેટિવ ગણવામાં આવશે. એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરેલા હશે તો 0.25 ગુણ નેગેટિવ ગણવામાં આવશે. OMR શીટમાં સફેદ શાહીનો ઉપયોગ નિષેધ છે. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નના જવાબમાં સફેદ શાહી (white Ink)નો ઉપયોગ કરશે તો એ જવાબ ખોટો ગણી નેગેટિવ ગુણ આપવામાં આવશે. લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે.

નેગેટિવ માર્કિંગ લેખે ભૂલદીઠ 0.25 માર્ક કાપી લેવાશે
આમ, લેખિત પરીક્ષામાં ઉમેદવારે કરેલી પ્રત્યેક ચાર ભૂલ માટે એનો 1 માર્ક ઓછો થશે. ઉદાહરણ તરીકે જો કોઈ ઉમેદવારની MCQ શીટમાં 10 ભૂલ થઈ હોય તો એના કુલ માર્ક્સમાંથી 2.50 માર્ક્સ ઓછા થઈ જશે. આમ, જો તેને લેખિત પરીક્ષામાં 67 માર્ક્સ મળ્યા હોય તો એ ઘટીને 64.5 માર્ક્સ થઈ જશે, જેની સીધી અસર ઉમેદવારના મેરિટ લિસ્ટ પર થશે.