પ્રેમ નહીં, કલંક:​​​​​​​ગુજરાતમાં છેલ્લાં 4 વર્ષમાં એકતરફી પ્રેમમાં સાઇકો પ્રેમીઓએ 3 હત્યા કરી, કોઈએ છરીના 35 ઘા માર્યા તો કોઈએ ગળું કાપ્યું

અમદાવાદ7 મહિનો પહેલાલેખક: યોગેશ ગજ્જર
  • છેલ્લાં ચાર વર્ષમાં એકતરફી પ્રેમમાં યુવતીઓની નિર્મમ હત્યાના 3 ચોંકાવનારા કિસ્સા
  • ​​​​​બે કિસ્સામાં ઝેર અને એસિડથી છોકરીની હત્યાનો પ્રયાસ કરાયો

તાજેતરમાં જ સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીનું જાહેરમાં ગળું કાપીને હત્યા કરી નાખી. આ બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. જન આક્રોશને પગલે લોકોની માગ છે કે પ્રેમ જેવા પવિત્ર શબ્દને કલંકિત કરનારા આ હત્યારાને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવામાં આવે. ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષમાં એકતરફી પાગલ પ્રેમીઓએ ત્રણ ખૂબ જ ચોંકાવનારા કિસ્સામાં યુવતીઓની નિર્મમ હત્યા કરી નાખી, જ્યારે બે કિસ્સામાં યુવતીઓની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.

પરિવારની સામે જ પાગલ પ્રેમીએ યુવતીનું ગળું કાપી નાખ્યું
શનિવારે સુરત કામરેજના પાસોદરા પાટિયા પાસે માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ફેનિલ નામનો આ યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો, જેને પગલે યુવક યુવતીના ઘર બહાર પહોંચી જઇ હંગામો મચાવ્યો હતો. યુવતીનો ભાઈ છોડાવવા જતાં યુવતીના ગળા પર ચપ્પુ ફેરવ્યું અને તેના ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કર્યો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ પર પણ યુવકે હુમલાનો પ્રયાસ કર્યો હતી. ત્યાર બાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાધી હતી. પોલીસ આવતાં હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

જેતલસરમાં સગીરાની છરીના 35 ઘા મારી હત્યા
સુરત જેવી જ ઘટના ગત વર્ષે જેતપુર તાલુકાના જેતલસર ગામે બની હતી. એમાં યુવકે તરુણીને વારંવાર લગ્ન કરવા દબાણ કરતો હતો, જ્યારે 16 વર્ષની સગીરા વારંવાર ના પાડતી હતી, આથી જયેશ ગિરધરભાઈ સરવૈયા નામનો આરોપીએ યુવતીના ઘરે જઈ ભાઈ-બહેન એકલાં હતાં ત્યારે છરીના આડેધડ 35 ઘા મારી તેની હત્યા નીપજાવી હતી. આ જોઇ યુવતીનો ભાઈ હર્ષ બહેનને બચાવવા આડો પડ્યો હતો. ત્યારે આરોપીએ મોઢું જોયા વગર પાંચ છરીના ઘા તેને પણ ઝીંકી દીધા હતા. આરોપી જયેશ જાણે માનસિક સ્થિતિ ગુમાવી ચૂકયો હોય એમ આડોશપાડોશના લોકો પર પણ હુમલો કરવાની તૈયારીમાં હતો. ત્યારે લોકોએ સમયસૂચકતા વાપરી યુવતીના ભાઇ હર્ષને પાડોશીના ઘરમાં લઈ ગયા હતા અને જોરદાર બૂમાબૂમ થઇ જતાં જયેશ સરવૈયા ત્યાંથી નાસી છૂટયો હતો.

બાવળામાં પ્રેમીએ યુવતીની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી
બાવળામાં વર્ષ 2019માં એક પ્રેમીએ યુવતીના લગ્નના થોડા દિવસો પહેલાં જ જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. 8મે 2019ના રોજ સાંજે બાવળા સ્ટેન્ડ બહાર મિત્તલ જાદવ નામની યુવતી તેની બહેન સાથે જઈ રહી હતી, ત્યારે કેતન વાઘેલા નામના આરોપી સહિત ત્રણ શખસ બાઈક પર આવીને મિત્તલને બળજબરીથી બાઈક પર લઈ જવા માટે પ્રયાસ કર્યો હતો. મિત્તલે જવાનો ઈનકાર કરતાં કેતને તેને છરીના આડેધડ ચાર ઘા મારી દીધા હતા. પોલીસ આરોપીની પૂછપરછ કરતાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે કેતન વાઘેલા મૃતક મિત્તલના એકતરફી પ્રેમમાં હતો અને મિત્તલના લગ્ન નક્કી થઇ ગયા હોવાથી તેની હત્યા કરી હતી.

11મા ધોરણના છોકરાએ વિદ્યાર્થિનીની બોટલમાં ઝેર ભેળવ્યું
વલસાડમાં 2020માં એક પ્રતિષ્ઠિત શાળામાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધા હતા. એ બાદ વિદ્યાર્થિનીના પરિવારે શાળાએ આવીને વિદ્યાર્થીને અભ્યાસમાં ધ્યાન આપવા સમજાવ્યો હતો. જેથી વિદ્યાર્થી તે વિદ્યાર્થિનીને પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતું. જોકે બીજી તરફ પ્રેમ સંબંધ રાખવા માટે વિદ્યાર્થિનીએ ના પાડતાં છોકરાએ મુંબઈ જઈને આત્મહત્યા કરવાની ધમકી આપતાં પરિવારે સમજાવ્યો હતો. આ બાદ એકતરફી પ્રેમમાં પડેલા વિદ્યાર્થીએ શાળામાં કોમ્પ્યુટર ક્લાસમાં ગયેલી વિદ્યર્થિનીની પાણીની બોટલમાં તેની જાણ બહાર ઊંદર મારવાની ઝેરી દવા ભેળવી દીધી હતી. વિદ્યાર્થિની જયારે પાણી પીવા ગઈ ત્યારે વાસ આવતાં આચાર્યને ફરિયાદ કરતાં રૂમના CCTV ચેક કરતાં એમાં વિદ્યાર્થી બોટલમાં કંઈક ભેળવતો હોવાનું દેખાયું હતું. વિદ્યાર્થિનીની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાઈ હતી અને વિદ્યાર્થી વિરુદ્ધ 307,354ડી અને 506(2) મુજબ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે વિદ્યાર્થીની પૂછપરછ હાથ ધરતાં તેના પરિવારને પણ જણાવ્યું હતું કે જો તે તેની નહીં થાય તો બીજાની પણ નહીં થવા દે.

એકતરફી પ્રેમીએ યુવતીના ઘરે જઈ એસિડ ફેંક્યું
વડોદરામાં 2019માં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીને યુવતીના ઘરે જઈને યુવતીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરીને યુવતી પર એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના સુરેન સર્કલ પાસેના એક ફ્લેટમાં રહેતા બિનિક્ષ હાંડેને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો, પરંતુ યુવતી બિનિક્ષને પસંદ કરતી ન હતી. બિનિક્ષને તે યુવતી સાથે લગ્ન કરવા હતા, તેથી તેને યુવતી સાથે જબરદસ્તીથી લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. તે પોતાની બાઈક લઇને યુવતીના ઘરે પહોંચ્યો અને બૂમો પાડવા લાગ્યો હતો. યુવતીએ લગ્ન કરવાની ના પડતાં તે પોતાની બાઈકમાંથી એસિડની બોટલ કાઢીને યુવતી પર ફેંક્યું હતું. સદનસીબે યુવતી ખસી જતાં યુવતી પર એસીડ પડ્યું ન હતું. ત્યાર બાદ બિનિક્ષે યુવતીને તેનાં પરિવારજનો સામે જ થપ્પડ મારીને તેની સાથે લગ્ન નહીં કરે તો ફરીથી એસિડ ફેંકવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...