એન્જિ. કોલેજનાં પાટિયાં પડવાનું નક્કી:છેલ્લાં 3 વર્ષમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા, જેથી મેરિટના આધારે પ્રવેશ સરળ બનશે

14 દિવસ પહેલાલેખક: અર્પિત દરજી
  • આ વર્ષે ડીગ્રી એન્જિ.ની 66 હજાર બેઠક માટે માત્ર 26,183 વિદ્યાર્થી જ ઉપલબ્ધ હશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ત્યારે પાછલાં વર્ષોની સરખામણીએ આ વર્ષના પરિણામમા કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો સામે આવી છે. વર્ષ 2019 એટલે કે 3 વર્ષ બાદ સૌથી ઓછા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાં ત્રણ વર્ષની સરખામણીએ વધુ પરિણામ ચાલુ વર્ષે નોંધાયું છે. અગાઉ વર્ષ 2020માં કુલ પરિણામ 71.76% જ્યારે વર્ષ 2019માં 71.90% પરિણામ નોંધાયું હતું. જોકે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની અને સારી વાત એ છે કે મેરિટના આધારે તેઓ સારી કોલેજમાં પ્રવેશ મેળવવો આસાન રહેશે.

ચાલુ વર્ષે બોર્ડના પરિણામમાં 1%નો જ વધારો
ધોરણ 12 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામમાં સૌથી મોટી અને ચિંતાજનક બાબત એ છે કે, આ વર્ષે બોર્ડની પરીક્ષામાં બેસેલા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા પાછલા બે વર્ષની સરખામણીમાં સૌથી ઓછી નોંધાઇ હતી. જોકે અગાઉના બે વર્ષના પરિણામની તુલનાએ ચાલુ વર્ષે બોર્ડના પરિણામમાં માત્ર 1%નો જ વધારો થયો છે. ગત વર્ષે એટલે કે 2021મા બોર્ડ પરીક્ષા લેવાઇ ન હતી, જેથી તમામ વિદ્યાર્થીઓને મેરિટના આધારે માસ પ્રમોશન આપવામાં આવ્યો હતું.

A અને B ગ્રુપમાં 1 ટકાથી અડધો ટકાનો વધારો-ઘટાડો
પરિણામ બાબતે અમદાવાદની મણિનગર સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ અને ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય રુતેશ શાહે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે 'ચાલુ વર્ષના પરિણામમાં 1 ટકાનો ભલે વધારો થયો હોય પરંતુ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની વાત એ છે કે, સારી કોલેજમાં મેરિટના આધારે પ્રવેશ મેળવવામાં સરળતા રહેશે'. કારણ કે આ વખતે પરીક્ષામાં બેસનાર અને પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા અગાઉના વર્ષોની સરખામણીએ 21 હજારથી 28 હજાર ઘટી છે. બીજી તરફ કુલ પરિણામમાં એ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મોટો તફાવત જોવા નથી મળ્યો. બન્ને ગ્રુપમાં 1 ટકાથી અડધો ટકાનો વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી વિદ્યાર્થીઓ સરળતાથી મેરિટના આધારે પ્રવેશ લઈ શકશે.

વર્ષ 2020માં 33,286 વિદ્યાર્થી પાસ થયા હતા
ઉપરાંત પરિણામની સૌથી મોટી વાત એ છે કે આ વર્ષે ડીગ્રી એન્જિનિયરિંગ કોલેજોની સ્થિતિ ખૂબ દયનિય બનશે અને બેઠકો ખાલી રહેવાનું પ્રમાણ વધુ રહેશે. કારણ કે, આ વર્ષે એ ગ્રુપમાં કુલ 26,183 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે વર્ષ 2020માં 33,286 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ બાબતે અમદાવાદની એ.જી ટીચર્સ સ્કૂલના આચાર્ય નીરવ ઠક્કરે જણાવ્યું કે, 'એ ગ્રુપના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો તો જોવા મળી રહ્યો હતો, તેવામાં આ વર્ષે ડીગ્રી એન્જી.ની 66 હજાર બેઠકો માટે માત્ર 26,183 વિદ્યાર્થીઓ જ ઉપલબ્ધ હશે, જે ચિંતાજનક બાબત છે.

અન્ય સમાચારો પણ છે...