રાજ-રમતમાં જનતા હારી ગઈ:કોરોનાની ત્રીજી લહેર ચૂંટણી-મેચ સમયે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગને કોરાણે મૂકાતાં છેલ્લા 15 દિવસમાં કેસ 250 ટકા થઈ ગયા, SVPમાં ICU ફૂલ

અમદાવાદએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી વયોવૃદ્ધ અને 100 વર્ષના સંત આનંદપ્રિયદાસજીએ 80મા દીક્ષા દિનની નિમિત્તે લોકોને કોરોનાથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના મહત્ત્વનો મેસેજ આપ્યો હતો. - Divya Bhaskar
સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી વયોવૃદ્ધ અને 100 વર્ષના સંત આનંદપ્રિયદાસજીએ 80મા દીક્ષા દિનની નિમિત્તે લોકોને કોરોનાથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના મહત્ત્વનો મેસેજ આપ્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી પ્રચારની સાથે વકરેલી કોરોનાની પરિસ્થિતિએ હવે ચિંતાજનક વળાંક લીધો છે. મ્યુનિ.નું પરિણામ 23 ફેબ્રુઆરીએ આવ્યું તે દિવસે શહેરમાં માત્ર 69 કેસ હતા જે વધીને 241એ પહોંચી ગયા છે. અર્થાત્ કેસમાં 250 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 15 દિવસની વાત કરીએ તો 1 માર્ચે કેસ હતા. પરંતુ 16 માર્ચે 241 કેસ આવતા તેમાં પણ લગભગ 150 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કોરોનાની ત્રીજી લહેર માટે મ્યુનિ.ની ચૂંટણી ઉપરાંત ક્રિકેટ મેચ પણ જવાબદાર છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બે ટેસ્ટ મેચ અને પહેલી બે ટી-20માં હજારોની સંખ્યામાં પ્રેક્ષકો ભરવામાં આવ્યા હતા. 49 દિવસ પછી શહેરમાં કોરોનાથી 2 દર્દીના મૃત્યુ થયા છે.

છેલ્લે 12 ડિસેમ્બરે કોરોનાના કેસનો આંક 240ને વટાવી ગયો હતો. એ પછી 93 દિવસ બાદ ફરી આ આંકડો આવ્યો છે. માર્ચની શરૂઆતથી કેસમાં સતત ઉછાળાને કારણે એસવીપી હોસ્પિટલના આઈસીસીયુ બેડ પણ ફૂલ થઈ ગયા છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ ખાલી બેડની સંખ્યા સતત ઘટી રહી છે. આહનાની આંકડાકીય માહિતી મુજબ મંગળવારે ખાનગી હોસ્પિટલોના કુલ 2273માંથી 487 બેડ ભરેલા હતા. અર્થાત્ 21 ટકા બેડ ભરાઈ ચૂક્યા છે. માર્ચ પહેલાં ખાનગી હોસ્પિટલોમાં લગભગ 96 ટકાની આસપાસ બેડ ખાલી રહેતા હતા.

કેસમાં ઉછાળાને પગલે મ્યુનિ.એ ઠેરઠેર કોરોના ટેસ્ટિંગ ડોમ ફરી શરૂ કરવા પડ્યા છે અને હવે આ ડોમ પર પણ લાંબી લાઈનો જોવા મળે છે. હાલની પરિસ્થિતિને જોતાં મ્યુનિ.નો હેલ્થ વિભાગ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા વિચારી રહ્યો છે.

દરમિયાન એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવકુમાર ગુપ્તાએ મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરની હોસ્પિટલમાં ખાલી બેડની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે કેસ વધી રહ્યા હોવાથી ટેસ્ટિંગની સંખ્યા વધારવા પણ સૂચના આપી છે. દરમિયાન 17 માર્ચે મમતા દિવસ હોવાથી મ્યુનિ.ના અર્બન હેલ્થ સેન્ટરમાં રસીની કામગીરી બંધ રહેશે. જ્યારે સાયન્સ સિટી ખાતે નવું રસી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

રાત્રે 10 પછી STની બસો પણ શહેરમાં નહીં પ્રવેશે
​​​​​​​અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થતા સરકારે અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ નાખ્યો છે. એસટી નિગમે તત્કાલ અસરથી એટલે કે મંગળવારથી જ આગામી 31 માર્ચ સુધી કે બીજો આદેશ ન થાય ત્યાં સુધી રાતની તમામ બસોનું ડેપોમાંથી સંચાલન બંધ રખાશે. રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ચારેય મહાનગરોના મુખ્ય બસ ડેપોમાંથી બસોનું સંચાલન નહીં થાય. એજ રીતે રાતે 10 વાગ્યા પછીની તમામ બસોને રિશિડ્યુલ કરી વહેલી ઉપાડવાનો એસટી મેનેજમેન્ટે નિર્ણય લીધો છે.

લગ્ન-મરણમાં ભીડ એકઠી ન કરવા લોકોને સમજાવાશે
​​​​​​​શહેરમાં કોરોના સંક્રમણ વધતાં મ્યુનિ.એ દિવસે પણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. સોલિડ વેસ્ટ વિભાગના 225 સભ્યોની ટીમ દ્વારા તપાસ અભિયાન હાથ ધરાશે. જેમાં હોટલ, મોલ, મલ્ટિપ્લેકસમાં પણ કોરોના ગાઇડલાઇનનું પાલન થાય છે કે કેમ તેની તપાસ કરાશે. લગ્ન અને મરણપ્રસંગમાં પણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે મ્યુુનિ. ટીમ સમજાવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું કે, વિભાગની 225 ટીમ અલગ અલગ મોલ, મલ્ટિપ્લેક્સ, હોટેલ, રેસ્ટોરાં પર નજર રાખશે.

રાજપથ, કર્ણાવતી ક્લબ રાત્રે 9 સુધી જ ખુલ્લી રહેશે
​​​​​​​કોરોનાના વધતા સંક્રમણના લીધે રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ નાખવામાં આવ્યો છે. જેના પગલે રાજપથ, કર્ણાવતી અને વાયએમસીએ ક્લબમાં તમામ એક્ટિવિટી રાત્રે 9 વાગે બંધ કરવા મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરાયો છે. આ નિર્ણયનો તાત્કાલિક અસરથી અમલ કરી તમામ મેમ્બરોને જાણ કરી દેવાઈ છે. મોબાઈલ પર મેસેજ આપીને ક્લબના મેમ્બરોને રાત્રે 9 વાગ્યા પહેલા ક્લબ છોડી દેવા સૂચના પણ આપી દેવામાં આવી છે. નવી સૂચના મળે નહીં ત્યાં સુધી આ નિર્ણયનો અમલ કરવાનો રહેશે. ટૂંકમાં 9 વાગ્યા પહેલા જ ક્લબ બંધ થઈ જશે.

વધુ 14 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયા

 • ​​​​​​​સિલ્વર ગાર્ડનિયા, ગોતા
 • ઇડન ગોદરેજ ગાર્ડન સિટી, ચાંદલોડિયા
 • વિક્રમનગર કોલોની, બોડકદેવ
 • શાયોના પુષ્પ એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા
 • સુપ્રભ એપાર્ટમેન્ટ, બકેરી સિટી, વેજલપુર
 • મહા શક્તિ સોસાયટી, જીવરાજપાર્ક
 • ગાર્ડન રેસિડન્સી, સાઉથ બોપલ
 • કાન્હા પાર્થ સારથી એવન્યુ, જોધપુર
 • સમય રેસિડન્સી, નિકોલ
 • અયોધ્યાનગરી, ડી. કેબિન, ચાંદખેડા
 • અક્ષર હીલ, ચાંદખેડા
 • આદિત્ય ગ્રીન્સ, ન્યુ સીજી રોડ, ચાંદખેડા
 • તુલસી શ્યામ ફ્લેટ, ભીમજીપુરા, જૂના વાડજ
અન્ય સમાચારો પણ છે...