ગંભીરતા ક્યારે સમજાશે?:છેલ્લા 10 દિવસમાં AMC સંચાલિત સ્કૂલોના ચાર શિક્ષકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે છતાં સ્કૂલો ચાલુ રખાઈ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિદ્યાર્થીને કોરોનાના લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવા શિક્ષકોને આદેશ
  • વેક્સિનના બે ડોઝ લીધા હોય તેવા જ શિક્ષકોને વર્ગખંડમાં પ્રવેશ
  • તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો ધરાવતા વિદ્યાર્થીઓને સ્કૂલે ના મોકલવા વાલીઓને અપીલ

રાજ્યમાં કોરોના ફરીવાર બેકાબુ થયો છે. હવે રોજે રોજ ત્રણ હજારથી વધુ કેસો નોંધાવા માંડ્યાં છે. એક બાજુ સરકારે વાઈબ્રન્ટ સમિટ, ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલને મોકૂફ કરી દીધાં છે. બીજી તરફ સ્કૂલો બંધ કરવા અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓના ચાર જેટલા શિક્ષકો છેલ્લા 10 દિવસમાં કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. એક લાખથી વધુ બાળકો અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં અભ્યાસ કરે છે અને ઓડ ઇવન પદ્ધતિથી સ્કૂલો ચાલુ રખાઈ છે. AMCની સ્કૂલોમાં જુનિયર અને સિનિયર KGથી લઈને ધોરણ સાત સુધી 1.65 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

સ્કૂલોમાં ઓડ ઈવન પદ્ધતિથી અભ્યાસ ચાલુ છે
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ(મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ)ના શાસનાધિકારી એલડી દેસાઈએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ ના સૂત્ર મુજબ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવે છે. હાલમાં મ્યુનિસિપલ સ્કૂલોમાં ઓડ ઇવન પદ્ધતિથી અમે અભ્યાસ ચાલુ રાખ્યો છે. સ્કુલોમાં જે પણ વિદ્યાર્થીને કોરોનાના લક્ષણ દેખાય તેને તાત્કાલીક નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ કરાવવા શિક્ષકોને સૂચના આપી છે અને જે પણ વિદ્યાર્થીને તાવ અથવા શરદીના લક્ષણો હોય તો તેને સ્કૂલમાં ન મોકલવા વાલીઓને જાણ કરવામાં આવે છે.

વેક્સિનના બંને ડોઝ લીધા હોય તે જ શિક્ષકને વર્ગખંડમાં પ્રવેશ
વેક્સિનના બે ડોઝ લીધા હોય તેવા જ શિક્ષકોને વર્ગખંડમાં પ્રવેશ કરવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં મ્યુનિસિપલ શાળાઓમાં એક પણ વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત નથી. અમદાવાદમાં કોરોનાના કેસો એકતરફ રોકેટ ગતિએ વધી રહ્યા છે અને હવે વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થાય છે. સાતથી દસ વર્ષની ઉંમરના ત્રણ બાળકો પણ ઓમીક્રોન પોઝિટિવ આવ્યા છે. જેથી જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તેની વચ્ચે બાળકો પણ વેકસીનેટેડ ન હોય તેઓ પણ સંક્રમિત થઈ શકે છે. જેથી આગામી દિવસોમાં બાળકોમાં કોરોના વધુ ફેલાય તેવી શક્યતા છે.

અમદાવાદમાં 10 દિવસમાં 5,634 કેસ છતાં સ્કૂલો ચાલુ
છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં કોરોનાના કુલ 5,634 કેસ નોંધાયા હતા. આમ છતાં સરકાર વાઈબ્રન્ટ, ફ્લાવર-શો, કાઈટ ફેસ્ટિવલ સહિતના કાર્યક્રમ બંધ રાખવા અંગે એક શબ્દ પણ બોલતી ન હતી. જો કે, ભાજપના 40 નેતા-કાર્યકર પોઝિટિવ આવતાં એકાએક તમામ કાર્યક્રમો રદ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં 200થી વધુ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યાં છે છતાંય શિક્ષણમંત્રી સ્કૂલો ચાલુ રાખવાની જીદ લઈને બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...