• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In The Heavy Rains In Ahmedabad, A Handful Of Corporators Went Into Service, Others Rested At Home, Stay. The Chairman And Water Supply Chairman Remained In The Field Until Morning

કપરા સમયે જ પ્રજાસેવકો ગાયબ!:અમદાવાદમાં ભારે વરસાદમાં ગણ્યાગાંઠ્યા કોર્પોરેટરો સેવામાં નીકળ્યા, બીજાએ આરામ કર્યો, સ્ટે. ચેરમેન-વોટર સપ્લાય ચેરમેન સવાર સુધી ફિલ્ડમાં રહ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં રવિવારે સાંજથી પડેલા અનરાધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સતત વરસાદના કારણે રોડ અને ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદ અને પાણીના કારણે લોકોને ભારે તકલીફ પડી હતી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માત્ર 35થી 40 કોર્પોરેટરો જ ફિલ્ડમાં ઉતર્યા હતા. બાકીના 140 કોર્પોરેટરો રાતે માત્ર વોટ્સએપ પર એક્ટિવ અને કેટલાંક તો સુઈ જ ગયા હતા. વહેલી સવારે જ્યારે વરસાદ બંધ થયો ત્યારે કોર્પોરેટરો બહાર નીકળ્યા હતા. ભાજપના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, વોટર સપ્લાય કમિટિ ચેરમેન જતીન પટેલ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ સહિતના સત્તાધીશો મ્યુનિસિપલ કમિશનર સાથે રાઉન્ડ પર નીકળ્યા હતા. મોટાભાગના કોર્પોરેટરો સોમવારે સવારે વરસાદ બંધ થયા બાદ જ ફિલ્ડમાં નીકળ્યા હતા. રવિવાર સાંજથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સતત ફિલ્ડમાં રહ્યા હતા.

35થી 40 જેટલા કોર્પોરેટરો વરસાદમાં પણ લોકોની સેવામાં પહોંચ્યા
રવિવાર સાંજથી પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. પ્રજાના સેવક એવા કોર્પોરેટરોએ બહાર નીકળી મદદ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા તમામને જાણ કરવામાં આવી હતી. જેમાં માત્ર 35થી 40 કોર્પોરેટરો ફિલ્ડમાં ઉતર્યા હતા. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ રાતે 9 વાગ્યાથી કંટ્રોલરૂમમાં પોહચ્યાં હતા અને અધિકારીઓ સાથે બેસી સમગ્ર માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી રાત્રે 12 વાગ્યા સુધી તેઓ કંટ્રોલ રૂમમાં હાજર હતા અને ત્યારબાદ તેઓ પશ્ચિમ ઝોન અને પોતાના થલતેજ વિસ્તારમાં પહોંચી અને જરૂરી કામગીરી કરાવી હતી. નરોડા વોર્ડના કોર્પોરેટર રાજેન્દ્ર સોલંકી જાતે જ ફિલ્ડમાં ઉતરી પલળી અને સામાન્ય કર્મચારી સાથે તેઓ કામગીરી કરવા લાગ્યા હતા.

મ્યુનિ. કમિશનર સવાર સુધી ફિલ્ડમાં રહ્યા
ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર અને વોટર કમિટિ ચેરમેન જતીન પટેલ રાતે 11.30થી ફીલ્ડમાં નીકળ્યા હતા. તેઓ પશ્ચિમ ઝોનની ઓફિસ ઉસ્માનપુરા ખાતે આવેલા કંટ્રોલરૂમમાં તેઓ પહોંચ્યા હતા. સ્ટેડિયમ વોર્ડના કોર્પોરેટર પ્રદિપ દવે પણ ત્યાં હાજર હતા. બંનેએ સમગ્ર પશ્ચિમ ઝોનની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ને તે દરમિયાન મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા પણ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા. આ સાથે તેઓએ પાલડી અને વાસણા વિસ્તારના સૌથી વધારે વરસાદ પડ્યો હતો તેનો રાઉન્ડ લીધો હતો. વહેલી સવારે સાડા છ સુધી તેઓ ફિલ્ડ માં હાજર રહ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

પોત પોતાના વિસ્તારમાં ભરાયેલા પાણીનો નિકાલ કરાવાની કામગીરી કરી
અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય જગદીશ પટેલ પણ રાત્રે સ્થાનિક કાઉન્સિલર કમલેશભાઈ પટેલ સાથે ગુરુજી બ્રિજ પાસે આવેલા પંપીંગ સ્ટેશન પર પહોંચ્યા હતા. હાટકેશ્વર વિસ્તાર જ્યાં સૌથી વધુ પાણી ભરાતું હોય છે ત્યાં ઝડપથી પાણીના નિકાલની કામગીરી માટે અધિકારીઓ અને કર્મચારીઓ અને તેઓએ જરૂરી સુચના આપી હતી. કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ પણ રાત્રે પાલડી વાસણા વિસ્તારમાં રાઉન્ડમાં નિકળ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવી અને તેઓ સરસપુર રખિયાલ પોતાના વોર્ડમાં આવેલા મસ્ટર સ્ટેશન ઉપર પહોંચ્યા હતા જ્યાં તેઓએ સમગ્ર વિસ્તારમાં ઝડપથી વરસાદી પાણીના નિકાલની કામગીરી માટેની સૂચના આપી હતી.

મોટાભાગના કોર્પોરેટરો ઘરમાં જ રહ્યા
​​​​​​​
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ સવારે છ વાગ્યે વાસણા વિસ્તારમાં વાસણા પોલીસ સ્ટેશન રોડ અને ગુપ્તાનગર રોડ ઉપર પહોંચ્યા હતા અને તેઓએ વરસાદી પાણી નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપી હતી. દરેક વોર્ડમાં ચાર કોર્પોરેટરો પણ હોય છે અને અલગ-અલગ વિસ્તારમાં જવાનું હોય છે પરંતુ મોટા ભાગના કોર્પોરેટરો ઘરમાં રહ્યા હતા એકાદ કોર્પોરેટર જ વોર્ડમાં બહાર ફિલ્ડમાં જોવા મળ્યો હતો. વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ પોતાના વિસ્તારમાં રાત્રે 12 વાગ્યા સુધી ફિલ્ડમાં હતા. જોકે મોડી રાત્રે જ્યારે સમગ્ર શહેર પાણીમાં હતું ત્યારે તેઓએ ફિલ્મમાં ઉતરી અને જલ્દી સૂચનાઓ આપી અને પાણીના નિકાલની કામગીરી કરાવવાની જરૂર હતી. પરંતુ તેઓ માત્ર પોતાના જ વિસ્તારમાં બાર વાગ્યા સુધી જ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...