મેસેજ આપતી મહેંદી:મહિલા ઉમેદવારે હાથમાં મુકાવી LRDની મહેંદી, એક હાથમાં પુસ્તકો તો બીજામાં દોડતી યુવતી ચિતરાવી

અમદાવાદ12 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • પોલીસ ભરતીમાં દોડ અને લેખિત પરીક્ષાનો મેસેજ આપતી મહેંદી મૂકી
  • મહિલા અને પુરુષ ઉમેદવારોનો ઉત્સાહ વધારવા બંને પરીક્ષાઓની તૈયારીઓનો મેસેજ આપ્યો

ગુજરાત પોલીસમાં 10,459 જેટલી લોકરક્ષક (LRD) કેડરની ભરતી માટે 9.50 લાખ જેટલા ઉમેદવારો છે, જેમાં ખાસ કરીને 3 લાખ જેટલી મહિલા ઉમેદવારો પણ છે. તમામ ઉમેદવારોની આગામી ડિસેમ્બર મહિનામાં શારીરિક અને માર્ચ મહિનામાં લેખિત પરીક્ષા યોજાવાની છે. ઉમેદવારો ભરતીની પરીક્ષાની તૈયારીઓ જોરશોરથી કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના નરોડામાં રહેતાં અને ભરતીનાં ઉમેદવાર એવાં તન્વી પટેલે તેમની મિત્રના હાથમાં પોલીસ ભરતીમાં દોડ અને લેખિત પરીક્ષાનો મેસેજ આપતી મહેંદી મૂકી છે.

એક હાથમાં ગ્રાઉન્ડમાં રનિંગ કરતી યુવતી અને બીજા હાથમાં પુસ્તકો સાથે યુવતીની મહેંદી મૂકી છે. મહિલા અને પુરુષ ઉમેદવારોની તૈયારીઓમાં ઉત્સાહ વધારવા માટે અને બંને પરીક્ષાઓની તૈયારીઓ સાથે કરતો મેસેજ આપ્યો છે.

LRD ઉમેદવાર તન્વી પટેલ.
LRD ઉમેદવાર તન્વી પટેલ.

કઈ મહેંદી મૂકવાનો વિચાર કરતા હતા ને આઇડિયા સૂઝ્યો
તન્વી પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં પણ LRDની ભરતીમાં ફોર્મ ભર્યું છે અને હું અત્યારે દોડ અને લેખિત પરીક્ષાની તૈયારી કરી રહી છું. હું પોતે મહેંદી આર્ટિસ્ટ છું. મારી મિત્ર નિરાલીબા જાડેજા, જે મારી સાથે જ પોલીસમાં ભરતીની તૈયારી કરે છે, તેને હાથમાં મહેંદી મૂકવાની હતી, જેથી કઈ મહેંદી મૂકવી એનો વિચાર કરતા હતા. અમે બંને સાથે પોલીસની જ તૈયારીઓ કરીએ છીએ અને નજીકના દિવસોમાં પરીક્ષા આવી રહી છે, જેથી લોકોમાં પરીક્ષાની તૈયારી અંગેનો મેસેજ જાય એના માટે એક હાથમાં ગ્રાઉન્ડમાં રનિંગ કરતી યુવતી અને બીજા હાથમાં પુસ્તકો સાથે યુવતીની મહેંદી મૂકી છે.

નિરાલીબા જાડેજાના હાથમાં તન્વી પટેલે મૂકી આપેલી મહેંદી.
નિરાલીબા જાડેજાના હાથમાં તન્વી પટેલે મૂકી આપેલી મહેંદી.

માત્ર ભરતીની તૈયારીઓમાં જ ધ્યાન આપીએ છીએઃ તન્વી પટેલ
તન્વી પટેલે આગળ કહ્યું હતું કે દોડની સાથે સાથે હવે લેખિત પરીક્ષાની પણ તૈયારી કરવી પડશે. જેટલી દોડની પરીક્ષા મહત્ત્વની છે એટલી જ લેખિત પરીક્ષાનું મહત્ત્વ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે પણ જણાવ્યું છે કે શારીરિક પરીક્ષા પૂરી થયાના 1 મહિનામાં જ લેખિત પરીક્ષા પણ લેવાશે, જેથી હવેથી ઉમેદવારોએ અત્યારથી જ તૈયારીમાં લાગી જવું પડશે. અત્યારે માત્ર પોલીસમાં ભરતીની તૈયારીઓમાં જ અમે ધ્યાન આપીએ છીએ અને એમાંથી લોકોને પ્રેરણા મળે એના માટે જ મેસેજ આપતી મહેંદી મૂકી હતી.

LRDની મહેંદી મુકાવનાર નિરાલીબા જાડેજા.
LRDની મહેંદી મુકાવનાર નિરાલીબા જાડેજા.

બંને પરીક્ષાઓની તૈયારી અંગે મેસેજ આપ્યો
હાથમાં મહેંદી મુકાવનાર નિરાલીબા જાડેજાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું પણ તન્વી પટેલ સાથે પોલીસમાં ભરતીની તૈયારી કરું છું. મારી મિત્રનું રિસેપ્શન હતું, જેથી મારે હાથમાં મહેંદી મુકાવાની હતી. તન્વી અને મેં વિચાર્યું કે કેવી મહેંદી મૂકીએ, ત્યારે અમે બંનેએ પોલીસ ભરતીની તૈયારી અને મહિલા દોડ તથા લેખિત બંને પરીક્ષા અંગે તૈયારીઓ કરે એનો મેસેજ આપતી થીમ પણ બનાવવાનું નક્કી કર્યું અને એક હાથમાં ગ્રાઉન્ડમાં રનિંગ કરતી યુવતી અને બીજા હાથમાં પુસ્તકો સાથે યુવતીની મહેંદી મૂકી. અમે બંને પરીક્ષાઓની તૈયારી અંગે મેસેજ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...