મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજથી રાજ્યમાં ચોમાસું સક્રિય, ગુજરાતમાં અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થીઓએ કહ્યું, કંઈપણ થાય; અફઘાનિસ્તાન નથી જવું, કાબુલમાં ઊડતા વિમાનમાંથી પટકાતાં 3નાં મોત

અમદાવાદ9 મહિનો પહેલા

નમસ્કાર,
આજે મંગળવાર છે, તારીખ 17 ઓગસ્ટ, શ્રાવણ સુદ દશમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની શરૂઆત થતાં ગુજરાતમાં આજથી ચોમાસું સક્રિય થશે.
2) કોરોનાને કારણે 16 મહિના બાદ આજથી ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ શરૂ થશે.
3) પ્રધાનમંત્રી ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ માટે ભારતીય ટુકડી સાથે વાતચીત કરશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ગુજરાતમાં અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થીઓએ કહ્યું, ફોન પર ફાયરિંગનો અવાજ સંભળાય છે, કંઈપણ થાય અફઘાનિસ્તાન નથી જવું
અફઘાનિસ્તાન પર તાલિબાની લોકોએ કબજો કરી લીધો છે, એવામાં ગુજરાતમાં અભ્યાસ કરતા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ જ્યારે પોતાના પરિવાર સાથે વાત કરે છે ત્યારે તેમનો પરિવાર જ આ યુવાનોને ભારતમાં જ રહેવા અને કંઈપણ થાય, અફઘાનિસ્તાન પરત ન આવવા કહે છે. સુરતમાં અભ્યાસ કરતી કાબુલની વિદ્યાર્થિનીએ રડતાં-રડતાં દિવ્ય ભાસ્કર સાથે પોતાની વેદના વ્યક્ત કરી જણાવ્યું હતું કે જ્યારે ફોન પર ઘરે વાત કરું છું ત્યારે ફાયરિંગનો અવાજ સંભળાઈ રહ્યો છે. માતા-પિતાને ભારત લાવવા માટે પ્રયાસ કરી રહી છુ, પણ વિઝા નથી મળી રહ્યા, હું નિઃસહાય છું, ભારતને મદદ માટે અપીલ કરું છું.
વાંચો સમાચાર વિગતવાર

2) ધો.12 સાયન્સ રિપીટર્સ વિદ્યાર્થીઓનું માત્ર 15 ટકા પરિણામ, 30343 વિદ્યાર્થીએ પરીક્ષા આપી, 4649 વિદ્યાર્થી જ પાસ થયા
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું, જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. સોમવારે ધોરણ 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. 12 સાયન્સના 30343 વિદ્યાર્થીમાંથી માત્ર 4649 વિદ્યાર્થી જ પાસ થયા છે. આમ, માત્ર 15 ટકા રિપીટર્સ જ પાસ થયા છે.
વાંચો સમાચાર વિગતવાર

3) રાજકોટમાં બેકાબૂ ટ્રકની અડફેટે બાઇકચાલકને ગંભીર ઇજા, ફિયાન્સીનું મોત, એક વર્ષ પહેલાં બન્નેની સગાઈ થઈ હતી
રાજકોટમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક અકસ્માતમાં 23 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે. સિગ્નલ પર સ્ટોપ લાઈટ દરમિયાન ટ્રકચાલકથી બ્રેક ન લગતાં મોટરસાઇકલ પર જતાં યુવક-યુવતી સાથે અકસ્માત થયો હતો. ત્યાર બાદ બન્નેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે બન્નેની એક વર્ષ પહેલાં જ સગાઈ થઈ હતી.
વાંચો સમાચાર વિગતવાર

4) કાબુલમાં ઊડતા વિમાનમાંથી ત્રણ લોકો પટકાયા; અમેરિકન સૈન્યના વિમાનના ટાયર પર લટકીને કાબુલથી નીકળી રહ્યા હતા
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ લોકો દેશ છોડીને જવા માટે જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. સોમવારે આકાશમાં ઊડતા વિમાનમાંથી 3 લોકો નીચે પટકાયા હતા. આ ત્રણેય લોકોનાં મોત થયાં હતાં. આ લશ્કરી વિમાન હતું અને માહિતી અનુસાર, આ લોકો વિમાનના ટાયર પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

5) તાલિબાનોને ચીન, પાકિસ્તાન, ઈરાનનો ખુલ્લો ટેકો; ઈમરાને કહ્યું- છેવટે તૂટી ગુલામીની જંજીરો, સમર્થન આપનારા ખાન વિશ્વના પ્રથમ PM
અફઘાનિસ્તાનમાં લોકો દ્વારા ચૂંટવામાં આવેલી સરકારને ઉખાડી ફેંકી પોતાની હિંસક શક્તિનો આશરો લઈ સત્તા હાંસલ કરનારા તાલિબાનોને છેવટે પાકિસ્તાન, ચીન અને ઈરાન તરફથી ખુલ્લું સમર્થન મળ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને ખુલ્લુ સમર્થન આપ્યું છે. તાલિબાનને સત્તા મેળવ્યાનું સ્વાગત કરતાં ઈમરાને કહ્યું હતું કે છેવટે ગુલામીની જંજીરો તૂટી ગઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

6) કાબુલ એરપોર્ટમાં ફસાયેલા ભારતીયોએ કહ્યું- અહીં કોઈ સાંભળવાવાળું નથી, કોઈ ફોન પણ નથી ઉપાડતા- ફ્લાઈટ અંગે કંઈ જ ખબર નથી
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના કબજા પછી અહીં રહેતા ભારતીય નાગરિકોની મુશ્કેલી ઘણી જ વધી ગઈ છે. આ લોકો વતન પરત ફરવા માગે છે, પરંતુ ગેરવ્યવસ્થાને કારણે નારાજ જોવા મળી રહ્યા છે. આ લોકોને એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ કહે છે કે- અહીં કોઈ સાંભળવાવાળું નથી. અમારો ફોન પણ કોઈ ઉપાડતા નથી અને ફ્લાઈટ્સ અંગે પણ કંઈ જ ખબર નથી. બહાર જુઓ, ફાયરિંગ થઈ રહ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સ્પષ્ટ વાત, વેપારીઓ માટે વેક્સિન લેવાનો કોઈ અલગ દિવસ રહેશે નહીં, વેક્સિન ન લેનારા અંગે હવે પછી નિર્ણય.
2) વડોદરાની MSUમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કહ્યું: 'અફઘાનિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ છે, મારા પતિ ત્યાં ફસાયા છે, ભારત મદદ કરે'
3) રાજકોટમાં પાણીકાપની શક્યતા, ડેમોના તળિયા દેખાયા, આજીમાં 5 દિવસ ચાલે તેટલો જ જથ્થો.
4) સુપ્રીમ કોર્ટની બહાર આત્મહત્યાનો પ્રયાસ, સાંસદ પર રેપનો આરોપ લગાવનારી મહિલા અને સાક્ષીએ સુપ્રીમ કોર્ટના ગેટ પાસે પોતાને આગ ચાંપી
5) અફઘાનિસ્તાનમાં એરસ્પેસ બંધ કરાઈ, એર ઈન્ડિયાની કાબુલ જતી ફલાઈટ ઓપરેટ નહીં કરાય, શિકાગોનો રૂટ ડાઇવર્ટ કરાયો
6) હૈતીમાં સતત બીજા દિવસે ભૂકંપ, હજારો ઘર કાટમાળમાં ફેરવાતાં સેંકડો લોકો બેઘર બન્યા, 1300થી વધારે લોકોનાં મોત

આજનો ઈતિહાસ
વર્ષ 1947માં આજના દિવસે અંગ્રેજ અધિકારી સિરિલ રેડક્લિફ દ્વારા ભારત-પાકિસ્તાનનું વિભાજન કરતી રેડક્લિફ લાઈન જાહેર કરવામાં આવી હતી.

અને આજનો સુવિચાર
આપણી ઇચ્છા મુજબ સામેની વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે તેનેય તમારી જેમ જ ઇચ્છા જેવું હોય ને!

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...