તિજોરી છલકાઈ:અમદાવાદીઓએ બે મહિનામાં જ 412 કરોડનો એડવાન્સ ટેક્સ ભર્યો, 4 લાખ કરદાતાએ ટેક્સ રિબેટનો લાભ લીધો

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • એડવાન્સ ટેક્સ ભરવામાં પશ્ચિમ ઝોન અવ્વલ, 120 કરોડ ભર્યા
  • ગત વર્ષની સરખામણીએ મધ્ય ઝોનના કરદાતાઓએ ટેક્સની રકમમાં ડબલ કરતાં વધારે ભર્યા
  • એડવાન્સ ટેક્સ ભરવા માટે AMCએ કરેલી ઑફરના પ્રથમ ફેઝને ખૂબ સારો પ્રતિસાદ

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન (AMC)નો વહીવટ ટેક્સની આવક તથા ગ્રાન્ટ આધારિત છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓએ ટેક્સની આવકમાં વધારો કરવા માટે રીતસરની ઝુંબેશ હાથ ધરી છે. કરદાતાઓને આકર્ષવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્ક્રીમ ચાલુ કરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં કોર્પોરેશન દ્વારા કરદાતાઓને એડવાન્સ ટેક્સ ભરવા માટે જાહેર કરેલી ઑફરના પ્રથમ ફેઝ (22-4-22થી 21-5-22 સુધી)નો જ 4 લાખ જેટલા કરદાતાઓએ લાભ લીધો છે. આ કરદાતાઓએ 412 કરોડથી વધુ રકમ ટેક્સ પેટે કોર્પોરેશનમાં ભરી છે, જેમાં સૌથી વધુ 120.30 કરોડ તો પશ્ચિમ ઝોનના કરદાતાઓએ ટેક્સની રકમ જમા કરાવી છે.

56 ટકા લોકોએ ઓનલાઇન ટેક્સ ભર્યો
નવાઇની વાત તો એ છે કે આ કરદાતાઓ પૈકી અંદાજે 56 ટકા લોકોએ ઓનલાઇનના માધ્યમથી ટેક્સની રકમ ભરી છે. આમ તો શહેરીજનો ઓનલાઇન પેમેન્ટ કરવા લાગ્યા છે, પરંતુ કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલી આ સિસ્ટમમાં પ્રથમ વખત કરદાતાઓએ ઓનલાઇન ટેક્સની રકમ જમા કરાવીને રેકોર્ડ સર્જી દીધો છે. ઓફલાઇન કરતાં ઓનલાઇનમાં 1 ટકા વધારે એટલે કે 11 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

કુલ ટેક્સમાં પશ્ચિમ ઝોનનો હિસ્સો 29 ટકા કરતાં વધુ
ટકાવારીની દૃષ્ટિએ 29 ટકા કરતાં વધુ રકમ માત્ર પશ્ચિમ ઝોનના કરદાતાઓએ ભરી છે. જ્યારે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન કોર્પોરેશનને થયેલી ટેક્સની આવક સામે ચાલુ વર્ષની આવકની સરખામણી કરીએ તો મધ્ય ઝોનમાં ડબલ ગણાં કરતાં વધારે આવક કોર્પોરેશનને થઇ છે. ગત વર્ષે 27.59 કરોડ આવક થઇ હતી. એની સામે આ વર્ષે 59.88 કરોડની આવક થઇ છે, એટલે કે 117.06 ટકા આવકમાં વધારો થયો છે.

4 લાખ કરદાતાઓએ એડવાન્સ ટેક્સ રિબેટનો લાભ લીધો
AMC દ્વારા વર્ષ 2022-23માં સૌપ્રથમ વાર ડિજિટલ ઇન્ડિયાને વેગ આપતી Early Bird Incentive વાળી તબક્કાવાર એડવાન્સ ટેક્સ રિબેટ યોજના તા.22-4-2022ના રોજ જાહેરાત કરવામાં આવી હતી. 22-4-2022થી 21-5-2022ના પ્રથમ તબક્કામાં જ અંદાજે 4 લાખ જેટલાં કરદાતાઓએ એડવાન્સ ટેક્સ રિબેટનો લાભ લીધો છે. પ્રોપર્ટી ટેક્સની કુલ આવક 412.88 કરોડ થવા પામી છે, એમાંથી 56 ટકા જેટલી આવક ઓનલાઇન માધ્યમથી થઇ હતી.

શું હતી ઓફર સ્ક્રીમ?

  • 22-4-2022થી 21-5-2022 સુધી ઓફલાઇન ટેક્સ ભરનારા કરદાતાને ટેક્સની રકમના 10 ટકા ડિસ્કાઉન્ટ તથા ઓનલાઇન પેમેન્ટ કરનારાને 11 ટકા
  • 22-5-2022થી 21-6-2022 સુધીમાં ઓફલાઇન ટેક્સ ભરનારા કરદાતાને 9 ટકા અને ઓનલાઇન 10 ટકા ડિસ્કાઉન્ટ
  • 22-6-2022થી 21-7-2022 સુધીમાં ઓફલાઇન ટેક્સ ભરનારા કરદાતાઓને 8 ટકા અને ઓનલાઇન 9 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ભવિષ્યમાં કેશલેસ અને પેપરલેસ સિસ્ટમ થઇ જશે ?
અમદાવાદ શહેરમાં 21 લાખ પ્રોપર્ટી છે. આ તમામ પ્રોપર્ટીધારકોને આજથી વર્ષો પહેલાં કોર્પોરેશન ટેક્સ બિલ મોકલતું હતું. આ ટેક્સ બિલ છપાવવાથી લઇને વિતરણમાં ઘણો સમય વ્યય થતો હતો. ટેક્સ બિલ મળ્યા બાદ જ ટેક્સની રકમ કરદાતાઓ ભરતા હોવાથી કોર્પોરેશનને આવક પણ મોડી થતી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાની ઑફર કોર્પોરેશને શરૂ કરી છે, જેમાં કરદાતાઓ જૂનું બિલ અથવા ટેનામેન્ટ નંબર લઇને કોર્પોરેશનમાં જાય એટલે જૂના ટેક્સની રકમમાંથી 10 ટકા ડિસ્કાઉન્ટ કાપીને રકમ જમા લેવામાં છે.

વર્ષ 2018-19મા 10થી 12 ટકાથી લઇને 2020-21મા ઓનલાઇન પેમેન્ટ કરનારાનો આંક 20થી 25 ટકાએ પહોંચ્યો હતો. આ વખતે 21-5-2022 સુધીમાં ઓનલાઇન પેમેન્ટ કરનારા કરદાતાઓની સંખ્યા 56 ટકા પહોંચી છે. હજુ ટેક્સના બિલ કરદાતાઓના ઘરે પહોંચ્યા નથી છતાં 56 ટકા લોકોએ ટેક્સની રકમ ભરી દીધી છે. જોકે કોર્પોરેશન દ્વારા જે લોકોએ એડવાન્સ ટેક્સ ભરી દીધો છે તેમને 0 ટેક્સની રકમ સાથેના બિલ ઇસ્યુ કરવામાં આવશે, પરંતુ ઓનલાઇન ટેક્સ ભરનારાની વધતી જતી સંખ્યા જોતાં આગામી સમયમાં આ આંકડો 70 ટકાને આંબી જાય એવી કોર્પોરેશનને આશા છે. ત્યાર બાદ ટેક્સના બિલ પણ ઓનલાઇન જ મોકલવામાં આવે તો નવાઇ નહીં. મતલબ કે કેશલેસ અને પેપરલેસ સિસ્ટમ થઇ જશે.

ગત વર્ષની સરખામણીએ માત્ર બે મહિનામાં 138 કરોડની આવક વધી
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને એપ્રિલ અને 26 મે 2022 સુધીમાં માત્ર બે મહિનામાં જ 428.28 કરોડની ટેક્સની આવક થઇ છે. એની સામે ગયા વર્ષે 2021ના બે મહિનામાં 289.48 કરોડની આવક થઇ હતી. 2021ની સરખામણીમાં 2022ના એપ્રિલ અને મે મહિનામાં જ 138.80 કરોડની આવક વધુ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...