તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઓરિજિનલ:જુદા જુદા વાંધાવચકા પાડી વીમા કંપનીઓ ક્લેઇમ મંજૂર કરતી ન હોવાથી અંતે કોરોનાના 200 દર્દીએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: તેજલ શુકલ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • એક દર્દી પાસેથી ખાનગી હોસ્પિટલે મ્યુનિ.ના નક્કી કરેલા ચાર્જ કરતાં વધુ રકમ લીધાની દલીલ કરી 60% કાપી લીધા
  • કેટલાકને હાઈપર ટેન્શનનું કારણ ધરી ક્લેઇમ ન આપ્યો

કોરોના કાળમાં લોકોને આરોગ્યની સાથે નાણાકીય મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો છે. મુશ્કેલીના સમયમાં મદદ મળી રહે તે માટે લોકો આરોગ્ય સંબંધિત મેડિ કલેઇમ લેતા હોય છે, પરતું કોરોના કાળનો લાભ લઈને વીમા કંપનીઓએ પણ લોકોને લૂંટવામાં કશું બાકી રાખ્યું નથી. વીમા કંપનીઓ જુદાં જુદાં બહાનાં કાઢીને કોરોનાના દર્દીઓના વીમાની રકમ આપવાથી મોં ફેરવી લે છે. માત્ર એપ્રિલ મહિનામાં શહેરમાં 200 લોકોએ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં અલગ અલગ કારણો આગળ ધરી કંપનીઓએ મેડિકલ ક્લેઇમ આપવામાં વાંધાવચકા કાઢ્યા છે.

રોગપ્રતિકારક ઇન્જેકશન લીધાં હોવાથી કંપનીએ ખર્ચ ન આપ્યો
કાંકરિયાની શ્રીરંગ સોસાયટીમાં રહેતા 7 વર્ષના મંથન ઋત્વિજ પટેલને 4 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન તેને રોગપ્રતિકારક ઇન્જેક્શન (gloduceal) આપવામાં આવ્યાં હતાં. હોસ્પિટલના રૂ.77,268ના બિલ સામે યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ ઇન્જેક્શનનો ખર્ચ કાપીને માત્ર રૂ.28,153નું બિલ મંજૂર કર્યું હતું, જેની સામે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

વીમા કંપનીએ હોમ કવોરેન્ટાઇન દર્દીને એકપણ રૂપિયો ન આપ્યો
જયેશ શાહને કોરોના થયો હતો. તેમને હોસ્પિટલમાં બેડ નહીં મળતા હોમ કવોરેન્ટાઇન કરાયા હતા. એમડી મેડિસિન ડોક્ટરના માર્ગદર્શન હેઠળ તેમણે ઘરે જ રેમડેસિવિર ઇન્જેકશન અને સારવાર લીધી હતી.વીમા કંપનીએ તેમનો દવા અને સારવારનો ખર્ચ આપવાનો ઇનકાર કરતા એવું બહાનું બતાવ્યું હતું કે, હોમ કવોરન્ટાઇન દર્દીને ખર્ચો મળી શકે નહીં. આ અંગે જયેશભાઈએ ફરિયાદ નોંધાવી છે.

હોસ્પિટલે નિયત કરતાં વધુ ચાર્જ વસૂલતા કંપનીએ 1 લાખ કાપ્યા
કલોલમાં રહેતા 41 વર્ષના અલ્પેશ પટેલને કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલનું બિલ રૂ.3.75 લાખ આવ્યંુ હતું. વીમા કંપનીએ તેની સામે રૂ.2.65 લાખની રકમ ચૂકવી હતી. વીમા કંપનીએ 1 લાખ રૂપિયા કાપી લેતા એવું કારણ આપ્યું હતું કે, કોર્પોરેશને નક્કી કરેલા ચાર્જ કરતાં હોસ્પિટલે વધુ ચાર્જ વસૂલ્યા હોવાથી નક્કી કરેલી રકમ કરતાં વધુ રકમ મળી શકે નહીં.

મહિલાને હાઇપર ટેન્શન હોવાથી કંપનીએ 2 લાખનો વીમો પાસ ન કર્યો
સેટેલાઇટમાં રહેતાં 75 વર્ષીય કુસુમબહેન ભલાવતને કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમનો 2 લાખનો વીમો હોવા છતાં કંપનીએ તેમને વળતર આપવા ઇન્કાર કર્યો હતો. તેમા એવું બહાનું આપ્યુ હતુ કે વીમા ધારકને હાઇપર ટેન્શન હોવાથી વીમાની રકમ મળી શકે નહી.

1 મહિનામાં જ વીમા કંપની સામે 200થી વધુ ફરિયાદો થઈ છે
કોરોનાની મહામારી દરમિયાન શહેરની કેટલીક હોસ્પિટલો અને વીમા કંપનીઓએ દર્દીઓને લૂંટ્યા છે. છેલ્લા એક મહિનામાં જ વીમા કંપનીઓ સામે 200થી વધુ ફરિયાદો નોંધાઇ ચૂકી છે. - મુકેશ પરીખ, પ્રમુખ, ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ

અન્ય સમાચારો પણ છે...