અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એક સગીરાએ આપઘાત કરી લેતા સમગ્ર મામલે તેને ભગાડી જઇ લગ્ન કરી ત્રાસ આપી શારીરિક સંબંધો બાંધનાર સામે ગુનો નોંધાયો છે. સગીરા તેની બહેનના ઘરે રહેવા આવી હતી. ત્યારે તેનો પરિચય તેના ભાઇની સાળીના દિયર સાથે થયો હતો. ઘરે જાણ થતાં તેની સાથે સગીરા ભાગી ગઇ અને ભાડે મકાનમાં રહેવા લાગી હતી. બાદમાં આરોપીએ તેની સાથે મંદિરમાં લગ્ન કરી લીધા અને તેની સાથે રહેતો હતો. પણ આ દરમિયાન તે સગીરાને ખૂબ માર મારતો અને શારીરિક સંબંધો બાંધી તેના ઘરે વાત કરવા દેતો નહોતો. જેથી કંટાળીને સગીરાએ આપઘાત કરી લેતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નારોલ ખાતે મકાન ભાડે રાખી રહેતા
ઉત્તરપ્રદેશમાં રહેતી 37 વર્ષીય મહિલાને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. તેમની મોટી દીકરીના લગ્ન અમદાવાદ ખાતે થયા હોવાથી નાની દીકરી પણ અમદાવાદમાં મોટી બહેન સાથે જ રહેતી હતી. મોટી દીકરી ગર્ભવતી થતા તે પિયર યુપી ગઇ હતી, ત્યારે નાની દીકરીને પણ તેની સાથે પરત માતા-પિતાએ અમદાવાદ મોકલી આપી હતી. શરૂઆતના પાંચેક દિવસ મહિલાના દીકરાની સાળીના ઘરે તેઓ રોકાયા હતા. બાદમાં નારોલ ખાતે મકાન ભાડે રાખી ત્યાં રહેતા હતા. આ બંને બહેનો અવારનવાર તેમના ભાઇની સાળીના ઘરે અવરજવર કરી તેને મળતા હતા.
સગીરાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો
આ દરમિયાન સગીરાનો સંપર્ક ભાઇની સાળીના દિયર સાથે થયો હતો. ઘરે આ અંગેની જાણ થતાં જ સગીરા તેના ભાઇની સાળીના દિયર સાથે ભાગી ગઇ હતી અને અલગ-અલગ જગ્યાએ મકાન ભાડે રાખી રહેતી હતી. આરોપી અંદર-અંદર સંબંધી થતો હતો પણ સગીરાને તેના ઘરે વાતચીત કરાવતો નહોતો. ગત 6 ડિસેમ્બરના રોજ મકાન માલિકે સગીરાના પરિવારને ફોન કરીને તેણે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની જાણ કરતા સગીરાની માતા અને બહેન અમદાવાદ આવ્યા હતા.
આરોપી જતાં-જતાં પણ સગીરાને લાતો મારીને નીકળ્યો
ત્યાં આવીને તપાસ કરતા તેમને જાણવા મળ્યું કે, આરોપીએ સગીરા સાથે મંદિરમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તેની સાથે શારીરિક સંબંધો બાંધી તેને માર પણ મારતો અને હેરાન પરેશાન કરતો હતો. સગીરાએ જે દિવસે આપઘાત કર્યો ત્યારે સવારના સમયે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને બંને મોટેમોટેથી બુમો પાડતા હતા. બાદમાં આરોપી નોકરીએ જવા નીકળ્યો ત્યારે મકાન માલિકને મકાન ખાલી કરવાનું કહીને નીકળ્યો હતો. આરોપી જતાં-જતાં પણ સગીરાને લાતો મારીને નીકળ્યો હતો.
આરોપી સામે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી
બાદમાં તે મકાન માલિકને વાત કરીને નીકળી જતા સગીરાએ ઘર બંધ કરી અંદર જતી રહી હતી, ત્યારે મકાન માલિકે દરવાજો ખખડાવતા સગીરાએ ન ખોલતા તેના પતિને બોલાવતા ઉપરના પતરા તોડી અંદર જઇને તપાસ કરી તો સગીરાએ આપઘાત કર્યો હતો. આ સમગ્ર બાબતને લઇને આરોપી સામે સગીરાની માતાએ બળાત્કાર, ભગાડી જવી, ત્રાસ આપવો જેવી કલમો હેઠળ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.