મોર્નિંગ ન્યૂઝ બ્રીફજ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે સુનાવણી:તાલાલામાં તાંત્રિક વિધિમાં દીકરીને આગથી ફોડલા થયા છતાં પિતાનું હૃદય ન દ્રવ્યું, ઈટાલિયાની અટક બાદ છુટકારો

અમદાવાદ2 મહિનો પહેલા

નમસ્કાર,

આજે શુક્રવાર, તારીખ 14 ઓક્ટોબર, આસો વદ પાંચમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ-શ્રિંગાર ગૌરી મંદિર કેસમાં આજે સુનાવણી
2) રાજ્યમાં આજથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન, દરેક જિલ્લામાં યોજાશે કાર્યક્રમો
3) આજથી કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદનું આયોજન
4) કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરેન રિજીજુ આજથી ત્રણ દિવસ ગુજરાતમાં

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) તાલાલામાં તાંત્રિક વિધિના બહાને હત્યા: દીકરી પરથી વળગાડ ઉતારવા પિતા-મોટા બાપુજીએ ત્રાસ ગુજાર્યો, અગ્નિ પાસે ઊભી રાખતાં ફોડલા ઊપડેલા છતાં પિતાનું હૃદય ન દ્રવ્યું

ગીર સોમનાથના તાલાલાના ઘાવા ગીર ગામની 14 વર્ષીય માસૂમ કિશોરીની ચકચારી હત્યાના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. એમાં દીકરી ધૈર્યાને વળગાડ હોવાની આશંકાએ તેની વાડીમાં તેના પર સતત સાત દિવસ સુધી તાંત્રિક વિધિ કરી અમાનુષી અત્યાચાર ગુજારીને તેના પિતા અને મોટા બાપુજીએ જ મોતને ઘાટ ઉતારી દીધી હોવાની હચમચાવી હકીકતનો ઘટસ્ફોટ થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) હવે અમદાવાદમાં ડિમોલિશન: જમાલપુરમાં ગુજસીટોકના આરોપીઓનાં ઘર પર બુલડોઝર ફરી વળ્યું, લોકો ગુનેગારોથી ત્રાહિમામ્ પોકારી ગયા હતા
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તાર તેમજ એસટીની આસપાસ સામાન્ય લોકોનું જીવવું હરામ કરનાર ગુજસીટોકના આરોપી શરીફ ખાનની મિલકતને પોલીસે બુલડોઝર ફેરવી નાખ્યું છે, જેને કારણે સ્થાનિક લોકોમાં પોલીસ માટેનું વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે.
વાંચો સમાચાર વિગતવાર

3) શાહે પ્રચાર-મોરચો સંભાળ્યો, 'ગુજરાત ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવી કહ્યું- ઘરે-ઘરે જઈને આ યાત્રા ભાજપના ભરોસાની સરકારનો હિસાબ-કિતાબ આપશે
કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે અમદાવાદ જિલ્લાના ધંધૂકાના ઝાંઝરકા ગામથી‘ગુજરાત ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધી યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. આ યાત્રા અમદાવાદથી લઈને સોમનાથ સુધીના 9 જિલ્લામાં ફરી વળશે અને ભાજપની સરકારે કરેલાં કામો લોકોને બતાવશે.
વાંચો સમાચાર વિગતવાર

4) સૌરાષ્ટ્ર યુનિ.માં પેપર લીકકાંડથી વિદ્યાર્થીની વ્યથા, ‘1 મહિનાથી તૈયારી કરતો ને સવારે પેપર લીકનું જાણવા મળ્યું, માનસિક અસર થાય છે’
વારંવાર વિવાદોના ઘેરામાં સપડાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજે ફરી એક વખત વિવાદમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવામાં આવતી પરીક્ષામાં BBA સેમ-5 અને B.com સેમ-5નું આજે લેવામાં આવનાર પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયું છે. જો કે, આ મામલે યુનિવર્સિટીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે. ત્યારે એક વિદ્યાર્થીએ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

5) AAPની મુશ્કેલીઓ વધી:ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને દિલ્હી પોલીસે છોડ્યા, 3 કલાક ચાલી પૂછપરછ, PM મોદી વિશે કર્યું હતું વિવાદાસ્પદ નિવેદન
આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને 3 કલાકની ધરપકડ બાદ દિલ્હી પોલીસે છોડી દીધા છે. આ દરમિયાન વાયરલ વીડિયો અંગે પૂછપરછ કરવામાં આવી હતી. તો બીજી તરફ આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે ગુજરાતના લોકોનું દબાણ વધતાં ગોપાલ ઈટાલિયાને છોડી દેવાયા છે.
વાંચો સમાચાર વિગતવાર

6) ભાજપના નેતાની પત્નીનું એન્કાઉન્ટરમાં મોત:ડ્યૂટીથી પરત ફરી રહી હતી, UP પોલીસના ઇન્સ્પેક્ટર સહિત 3ને ગોળી વાગી
ખાણમાફિયાનો પીછો કરતાં કરતાં ઉત્તારખંડ પહોંચેલી UP પોલીસના એન્કાઉન્ટરમાં એક ભાજપ નેતાની પત્નીનું મોત થયું છે. જે વખતે ફાયરિંગ થયું ત્યારેતે મહિલા ડ્યૂટીમાંથી પરત ફરી રહી હતી. UP પોલીસને બાતમી મળવા પર ઓપરેશન પ્લાન બનાવ્યો હતો, પરંતુ માફિયાએ એન્કાઉન્ટર દરમિયાન પોલીસને અંદાજે એક કલાક સુધી બંધક બનાવ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

7) એરપોર્ટ પર જ મોટી વિમાન દુર્ઘટના ટળી:ટેક ઓફ કરતા જ વિમાનનું ટાયર નીકળી ગયુ, અમેરિકામાં સુરક્ષિત લેન્ડિંગ કરાયુ
એટલાસ એરનું ડ્રીમલિફ્ટર, બોઇંગ 747 વિમાને જ્યારે તે ઉડાન ભરી ત્યારે તેનું મુખ્ય લેન્ડિંગ ગિયર ટાયર વિમાનથી અલગ પડી ગયું હતુ. મંગળવારે આ દુર્ઘટના ઇટાલીના ટેરેન્ટો એરપોર્ટ પર બની હતી. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) શ્વાસથી લોહીમાં ભળે એવા 2.5 માઈક્રોનના કણો સુરતમાં સૌથી વધુ, અમદાવાદમાં મેટ્રો ટ્રેનથી પ્રદૂષણ ઘટશે
2) મહિધરપુરામાં 'માધુરી'ની હત્યા કરી પ્રેમી ફરાર, તકરાર થતા યુવકે બોથડ પદાર્થ મારી યુવતીને મોતને ઘાટ ઉતારી
3) વડોદરાના ભરચક નવા બજારમાં કપડાંના 4 માળના શો-રૂમમાં આગ, દીવાળીની ખરીદી કરવા આવેલા લોકોમાં અફરાતફરી મચી
4) સૌરાષ્ટ્ર યુનિ.માં પેપર લીકકાંડને લઈ કહ્યું, ભાજપ ગૌરવ યાત્રા કાઢે છે, પણ કઈ વાતનું ગૌરવ, પેપર લીક થવાની ઘટના અટકતી જ નથી
5) પાકિસ્તાનમાં બસમાં આગ લાગવાથી 18 લોકો જીવતા ભૂંજાયા:તમામ પીડિતો પૂર અસરગ્રસ્ત હતા, એર કન્ડિશનિંગ સિસ્ટમમાં ખામીના કારણે અકસ્માત
6) રશિયાએ ત્રીજા વિશ્વ યુદ્ધની આપી ધમકી, રશિયાએ કહ્યું છે કે જો યુક્રેનને નાટોનું સભ્ય બનાવવામાં આવશે તો આ યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ જશે.
7) સ્પાઇસજેટ એરક્રાફ્ટનું ઇમર્જન્સી લેન્ડિંગ:કેબિન, કોકપિટમાં ધુમાડો નીકળ્યા બાદ હૈદરાબાદ એરપોર્ટ પર વિમાનનું લેન્ડિંગ, એક પેસેન્જર ઈજાગ્રસ્ત

આજનો ઇતિહાસ
1. 1956માં ડો.ભીમરાવ આંબેડકરે નાગપુરમાં 3,85,000 અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો.
2. 1981માં ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ગૌતમ ગંભીરનો જન્મ થયો.

આજનો સુવિચાર
'જેમ શરીર માટે સારું સ્વાસ્થ્ય જરૂરી છે તેમ આત્મા માટે સારું અંતઃકરણ જરૂરી છે' – એડિસન

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...