કડક કાર્યવાહીનું પરિણામ:અમદાવાદમાં ફાયર વિભાગની ક્લોઝર નોટિસ બાદ સાત દિવસમાં 65 હોસ્પિટલોએ NOC મેળવ્યું, હજુ 30 હોસ્પિટલોમાં ફાયર NOC નથી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ફાયર વિભાગે 95 હોસ્પિટલને ક્લોઝર નોટિસ આપી હતી - Divya Bhaskar
અમદાવાદ ફાયર વિભાગે 95 હોસ્પિટલને ક્લોઝર નોટિસ આપી હતી
  • હાઇકોર્ટની ફટકાર બાદ ફાયર વિભાગે NOC ન ધરાવતી હોસ્પિટલોને નોટિસ આપી હતી
  • NOC ન હોવા પર વીજળી, પાણી અને ગટર કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફાયર NOC મુદ્દે ફટકાર બાદ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા ગત જૂન મહિનામાં શાળા, કોલેજો અને હોસ્પિટલમાં NOC અંગે ચેકિંગ કરી NOC લેવા જાણ કરી હતી. જેમાં કેટલીક હોસ્પિટલોએ ફાયર NOC ન લેતા ફાયર વિભાગ દ્વારા એક અઠવાડિયા પહેલા અમદાવાદની 95 હોસ્પિટલને ક્લોઝર નોટિસ આપી હતી. જેનો 7 દિવસનો નોટિસ પિરિયડ પૂરો થતા સુધીમાં 65 જેટલી હોસ્પિટલોએ NOC મેળવી લીધી છે. 30 જેટલી હોસ્પિટલ બંધ અથવા ડોકટરો વિદેશમાં છે જેથી તેઓએ NOC મેળવી નથી. અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા કડક વલણ અપનાવી અને નોટિસ આપતા હોસ્પિટલોએ તાત્કાલિક NOC મેળવી છે. તેમ અન્ય કોમર્શિયલ, સ્કૂલ અને કોલેજોમાં પણ કડક વલણ અપનાવે તો NOC મુદ્દે માલિકો જાગે તેમ છે.

95માંથી 15થી 20 હોસ્પિટલો બંધ થઈ ગઈ છે
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 95માંથી મોટાભાગની હોસ્પિટલોએ ફાયર NOC મેળવી લીધી છે અને તેમાં 15 કે 20 હોસ્પિટલ બંધ થઈ ગઈ છે. જે હોસ્પિટલમાં NOC બાકી છે તેઓ આજકાલમાં અરજી કરી હોય તો આજે તપાસ કરી તેઓ સામે કાર્યવાહી કરવી કે કેમ તે નક્કી કરીશું. જ્યારે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે, જે હોસ્પિટલોમાં નોટિસ આપી છે, તેમાંથી કેટલીક હોસ્પિટલો બંધ હાલતમાં છે તેમજ ડોકટરો વિદેશમાં છે જેથી હોસ્પિટલે NOC નથી લીધી. હવે માત્ર 25થી 30 હોસ્પિટલ જ એવી છે કે જેમાં NOC નથી અને તે મોટાભાગે બંધ છે.

નોટિસ મળ્યા બાદ 65 હોસ્પિટલોએ NOC મેળવી લીધું
નોટિસ મળ્યા બાદ 65 હોસ્પિટલોએ NOC મેળવી લીધું

NOC ન લેવા પર હોસ્પિટલ ખાલી કરવાની સૂચના
અમદાવાદની 95 હોસ્પિટલે ફાયર સાધનો લગાવી NOC માટે અરજી કરવી પડશે નહિ તો આવતા શુક્રવાર સુધીમાં ખાલી કરવી પડશે અને તેમાં રહેલા દર્દીઓને અન્ય હોસ્પીટલમાં ખસેડવા સૂચના આપવામાં આવી છે. ફાયર NOC મેળવ્યા વગર ચાલુ રાખશે તો પાણી, વીજળી અને ગટરના કનેક્શન કાપી અને પોલીસ ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

95 હોસ્પિટલોને ક્લોઝર નોટિસ ફટકારી હતી
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા ફાયર NOCના મુદાને હાઈકોર્ટની ફટકાર બાદ ગંભીરતાથી લઈને અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં આવેલી હોસ્પિટલ, શાળા, કોલેજ અને અન્ય સંસ્થાઓમાં ચેકિંગ કરી અને ફાયર NOC લેવા માટે તેમજ ફાયર સિસ્ટમ નાખવા સુચના આપી હતી. NOC રીન્યુ માટે લેટર પણ લખ્યા હતા. ફાયર NOC માટે નોટિસ આપ્યા બાદ પણ સમયમર્યાદામાં NOC ન મેળવતા ફાયર વિભાગે કડક પગલાં લેતા 95 જેટલી હોસ્પિટલને કલોઝર નોટિસ આપી અને 7 દિવસમાં દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડી અને હોસ્પિટલ બંધ કરવા જણાવાયું હતું.