ભાસ્કર એક્સક્લૂઝિવ:25 હજારથી ઓછી ફી લેનારી સ્કૂલોમાં 30 ટકા વાલીએ પહેલા સત્રની ફી જ ભરી નથી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સંચાલકોએ ફી માટે માસિક હપતા સિસ્ટમ શરૂ કરી
  • શહેરની ઘણી સ્કૂલોમાં કેટલાક વાલીઓએ ગયા વર્ષની પણ ફી ભરી નથી

શહેરની 25 હજારથી ઓછી ફી લેતી સ્કૂલોમાં આર્થિક સંકટ જોવા મળી રહ્યું છે. સંચાલકોના મતે, 30 ટકા વાલીઓએ પહેલા સત્રની ફી ભરી નથી, જેના કારણે ઘણા સંચાલકોએ વાલી દર મહિને ફી ભરી શકે તે માટે માસિક હપતા સિસ્ટમ પણ શરૂ કરી છે. ઘણી સ્કૂલોમાં અમુક વાલીઓની ગયા વર્ષની પણ ફી બાકી છે, જેથી સંચાલક મંડળે વાલીઓને સ્કૂલ મેનેજમેન્ટ માટે ફી ભરવા વિનંતી કરી છે.

ઘણા વિદ્યાર્થીઓની ફી બાકી
સંચાલકોના જણાવ્યા પ્રમાણે, પહેલું સત્ર પૂરંુ થયા બાદ પણ ઘણા વિદ્યાર્થીઓની ફી બાકી છે. અમુક સ્કૂલોએ કડક પગલાં લીધાં છે, પરંતુ વાલીના વિરોધને કારણે સ્કૂલોએ પછી માત્ર વિનંતી કરી છે. સ્કૂલના મેનેજમેન્ટ માટે વાલી બાળકોની ફી ભરે તે જરૂરી છે. જો વાલીઓ સમયસર ફી ન ભરે તો શિક્ષકોના પગાર, સ્કૂલનાં નવાં કામો અને વિદ્યાર્થીઓ માટેની જ પ્રવૃત્તિઓ અટકી જાય છે. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું કે, ઓછા બજેટમાં અભ્યાસ કરાવતી સ્કૂલોની ફી વાલીએ નક્કી કરેલા સમયે ભરવી જોઈએ, જેથી અભ્યાસ પર અસર ન થાય. નાની સ્કૂલો એફઆરસીમાં ખોટા ખર્ચ રજૂ કરીને ફી માન્ય કરાવતી નથી. તેથી તેઓને ફી સમયસર મળવી જોઈએ.

વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાથી સંચાલકો માટે મુશ્કેલી
એક તરફ તમામ વાલીઓની ફી પૂરતા પ્રમાણમાં આવતી નથી. જ્યારે બીજી તરફ વાલી સરકારી સ્કૂલોમાં બાળકોને અભ્યાસ માટે મૂકી રહ્યા હોવાથી નાની નાની ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીની સંખ્યા પણ ઘટી રહી છે. આ સ્થિતિમાં સંચાલકો માટે સ્કૂલને આર્થિક રીતે મજબૂત
કરવી મુશ્કેલ બની છે.

સ્કૂલનું મેનેજમેન્ટ ચલાવવું અઘરું બન્યું
અમદાવાદની 25 હજારથી ઓછી ફી ધરાવતી સ્કૂલોમાં 25થી 30 ટકા વિદ્યાર્થીઓએ ફી ભરી નથી. ઘણી સ્કૂલોમાં ગયા વર્ષની પણ ફી બાકી છે. આ સ્થિતિમાં સ્કૂલોનું મેનેજમેન્ટ કરવું અઘરું થઈ જાય છે. અમે વાલીને વિનંતી કરીએ છીએ કે બાકીની ફી હપતે હપતે પણ ચૂકવવી જોઇએ, જેથી સંચાલકોને આર્થિક સંકડામણ ન થાય. > હિતેશ પટેલ, પ્રમુખ, અમદાવાદ શાળા સંચાલક મહામંડળ

અન્ય સમાચારો પણ છે...