મક્કમ મનોબળની જીત:સાણંદમાં 10 દર્દીનું ઓક્સિજન લેવલ 74 થયું છતાં બેઇન સર્કિટ વિના સાજા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટરોના મતે મજબૂત મનોબળ હોય તો ઝડપથી રિકવરી આવે છે
  • સેન્ટરમાં અત્યાર સુધી 76 દર્દી દાખલ થયા, જેમાંથી 40 રિકવર થયા

સાણંદના કોવિડકેર સેન્ટરમાં ઓક્સિજન લેવલ 92થી 74 સુધી જતું રહ્યું હોય તેવા 10 દર્દીને બેઇન સર્કિટ વિના સારવાર આપી સાજા કરાયા છે. ડોક્ટરોના મતે મજબૂત મનોબળ હોય તો ઝડપથી રિકવરી આવે છે. સેન્ટરમાં અત્યાર સુધીમાં 76 દર્દી દાખલ થયા હતા, જેમાંથી 40 રિકવર થયા છે. આઠને સોલા સિવિલમાં જ્યારે 6 દર્દીએ અન્ય હોસ્પિટલમાં જવાની ઇચ્છા વ્યક્ત કરતા તેમને ટ્રાન્સફર કરાયા હતા. હાલ 22 દર્દી સારવાર હેઠળ છે.

ડો. પાર્થ પટેલે કહ્યું કે, ઓક્સિજન લેવલ ઓછું હોય તેવા દર્દીઓ ગભરાઈ ન જાય તે માટે તેમને હિંમત આપતા રહેતા હતા. તેમને યોગ-સંગીત થેરેપી પણ અપાઈ હતી. 10માંથી ચારેક દર્દીને 17 દિવસ અને બાકીનાને 14 દિવસ સારવાર આપી ઘરે મોકલાયા હતા. સાણંદના ટીએચઓ ડો. સંધ્યાએ કહ્યું કે, સાણંદમાં 35 બેડ અને 18 બેડનાં બે કોવિડ સેન્ટર છે. બંનેમાં કોરોનાની નિ:શુલ્ક સારવારની સાથે બે સમય જમવાનું, ફ્રૂટ, પાણીની બોટલો અપાય છે.

‘ડોક્ટરોએ સારી સારવાર કરતા સાજી થઈ’
હું કોવિડકેર સેન્ટરમાં દાખલ થઈ ત્યારે મારું ઓક્સિજન લેવલ 85 થયું હતું. પરિવાર ગભરાઈ ગયો હતો, સારવારનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હતો. ઓક્સિજન લેવલ ઘટવાથી એક સમયે ભગવાન યાદ આવી ગયા હતા, પરંતુ કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયા પછી ડોક્ટરોએ સારી સારવાર કરી મને સાજી કરી હતી. > વીણા પટેલ, સાણંદ

​​​​​​​એક પણ દર્દી ગંભીર સ્થિતિમાં મુકાયો નથી
કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન લેવલ 74 હોય અને સારવાર માટે દાખલ થનાર એકપણ કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું નથી. એક પણ દર્દીને વેન્ટિલેટર કે આઈસીયુમાં ટ્રાન્સફર કરવાની જરૂર પડી નથી.

અન્ય સમાચારો પણ છે...