રતનપોળમાં બંગાળી વેપારીના મેનેજરે અન્ય બે વેપારી સાથે મળીને શેઠ પાસેથી રૂ.42.86 લાખનું સોનું અને મજૂરીના રૂ.2 લાખ મળીને રૂ.44.86 લાખનો ફાંદો કરી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ઈસનપુરમાં રહેતા સુજન બૈરાગી રતનપોળમાં એસ. જે. જવેલર્સ નામની દુકાન ધરાવે છે. સુજનની દુકાનની બાજુમાં દુકાન ધરાવતો નિમેશ ઉર્ફે નૈનેશ સોની મોતીનું જડાઈકામ કરતો હતો. નવેમ્બર 2019માં સુજને નિમેશને મેનેજર તરીકે નોકરીએ રાખ્યો હતો. ત્યાર બાદ 12 ડિસેમ્બર, 2019ના રોજ નવરંગપુરામાં બાલાજી હાઇટ્સમાં આવેલી પી. જે. ઓર્નામેન્ટ્સમાંથી જયેશ સોનીનો ફોન આવ્યો હતો, તેમણે નિમેશે નંબર આપ્યો હોવાનું કહીને દાગીના બનાવવાની વાત કરી હતી.
બે દિવસ પછી સુજનને તેમની દુકાને બોલાવ્યા, જ્યાં જયેશ સોની અને પંકજ સોની હાજર હતા. તેમણે સોનું લઈને દાગીના બનાવી આપવાનું કહીને મજૂરી પેટે પૈસા કે સોનું આપવાની વાત કરી હતી, જે અનુસાર પંકજ, જયેશે 200 ગ્રામની સોનાની બંગડીનો ઓર્ડર આપ્યો હતો. સુજને બંગડી બનાવી આપતા તે બંનેએ તેને પૈસા આપી દીધા હતા. ત્યાર બાદ તેમણે ટુકડે ટુકડે 990 ગ્રામના દાગીના બનાવી પંકજ અને જયેશને આપ્યા હતા, જેના પૈસા નહીં આપી અને મજૂરીના 2 લાખ મળી રૂ.44.86 લાખ નહીં ચૂકવી બંનેએ છેતરપિંડી કરી હતી. જોકે પંકજ, જયેશની સાથે સુજનના મેનેજર નિમેશની પણ સંડોવણીની ફરિયાદ સુજને કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
પી.જે. ઓર્નામેન્ટ શોપ કોની હતી તેની તપાસ
પોલીસને તપાસમાં નિમેશ,જયેશ-પંકજે ભેગા મળી સુજન સાથે છેતરપિંડી કરી હોવાનું જણાયું છે. પંકજ અને જયેશ પી.જે.ઓર્નામેન્ટ્સમાં સુજનને બોલાવતા હતા, જેથી તે દુકાન કોની છે તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. પંકજ-જયેશે મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.