સુનાવણી:રાજકોટમાં આરોપીને જાહેરમાં માર મારીને સરઘસ કાઢનારા પોલીસકર્મીઓને હાઇકોર્ટે રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • પોલીસની કામગીરીની ટિકા કરી હાઇકોર્ટે આરોપી સાથે સમાધાન કરવા કહ્યું હતું

આરોપીઓને જાહેરમાં માર મારી સરઘસ કાઢવામાં સામે આરોપીએ કરેલી અરજીને લઈને ગુજરાત હાઇકોર્ટે પોલીસ વિભાગની કામગીરી સામે નારાજગી વ્યકત કરતા મહત્વની ટકોર કરી છે. કોર્ટે અગાઉ અરોપીને મળી આ બાબતે સમાધાન કરવા કહ્યું હતું. જોકે પોલીસે દલીલ કરી કે આરોપી હજુ જેલમાં છે. જેથી આ માટે હજુ સમય આપવામાં આવે, કારણ કે આરોપી સાથે મળી આ મામલે વિસ્તુત ચર્ચા નથી કરી શક્યા. જેને લઈ કોર્ટે ટકોર કરી કે, પોલીસને જેલમાં બંધ અરોપીને મળવામાં શું મુશ્કેલી પડે છે!

પોલીસકર્મીઓને રૂ.10 હજારનો દંડ
સુનાવણી દરમિયાન કોર્ટે 5 પ્રતિવાદી પોલીસકર્મીઓને 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે, સાથે જ ઝડપથી જેલમાં બંધ આરોપી સાથે મળીને સમાધાન કરવા કહ્યું છે, જે મામલે આગામી 17 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીએ પહેલા 25 હજારનો દંડ કરવા વાત કહી, જે મામલે પ્રતિવાદી પોલીસ તરફથી હાજર વકીલે આ દંડની રકમ કોન્સ્ટેબલ માટે વધુ હોવાથી ઓછી કરવા માટે રજૂઆત કરી. જે અંગે ટકોર કરતા ચીફ જસ્ટિસે કહ્યું કે, તેઓ વ્યક્તિગત રીતે બધું જાણે છે. જેથી તેમને જે કરવું હોય તે કરે પરંતુ આ બાબતનો નિકાલ કરે, નહીં તો ચાર્જ ફ્રેમ કરવામાં આવશે. પોલીસના વકીલ તરફથી વિનંતી બાદ 25 હજારના સ્થાને 10 હજારનો દંડ કર્યો હતો.

પોલીસે સમાધાનની સહમતી દર્શાવી
પ્રતિવાદી પોલીસ તરફથી એ પણ રજુઆત કરવામાં આવી કે, તેમણે આરોપી સાથે સંપર્ક કર્યો છે અને તેમને સમાધાન માટે સહમતી દર્શાવી છે. જોકે આ અંગે વિસ્તૃત ચર્ચા બાકી છે, જેથી તેના માટે સમય આપવામાં આવે. જે બાદ દંડ ભરવા અંગે પોલીસ વતી વકીલે તૈયારી દર્શાવી હતી.

રાજકોટ પોલીસે આરોપીની ધરપકડ કરી સરઘસ કાઢ્યું હતું
વર્ષ 2017માં રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજદાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટમાં આ ધરપકડ ગેરકાયદેસર હોવાના ઉપરાંત પોલીસ કસ્ટડીમાં ટોર્ચર કરવાના દાવા સાથે અરજી કરવામાં આવી હતી. જે અંગે અરજદાર વતી હાજર થયેલ એડવોકેટ જયપ્રકાશ ઉમોટે ગુજરાત હાઇકોર્ટમાં બી.કે બાસુ વર્સીસ સ્ટેટ બંગાળના વર્ષ 1997 કેસને ધ્યાને લેવા રજુઆત કરી હતી. 1997 કેસમાં સુપ્રીમ કોર્ટે કોઈ અરોપીની ધરપકડ થયા બાદ ક્યા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તે અંગે ગાઈડલાઈન જારી કરવામાં આવી હતી. જેનો સંદર્ભ ટાંકી અરજદાર સાથે થયેલ વર્તન અને પોલીસની કામગીરીને પડકારવામાં આવી હતી.

પોલીસે બચાવમાં લોકોમાં ભયનું વાતાવરણ દૂર કરવા કાર્યવાહી કર્યાનું જણાવ્યું
અગાઉ પોલીસ વિભાગ તરફથી દલીલ કરવામાં આવી કે, ધરપકડ કરાયેલા આરોપી ભૂતકાળમાં ઘણી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે. તેની સામે ગુજસીટોક હેઠળ ગુનો પણ નોંધવામાં આવેલો છે. આ ઉપરાંત એડવોકેટે કોર્ટ સમક્ષ એ વાત પણ મૂકી કે, આરોપી સામે કોઈ ફરિયાદ નોંધાવી રહ્યું હતું નહીં, જેથી લોકોમાં ભયનું વાતાવરણ ન રહે અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોતાનો અવાજ ઉઠાવ્યો અને જાગૃતતા આવે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.