રાજ્યમાં કોરોનાના બીજી વેવએ લોકોને હચમચાવી નાખ્યા છે. સતત નવા દર્દીઓની સંખ્યામાં વધારો તેમજ કોરોના બાદ લાગતી અન્ય બીમારીઓથી પીડાતા દર્દીઓ પણ વધી રહ્યા છે. ત્યારે હાલ ગુજરાત કોરોના બાદ સૌથી મોટી સમસ્યા મ્યુકરમાઈકોસિસની છે.આ અંગે DivyaBhaskarએ 20મીની સવારે રાજસ્થાને 200 કેસમાં જ મ્યુકરમાઈકોસિસ રોગને મહામારી જાહેર કર્યો છે, તો ગુજરાત સરકાર ક્યારે કરશે?એવો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલ બાદ સાંજે રાજ્ય સરકારે મ્યુકર માઈકોસિસને મહામારી જાહેર કર્યો છે.
મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. કોર કમિટીની બેઠકમાં ચર્ચાઓ દરમ્યાન જણાવવામાં આવ્યું કે એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલો છે. આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રિનિંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ ICMR દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડ લાઇન્સનું પાલન કરવાનું રહેશે. આ રોગના શંકાસ્પદ તેમજ કન્ફર્મ કેસોની વિગતો ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહેશે.
4 મોટાં શહેરોમાં 1200ની આસપાસ દર્દીઓ દાખલ
રાજસ્થાનમાં મ્યુકરમાઈકોસિસના કેસ ધીરે-ધીરે વધી રહ્યા છે, જેને જોવા ત્યાંની સરકારે સુરક્ષાના ભાગરૂપે મ્યુકરમાઈકોસિસ રોગને મહામારી હેઠળ સામેલ કર્યો છે. જોકે ગુજરાતની વાત કરીએ તો અહીં 4 મોટાં શહેરોની સિવિલમાં જ અંદાજે 1200થી વધુ મ્યુકરમાઈકોસિસ કેસ છે તેમજ દૈનિક 20થી 25 લોકોની સર્જરી કરી કેટલાક ભાગ કાઢી નાખવામાં આવે છે. તેમ છતાં હજુ સરકારે આ રોગને લઈને કોઈ યોગ્ય નિર્ણય લીધો નથી. બીજી તરફ, લોકોમાં એવી પણ ચર્ચા છે કે મ્યુકરમાઈકોસિસના દર્દીઓ સતત વધી રહ્યા છે તો સરકાર આ રોગને મહામારી હેઠળ ક્યારે ગણશે.
સિવિલમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે 8 વોર્ડ
અમદાવાદની અસારવા સિવિલમાં અંદાજે 500ની આસપાસ કેસ છે. સિવિલના ઈએનટી બિલ્ડિંગમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે 8 વોર્ડ તૈયાર કરાયા છે, જેમાંથી 6 વોર્ડમાં પ્રી ઓપેરિટિવ, જ્યારે બે પોસ્ટ ઓપેરિટિવ વોર્ડ છે, સાથે જ દર્દીઓની સર્જરી માટે 5 ઓપરેશન થિયેટર વોર્ડ પણ છે. બીજી તરફ, ડેન્ટલ હોસ્પિટલમાં 70થી વધુ, જ્યારે 1200 બેડમાં 30ની આસપાસ દર્દીઓ દાખલ છે. દરરોજ 15થી વધુ દર્દીઓ મ્યુકરમાઈકોસિસના રોગથી મુક્ત થતાં તેમને રજા અપાઈ છે.
અમદાવાદમાં 500 તો રાજકોટમાં 400 દર્દી
છેલ્લા દશેક દિવસમાં જ અંદાજે મ્યુકરમાઈકોસિસના 125ની આસપાસના દર્દીઓની સર્જરી કરવામાં આવી છે, સાથે જ સદનસીબે આ રોગથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા હાલમાં ખૂબ જ ઓછી છે, પરંતુ નવા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1100 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 500, રાજકોટમાં 400 તેમજ વડોદરામાં 260 તેમજ સુરતમાં 114ની આસપાસ દર્દીઓ મ્યુકરમાઈકોસિસની બીમારીથી પીડાઈ રહ્યા છે.
શહેરોની સાથે ગામડા સુધી મ્યુકરમાકોસિસના કેસ વધ્યાં
રાજ્યના શહેરોની સાથે ગામડા સુધી ધીમે ધીમે મ્યુકરમાકોસિસ ફેલાઈ રહ્યો છે, જેના કારણે આ રોગની દવાઓ ની ગુજરાતમાં અછત શરૂ થઈ ગઈ છે, જેની પાછળ સંગ્રહાખોરી અને કાળાબજારી થતી હોવાની શંકા છે તેથી આ રોગની દવાઓના વેચાણ પર નિયંત્રણ આવે તેવી પણ શક્યતા જોવાઇ રહી છે. કેમકે દિલ્હીની સરકારે આ રોગની દવાઓને જાહેર બજારમાં વેચવા પર કડક પ્રતિબંધ મૂકી દીધો છે અને માત્ર જરૂરતમંદ દર્દીને હોસ્પિટલમાંથી સીધી આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં છ ગણા કેસ
આ મહામારી રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ફેલાઇ રહી છે. રાજસ્થાનમાં તો 200 જેટલા કેસ સામે આવ્યા છે તેમ છતાં તે રોગને મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે જેની સરખામણીએ ગુજરાતમાં છ ગણા કેસ છે છતાં હજી સુધી આ રોગને મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ આરોગ્યના સૂત્રો કહી રહ્યાં છે કે સરકાર આ દિશામાં વિચારણા કરી રહી છે. ડોક્ટરોની ટાસ્ક ફોર્સ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આ બાબતે ગંભીરતાથી ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવી શકે છે.
ભોપાલ તેમજ હરિયાણામાં પણ મ્યુકરમાકોસિસ કેસ વધ્યાં
ગુજરાત અને રાજસ્થાનની સાથે ભોપાલ તેમજ હરિયાણામાં પણ મ્યુકરમાકોસિસ કેસ વધી રહ્યા છે. હરિયાણામાં હાલમાં 177 જ્યારે ભોપાલમાં 23 દિવસમાં 239 કેસ નોંધાયા છે જ્યારે 129 દર્દીઓની સર્જરી થઈ છે. ભોપાલમાં મ્યુકરમાકોસિસથી 10 લોકોના મોત નિપજ્યા છે. ભોપાલમાં ભાસ્કરની ટીમે આ દર્દીઓની સીધી સારવાર કરતી ખાનગી હોસ્પિટલોના તબીબો અને સંચાલકોનો સંપર્ક સાધ્યો હતો અને માહિતી માંગી હતી, ત્યારે 239 દર્દીઓનો આંકડો મળી આવ્યો હતો.
મ્યુકરમાકોસિસના ઈન્જેક્શનની કિંમત રૂ. 4792થી રૂ. 5788
તબીબી શિક્ષણ પ્રધાન વિશ્વાસ સારંગે જણાવ્યું હતું કે આ દર્દીઓની સમયસર ઓળખ કરવામાં આવે તો રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોમાં કોવિડ પોઝિટિવ દર્દીઓ અને નેગેટિવ થયેલા દર્દીઓમાં મ્યુકરમાકોસિસ તપાસ કરવામાં આવશે. આ અભિયાન 20 મેથી શરૂ થશે. સરકારે મ્યુકરમાકોસિસના ઈન્જેક્શન એમ્ફોટોરિસિન બીની કિંમત રૂ. 4792થી 5788 રૂપિયા નક્કી કરી છે. ત્રણ કંપનીઓ પાસેથી આ ઈન્જેક્શન ખરીદવામાં આવશે. સરકારે દર્દીઓની દેખરેખ માટે ભોપાલ, ઈંદોર, ગ્વાલિયર, જબલપુર અને રીવા મેડિકલ કોલેજોમાં વિશેષ ટીમોની રચના કરી છે.
કેવાં હોય છે લક્ષણો?
* માથાનો દુખાવો
* નાક બંધ થવું કે સાઇનસની તકલીફ
* મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો
* આંખમાં દુખાવો, દૃષ્ટિ ઓછી થવી
* તાવ, કફ, છાતીમાં દુખાવો
* શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો
* ઉબકા આવવા કે ઊલટી થવી
* આંતરડાંમાં રક્તસ્ત્રાવ જેવાં લક્ષણો જોવા મળે છે
મ્યુકરમાઈકોસિસ રોગ શું છે અને કેવી રીતે ફેલાય છે?
મ્યુકોરમાઇકોસિસ ફુગથી થતો એક ગંભીર રોગ છે. મ્યુકરમાઈકોસિસ ફુગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે, ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. આ રોગ માનવીની બોડીમાં શ્વાસ કે શરીર પરના ઘા થકી પ્રવેશે છે. ઈમ્યુનિટી પાવર ઓછો હોય તેવા લોકો પર આ રોગ વધારે હાવી થઈ જાય છે. અનકંટ્રોલ્ડ ડાયાબિટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા હોય તેવા લોકોને આ રોગ થવાની સંભાવના વધારે છે.
આ રોગથી બચવા માટે શું કરવું જોઈએ?
મ્યુકરમાઈકોસિસ રોગથી બચવા માટે N95 માસ્ક અથવા ડબલ માસ્ક પહેરવું જોઈએ, સાથે જ વધારે ધૂળ ઊડતી હોય એવી જગ્યાએ જવાનું ટાળો, જો શરીર પર કોઈ ઘા છે તો એને તરત જ સાબુથી સાફ કરી દેવું જરૂરી છે તેમજ આ રોગ માટે એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ જેવી દવાઓ પણ ઉપયોગી થઈ રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.