શહેરના કાગડાપીઠમાં રાયપુર કંટોડિયાવાસમાં પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં છોડાવવા માટે વચ્ચે પડેલા નાનાભાઈનું મોટાભાઈએ છરીનો ઘા ઝીંકી દેતા ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ અંગે મૃતકની પત્નીની ફરિયાદ આધારે પોલીસે તેના જેઠની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી શોધખોળ આદરી છે. રાયપુર, કંટોડિયા વાસમાં રહેતા નીતિનભાઈ ભીમસિંગભાઈ ચુનારા સિટીમીલમાં ટ્રાન્સપોર્ટની ગાડીઓ ખાલી કરવાનુ મજૂરી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે.
ગુરુવારે રાતના સમયે નીતિનભાઈ તેમની પત્ની મનીષાબેન અને સંતાનો સાથે સૂઈ રહ્યા હતા આ સમયે અચાનક રાતના એક વાગ્યાના સુમારે બૂમાબૂમ સંભળાતા નીતિનભાઈ અને તેમના પત્ની મનીષાબેન જાગી ગયા હતા અને ઉપરના માળે જઈને જોયું તો નીતિનભાઈનો મોટોભાઈ વિપુલ તેની પત્ની કાજલ સાથે ઝઘડો કરી રહ્યો હતો. આ સમયે મનીષાબેન તેમના સાસુ-સસરા અને તેમનો પતિ વિપુલ અને કાજલને છોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. વિપુલના હાથમાં છરી હતી અને તે ગુસ્સામાં જેમતેમ બોલી રહ્યો હતો આ સમયે નીતિનભાઈએ તેને સમજાવતા તેને પણ મારવાનું શરૂ કરી દીધુ હતુ.
દરમિયાન વિપુલ છરી લઈને નીચે ઉતરી રહ્યો હતો જયાં પરિવારના લોકો તેને પકડવા માટે નીચે ગયા હતા આ સમયે નીતિનભાઈ સીડીમાં નીચે ઉતરી રહ્યા હતા ત્યારે વિપુલે છરીનો ઘા મારતા નીતિનભાઈને પેટના ભાગે ઈજા પહોચતા જે જમીન પર ઢળી પડયા હતા. આ સમયે બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત નીતિનભાઈને એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ ખસેડયા હતા જયાં ટૂંકી સારવાર દરમિયાન તેમનુ મોત નીપજયું હતું. આ બનાવ અંગે મનીષાબેને તેમના જેઠ વિપુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મૃતકની પત્ની સગર્ભા છે
નિતિનભાઈને સંતાનમાં ત્રણ દીકરીઓ છે અને હાલમાં તેમની પત્ની મનીષાબેન ગર્ભવતી છે. મોટાભાઈ અને ભાભીના ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા નીતિનભાઈની હત્યા થતા આ પરિવાર નોંધારો બની ગયો છે. ચોથું બાળક આ દુનિયામાં આવે તે પહેલા તેના માથેથી પિતાનો આધારે છીનવાઈ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.