ગાંધીનગર જિલ્લાના ચરાડા ગામે સ્વ. માનસિંહ ચૌધરીની જન્મજયંતીનો ઉત્સવ ઉજવાયો હતો. અર્બુદા સેનાએ આ કાર્યક્રમમાં પોતાની આગામી રાજકીય રણનીતિ જાહેર કરવાની વિચારણા છેલ્લી ઘડીએ બદલી નાખી આખાયે આ કાર્યક્રમને સામાજિક કાર્યક્રમમાં ફેરવી દીધો હતો. કાર્યક્રમ દરમિયાન મંચ પર જ માથાકૂટ જોવા મળી હતી. જોકે, ચૌધરી સમાજ ઈચ્છે છે કે વિપુલ ચૌધરી ચૂંટણી લડે પણ અંતિમ નિર્ણય વિપુલ ચૌધરી જ લેશે તેમ આગેવાનો કહે છે.
રાજકીય પક્ષો માટે ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન
માણસના ચરાડા ગામમાં સ્વ. માનસિંહ ચૌધરીના જન્મજયંતી નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન રાજકીય પક્ષો માટે ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન હતું. સ્નેહ મિલન કાર્યક્રમ પહેલાં એવી અટકળો હતી કે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ હાજર રહેશે. જોકે, અંતિમ સમયે આ કાર્યક્રમ રદ થતાં આખોય આ કાર્યક્રમ અંતે સામાજિક કાર્યક્રમમાં ફેરવાઈ ગયો હતો. કાર્યક્રમમાં ચૌધરી સમાજના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ચૌધરી સમાજે વિપુલ ચૌધરી ચૂંટણી લડે તેવી ઈચ્છા દર્શાવી હતી. આ ઉપરાંત વિપુલ ચૌધરી ભાજપ સાથે જોડાયેલા છે તેવા આડકતરી રીતે સંકેત પણ આપી દીધા હતા.
સમાજની રજૂઆત કરે તેવા મજબૂત નેતાની જરૂર: મોઘજી ચૌધરી
અર્બુદા સેનાના પ્રમુખ મોઘજી ચૌધરીએ જણાવ્યું હતું કે, સમાજની ઈચ્છા છે કે, વિપુલ ચૌધરી ચૂંટણી લડે. કારણ કે, વિધાનસભામાં પણ સમાજના પ્રશ્નોની રજૂઆત કરી શકે તેવો મજબૂત નેતા હોવો જોઈએ. વિપુલ ચૌધરી કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તે બાબતે પણ મોઘજી ચૌધરી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, વિપુલ ચૌધરીએ હજી ભાજપમાંથી રાજીનામુ આપ્યું નથી. વિપુલભાઈ કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તે તેઓ નક્કી કરશે. 21 તારીખે વિપુલ ચૌધરીને જામીન મળશે તેવી આશા રાખીએ છીએ. વિપુલ ચૌધરી બહાર આવે એટલે સ્પષ્ટ થઈ જશે કે તેઓ ચૂંટણી લડશે કે નહીં? પણ સમાજની લાગણી છે કે વિપુલ ચૌધરી ચૂંટણી લડે.
સિંહ બહાર આવે એટલે ગર્જનાની રાહ જોવાય છે: ચેતન ચૌધરી
ચૌધરી સમાજના આગેવાન ચેતન ચૌધરીએ સંમેલન દરમિયાન નિવેદન આપ્યું હતું કે, સિંહ બહાર આવે એટલે ગર્જનાની રાહ જોઈએ. જે રાજકીય પક્ષ સમાજને જો છેતરવા જશો તો નુક્સાન થશે. ટૂંકી ને ટચ વાત છે. ચૌધરી સમાજના બીજા આગેવાનને રાજકીય કિન્નાખોરીનો સામનો ના કરવો પડે એટલે આ સંગઠન બનાવ્યું છે. આગામી સમયમાં સમાજને ન્યાય નહિ મળે તો હું ગાજીશ જ.
સાંસદ ભરત ડાભીનું પ્રધાનમંત્રીને હાજર રહેવા આમંત્રણ
વિપુલ ચૌધરીના પિતા સ્વ. માનસિંહ ચૌધરીની 103મી જન્મજયંતી હતી. અર્બુદા સેનાનો પણ 103મો સ્નેહ મિલન કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ રાજકીય કાર્યક્રમ ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ પણ વડાપ્રધાનને આ કાર્યક્રમમાં હજાર રહેવા માટે પત્ર લખ્યો હતો.
રાજકીય કાર્યક્રમ અંતિમ સમયે સામાજિક કાર્યક્રમ બન્યો
વિપુલ ચૌધરી સંમેલન દરમિયાન આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવા અહેવાલ વહેતા થયા હતા. જોકે, રાજકીય કાર્યક્રમને લઈને સમાજ પર કોઈ અસર ના થાય તે માટે છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યા અને માત્ર સમાજના આગેવાનોને જ મંચ પર સ્થાન આપવામાં આવ્યું.
કેજરીવાલ હાજર ના રહ્યા
સ્વ. માનસિંહ ચૌધરીના જન્મજયંતી પ્રસંગે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ હાજર રહેવાના હતા અને સ્વ. માનસિંહ ચૌધરીને પુષ્પાંજલિ કરવાના હતા. જોકે, ખાનગી રખાયેલા આ કાર્યક્રમ અંગે મીડિયાને જાણ થતાં અંતિમ ઘડીએ અર્બુદા સેના સાથે સંકલન બાદ અંતે કેજરીવાલે પોતાનો કાર્યક્રમ બદલી નાખ્યો હતો અને સમારંભમાં હાજર રહ્યા ન હતા.
વક્તવ્ય બાબતે મંચ પર માથાકૂટ થઈ
લગભગ દોઢેક કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં મંચ પર મોટી સંખ્યામાં અર્બુદા સેનાના આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે વક્તવ્ય આપવા બાબતે મંચ પર માથાકૂટ થઈ હતી. આ માથાકૂટ અંગે મોઘજી ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઈ યુવાન રાજકીય ભાષાનો પ્રયોગ ના કરે તે માટે સૂચના આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.