તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Order To Maintain The Tradition That Has Been Going On For Years, One Out Of 30 Akhadas Should Be Allowed To Be Associated With Rath Yatra.

પહેલવાનોની માગ:વર્ષોથી ચાલતી પરંપરા જળવાઈ રહે એ માટે 30માંથી એક અખાડાને રથયાત્રા સાથે જોડવા મંજૂરી આપવામાં આવે

અમદાવાદ3 મહિનો પહેલા
પહેલવાનોએ પરંપરા જાળવી રાખવા માગ કરી.
  • અમને આશા છે કે હાલ પરિસ્થિતિ સારી છે તો રથયાત્રા યોજવા સરકાર નિર્ણય લઈ શકે છે: પહેલવાન
  • જળયાત્રા બાદ ભગવાન મામાને ઘેર સરસપુરમાં અમાસ સુધી રહેશે, પછી નિજ મંદિર પધારશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની હવે સૌકોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર વર્ષે રથયાત્રા હજારો ભક્તોનું ઘોડાપુર, અખાડા, ભજન મંડળીઓ અને 100 જેટલા ટ્રક વગેરે જોડાય છે. સરકાર રથયાત્રા કાઢવા માટે સ્થિતિની સમીક્ષા કરીને આવનારા દિવસોમાં યોગ્ય નિર્ણય લેશે. ત્યારે વર્ષોની પરંપરા મુજબ રથયાત્રા સાથે જોડાતા અખાડાનું અનેરું મહત્ત્વ રહેલું છે. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે આ અખાડાઓ પણ પોતાની કરતબબાજીની ઝાંખીનું પ્રદર્શન કરતા હોય છે, જેમાં તેઓ તલવારબાજી, મલખમ, લાકડી, બરનડી,આગવાળાં ચક્રો, બોડી બિલ્ડિંગ સ્ટંટ વગેરે અલગ અલગ પ્રકારના સ્ટંટ અને વ્યાયામની કસરતોનું પ્રદર્શન કરતા હોય છે.

તેઓ રથયાત્રા અગાઉ 2 મહિના પ્રેક્ટિસ વધારી દે છે. હાલની પરિસ્થિતિમાં હજી રથયાત્રા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. તેમ છતાંય તેમનામાં રથયાત્રામાં જોડાવા માટેનો ઉત્સાહ અને તૈયારી જોવા મળી રહી છે. શહેરના દરિયાપુરમાં આવેલો વાડીગામ અખાડો દર વર્ષે રથયાત્રામાં જોડાતો હોય છે, જેમાં મોટા ભાગના યુવાનો જોવા મળતા હોય છે. તેમને આશા છે કે આ વર્ષે રથયાત્રા નીકળશે તો 30માંથી 1 અખાડો જોડાશે, જેથી વર્ષોની પરંપરા જળવાઈ રહે.

અમે 365 દિવસ આ રથયાત્રાને માટે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ.
અમે 365 દિવસ આ રથયાત્રાને માટે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ.

પંકજભાઈની ત્રીજી પેઢીએ અખાડાની પરંપરા જાળવી
દરિયાપુર વાડીગામ અખાડાના પંકજભાઈ પુરાણીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું છેલ્લાં 37 વર્ષથી રથયાત્રામાં અખાડા સાથે જોડાઉં છું. મારી 3 પેઢી છે, જે રથયાત્રામાં અખાડા સાથે જોડાઈને પરંપરા જાળવી રાખી છે. અમારી આશા છે કે આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નીકળે. મહામારીને ધ્યાનમાં રાખીને ઓછા લોકો અને 30 અખાડાને બદલે 1 અખાડો પણ જોડાય તો પરંપરા જળવાઈ રહે. અમે 365 દિવસ આ રથયાત્રાને માટે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. રથયાત્રાના 2 મહિના અગાઉ પ્રેક્ટિસ વધારી દઈએ છે. અમારી તો પૂરી તૈયારીઓ છે. હવે સરકાર જે નિર્ણય લે એના પર સૌકોઈની નજર છે. જો પરવાનગી મળે તો અમે તમામ નિયમોનું પાલન કરીને રથયાત્રામાં જોડાઈશું.

અખાડાની જૂની પરંપરા અમે સાચવી રાખી છે
અખાડાના પહેલવાન ગણેશ કોષ્ટિએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અખાડાનો એક અલગ જ ઇતિહાસ છે. ભગવાન બલરામજી અખાડા કરતા હતા અને અમે એ પરંપરા જાળવી રાખી છે. આ અખાડામાં નવા કોઈ સ્ટંટ નથી બતાવવામાં આવતા, પરંતુ જે વ્યાયામને લગતી કસરતો છે એના પર ભાર મૂકવામાં આવે છે. હું 15 વર્ષથી રથયાત્રામાં અખાડા સાથે જોડાઉ છું. આ વર્ષે અમને આશા છે કે સરકાર રથયાત્રા યોજવા માટે અમને પણ પરવાનગી આપે. રથયાત્રામાં 30 અખાડામાંથી 1 જ અખાડો જોડાશે અને નિયમોનું પાલન કરી અમે અખાડાનું પ્રદર્શન કરીશું. અમને ખ્યાલ છે કે મહામારી ચાલી રહી છે, પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે, જેથી અમારી અપીલ પણ છે કે રથયાત્રા આનંદ ઉલ્લાસથી યોજાય.

અખાડાનો એક અલગ જ ઇતિહાસ છે. ભગવાન બલરામજી અખાડા કરતા હતા.
અખાડાનો એક અલગ જ ઇતિહાસ છે. ભગવાન બલરામજી અખાડા કરતા હતા.

પરંપરાગત રીતે જળયાત્રા નીકળી હતી
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. કોરોનાને કારણે રથયાત્રા યોજવી કે કેમ એ અંગે નિર્ણય લેવાયો નથી, પરંતુ રથયાત્રા અગાઉ થતી તમામ વિધિ અત્યારે થઈ રહી છે. કોરોનાને કારણે તમામ વિધિ સાદગીથી કરવામાં આવી રહી છે. જેઠ મહિનાની પૂનમના દિવસે દર વર્ષે જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળે છે, જે આજે પરંપરાગત રીતે નીકળી હતી. ત્યાર બાદ ભગવાનને અભિષેક કરાવવામાં આવે છે અને ભગવાનને ગજવેશનો શણગાર કરવામાં આવે છે.

અમારી આશા છે કે આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નીકળે.
અમારી આશા છે કે આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નીકળે.

અમાસના દિવસ સુધી ભગવાન મોસાળમાં રહેશે
તમામ વિધિ બાદ આજે ભગવાનને નિજ મંદિરથી સરસપુરમાં આવેલા રણછોડજીના મંદિર એટલે કે ભગવાનના મોસાળ ખાતે લાવવામાં આવ્યા હતા. મોસાળ ખાતે દર વર્ષ જેટલી ભીડ નહોતી, પરંતુ સાદગીપૂર્ણ રીતે ઉમંગથી લોકોએ ભગવાનનું સ્વાગત કર્યું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની આરતી ઉતારવામાં આવી હતી અને એ બાદ ભક્તો માટે ભગવાનનાં દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આજથી અમાસના દિવસ સુધી ભગવાન મોસાળમાં રહેશે જ્યાં ભક્તો માટે ભગવાનનાં દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...