તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નઘરોળ તંત્ર:એક વર્ષમાં અમદાવાદમાં 4 હોસ્પિટલમાં આગ લાગી છતાં ના મ્યુનિ.ની આંખ ઉઘડી કે ના ફાયર વિભાગની

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2019માં એપલ ચિલ્ડ્રન હોસ્પિટલ અને સિવિલની કેન્સર હોસ્પિટલ સહિતની હોસ્પિટલમાં આગની ઘટના ઘટી હતી

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ ચાર માળની શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી આગમાં 8 દર્દીના મોત થયા છે. જ્યારે અન્ય 41 જેટલા દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયા છે. ગત 1 વર્ષમાં અમદાવાદ શહેરમાં 4 હોસ્પિટલમાં આગના બનાવો બન્યા હતા. હોસ્પિટલમાં આગ લાગ્યાની 4-4 ઘટનાઓ ઘટ્યા પછી પણ ન તો મ્યુનિસિપિલ કોર્પોરેશનની આંઘ ઉઘડી છે કે ન તો ફાયર વિભાગની. જો અગાઉની ચાર ઘટનાને ગંભીર માનીને ફાયર વિભાગે કે મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાયર સેફ્ટીને લઇને કડક કાર્યવાહી કરી હોત તો કદાચ આ દુર્ઘટના ઘટી ન હોત અથવા તો પરિજનોએ પોતાના સ્વજનોને ગુમાવવા ન પડ્યા હોત.

ગત 1 વર્ષમાં આ 4 હોસ્પિટલમાં આગની ઘટનાઓ ઘટી હતી
9 જાન્યુઆરી 2019
એલજી હોસ્પિટલના લેબર રૂમમાં આગ

મણિનગરની એલજી હોસ્પિટલની જુની બિલ્ડિંગના લેબર રૂમમાં ગુરુવારે રાત્રે અગમ્ય કારણસર આગ લાગી હતી. આગને પગલે લેબરરૂમની આસપાસના અન્ય રૂમના દર્દીઓને સલામત રીતે બીજા વોર્ડમાં ખસેડી દેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી. 3 ફાયરબ્રિગેડની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો.

13 મે 2019
પરિમલ ગાર્ડન પાસેની એપલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ

પરિમલ ગાર્ડન નજીક આવેલી એપલ મલ્ટિસ્પેશિયાલિસ્ટ બાળકોની હોસ્પિટલના ચોથા માળે 13 મે 2019ના રોજ ભીષણ આગ લાગી હતી. 4 ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવી લીધો હતો. બાટલો ફાટવાથી આગ લાગી હતી. તમામ બાળકો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવતા આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

30 જુલાઈ 2019
થલતેજની સમર્પણ હોસ્પિટલના કોમ્પલેક્સમાં આગ

થલતેજ ભાઈકાકાનગરમાં આવેલા ભાઈકાકા કોમ્પ્લેક્સમાં 30 જુલાઈ 2019એ બપોરે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.આ કોમ્પ્લેક્સના ત્રીજા માળે મેટરનિટી હોસ્પિટલ આવેલી હોવાથી આગનો સંદેશો મળતા જ ફાયર બ્રિગેડની ટીમો તાબડતોડ દોડી આવી હતી અને આગ બૂઝાવી હતી. કોઇ પણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી.

11 સપ્ટેમ્બર 2019
સિવિલના કેન્સર વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ

સિવિલ હોસ્પિટલમાં કેન્સર હોસ્પિટલ ખાતે શોર્ટ સર્કિટને કારણે 11 સપ્ટેમ્બર 2019ના રોજ આગ લાગી હતી. કેન્સર હોસ્પિટલમાં આજે મોડી સાંજે શોર્ટ સર્કિટને કારણે થયેલા સ્પાર્ક બાદ ત્યાં પડેલા સોફાસેટમાં આગ પકડાઇ હતા. તેને કારણે ઘુમાડો ફેલાઇ ગયો હતો. આગની ઘટનાને કારણે કેન્સર હોસ્પિટલમાં ફફડાટ વ્યાપ્યો હતો. જોકે તે સ્થળ પર કોઇ હાજર નહી હોવાથી કોઇ જાનહાનિ થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...