• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In One Year, 15 Billionaires Grew In Gujarat, With A Maximum Of 7 In Surat; Among The Richest People In The Country, 42 Are From Ahmedabad

કોરોનાકાળમાં અમીરોનો ધનયોગ:એક વર્ષમાં ગુજરાતમાં 15 અબજપતિ વધ્યા, સૌથી વધુ 7 સુરતમાં; દેશના ધનાઢ્યોમાં 42 અમદાવાદના

અમદાવાદ24 દિવસ પહેલા
ફાઇલ તસવીર
  • હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2021નો રિપોર્ટ; 75 અમીરો સાથે ગુજરાત દેશનું ચોથું રાજ્ય
  • વડોદરાના દીપક નાઇટ્રેટના દીપક મહેતાની સંપત્તિ 1 વર્ષમાં 250% તો 2 વર્ષમાં 833% વધી, કુલ 16800 કરોડ
  • 65%થી 250% સુધીના સંપત્તિવધારા સાથે 5 ગુજરાતી ટોપ100 અમીરોમાં સામેલ થયા
  • પંકજ પટેલની સંપત્તિ 47% , સમીર-સુધીર મહેતાની 18-18%, કરસનભાઈની 14% વધી

ગુજરાતમાં એક વર્ષમાં નવા 15 અબજોપતિ ઉમેરાયા છે. હવે, 75 અબજપતિ સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમનું રાજ્ય બની ગયું છે. 302 અબજપતિ સાથે મહારાષ્ટ્ર પહેલા ક્રમે છે. ગુજરાતમાં સૌથી વધુ 7 અમીર સુરતમાં જ્યારે અમદાવાદમાં 4 ઉમેરાયા છે. આઇઆઇએફએલ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ, 2021ના તાજેતરના અહેવાલમાં આ વિગતો બહાર આવી છે. ગૌતમ અદાણીની સંપત્તિ 261% વધી છે. સતત 10મા વર્ષે મુકેશ અંબાણી દેશની સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. વડોદરાના દીપક નાઇટ્રેટના દીપક મહેતાની સંપત્તિ રૂ. 16800 કરોડ છે. તેમની સંપત્તિમાં એક વર્ષમાં 250%નો તો બે વર્ષમાં 833%નો વધારો થયો છે. કોરોનાકાળમાં દેશમાં ફાર્મા સેક્ટરમાં 12 નવા અબજપતિ બન્યા છે.

દેશના ટોપ-10 અમીરોમાં 5 ગુજરાતીઓ

નામસંપત્તિદૈનિક આવકસંપત્તિ વધી
મુકેશ અંબાણી7.18 લાખ1639%
ગૌતમ અદાણી5.05 લાખ1002261%
વિનોદ અદાણી1.31 લાખ245212%
દિલીપ સંઘવી1.18 લાખ-42%
ઉદય કોટક5.16 લાખ-33%

...અને ટોપ 100માં એન્ટ્રી મેળવનાર 5 ગુજરાતી

નામસંપત્તિવધારોકંપની
સંદીપ પ્રવીણભાઈ26,400178%એસ્ટ્રાલ
મહેન્દ્ર ચોક્સી19,40069%એશિયન પેઇન્ટ્સ
શૈલેશ ચોક્સી18,90070%એશિયન પેઇન્ટ્સ
દીપક મહેતા16,800250%દીપક નાઇટ્રેટ
અજય પરીખ16,80065%પિડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ

આ ગુજરાતીઓ પણ ટોપ 100માં

અંબાણી, અદાણી સિવાય ટોપ 100 અમીરોમાં સ્થાન મેળવનારા ગુજરાતીઓમાં પંકજ પટેલ (47%), અજય પિરામલ (66%), કરસનભાઈ પટેલ (14%), સમીર-સુધીર મહેતા (18%)નો પણ સમાવેશ થાય છે.

ભાવનગરનો 23 વર્ષનો શાશ્વત નાકરાણી ‘ભારત પે ક્યૂ-આર કોડ’ બનાવીને સૌથી યુવા ધનિક બન્યો
સૌથી યુવાન ધનિક શાશ્વત નાકરાણી પેમેન્ટ પ્લેટફોર્મ ‘ભારત પે’નો સહ-સ્થાપક છે. તેણે 19 વર્ષની વયે અશ્નીર ગ્રોવરની સાથે મળીને ભારત-પે ક્યૂઆર કૉડ બનાવ્યો હતો. ભાવનગરના વતની શાશ્વતે IIT દિલ્હીમાં અભ્યાસ કર્યો છે. તેણે ટેક્સટાઈલ ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે ઓનલાઈન પેમેન્ટ માર્કેટમાં ગેપની ઓળખ કરીને તેણે એવો પેમેન્ટ ગેટ વે બનાવવાનો નિર્ધાર કર્યો હતો જેને વેપારીઓ સરળતાથી લાભ લઈ શકે. શાશ્વતે જાતમહેનતે યાદીમાં સ્થાન મેળવ્યું છે.

સૌથી વધુ અમીરો મહારાષ્ટ્રમાં

રાજ્યઅમીરોઉમેરાયા
મહારાષ્ટ્ર30254
દિલ્હી16739
કર્ણાટક9018
ગુજરાત7515
તમિલનાડુ650

દેશના 42 ધનિકો અમદાવાદી

શહેરઅમીરોઉમેરાયા
મુંબઈ25538
નવી દિલ્હી16739
અમદાવાદ424
સુરત187
રાજકોટ6-1

ફાર્મા સેક્ટરમાં સૌથી વધુ 130 અને કેમિકલ્સમાં 98 ધનિકો
યાદીમાં ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરના સૌથી વધુ 130 ધનિકો છે. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યુટના સાયરસ પુનાવાલા સંપત્તિમાં 43% ના વધારા સાથે મોખરે છે. બીજા ક્રમે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટર છે જેમાંથી 98 ધનિકો યાદીમાં સામેલ છે.

સંપત્તિમાં સૌથી વધુ 99% નો વધારો એશિયન પેઇન્ટસના અશ્વિન દાણીના નામે છે. જ્યારે સેક્ટર મુજબ ધનિકોની સંખ્યામાં ત્રીજા ક્રમે સોફ્ટવેર સર્વિસ (81 ધનિક), ઓટોમોબાઇલ (51 ધનિક) અને કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ (47 ધનિક)નો સમાવેશ થાય છે.