ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઓઢવમાં 2 ફૂટથી વધારે પાણી ભરાતા પંપથી ખેંચી ખારીકટ કેનાલમાં ઠાલવવું પડ્યું

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે બપોર પછી શરૂ થયેલા ભારે વરસાદથી શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. માત્ર 4 કલાક પડેલા વરસાદમાં મ્યુનિ. પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. શહેરમાં લગભગ 100થી વધુ સ્થળે ઘૂંટણ સુધીના પાણી ભરાયા હતા. શહેરમાં સરેરાશ સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. મ્યુનિ.એ વરસાદી પાણી ભરાય નહીં તે માટે નજર રાખવા 2559 સીસીટીવીની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત શહેરમાં 100 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર લાઇન નખાઈ છે છતાં પહેલા વરસાદમાં બધુ ધોવાઈ ગયું હતું. પૂર્વના કેટલાક વિસ્તારમાં પંપથી પાણી ખેંચી ખારીકટ કેનાલમાં ઠલવાયું હતું. વરસાદને કારણે નદીમાં પાણીની આવક વધતાં વાસણા બેરેજના દરવાજા 3 ફૂટ ખોલી નાખવામાં આવ્યા હતા.

ઉસ્માનપુરાઃ વરસાદ બંધ થવાનું કે પાણી ઉતરવાનું નામ લેતાં ન હતાં
સૌથી વધુ 9 ઇંચ વરસાદ ઉસ્માનપુરામાં થયો હતો. મોટાભાગની સોસાયટીઓ અને રોડ પર ઘૂંટણ સુધીના પાણી ભરાતાં વાહનો ફસાઈ ગયા હતા. પહેલીવાર લખુડી તલાવડી વિસ્તારમાં પાણી ભરાયું હતું. એક સ્થાનિક રહીશે કહ્યું, વાહન બંધ પડી જવાની બીકે રોડની સાઇડે વરસાદ બંધ થવાની 20 મિનિટ સુધી રાહ જોઈ પરંતુ વરસાદ બંધ થવાને બદલે વધતો ગયો અને પાણી ઉતરવાનું નામ લેતાં ન હતાં.

મણિનગરઃ સ્કૂલના બાળકો અટવાયાં, કાર ફસાઈ
મણિનગરમાં બપોરે 1 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ 3 કલાક પછી ધીમો પડ્યો હતો. કાંકરિયા દીવાન બલ્લુભાઈ સ્કૂલમાં પાણી ભરાતા બાળકો અટવાયા હતા. નેલ્સન સ્કૂલ પાસે રોડ બેસી જતાં એક કાર ફસાઈ ગઈ હતી. ગોરના કૂવાથી જશોદા ચોકડી તરફ જતાં રોડ પર પાણી ભરાયા હતા. આ ઉપરાંત હાટકેશ્વર અને સીટીએમ ચાર રસ્તાથી સિંધવાઈ માતાના મંદિર સુધી ઘૂંટણ સુધી પાણી ભરાયું હતું.

સરસપુર-ગોમતીપુરઃ સ્કૂલનાં બાળકોને રેસ્ક્યુ કરવાં પડ્યાં
સરસપુરની ગુજરાતી શાળા નંબર 1ની આસપાસ વરસાદી પાણી ભરાતા ફસાઈ ગયેલા વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરાયા હતા. આ ઉપરાંત ગોમતીપુરમાં કલંદરી મસ્જિદ પાસે એક કિમી સુધી પાણી ભરાઈ ગયા હતા અને એએમટીએસ તથા બીઆરટીએસ બસો પણ બંધ કરી દેવાઈ હતી. પ્રકાશ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા. અંતે કોર્પોરેટર ઈકબાલ શેખે એક ટ્રેકટર ટ્રોલીથી વિદ્યાર્થીઓને ખસેડ્યા હતા.

પ્રહલાદનગરઃ કોર્પોરેટ રોડ પર ઝાડ પડતાં એક તરફ વાહનવ્યવહાર બંધ
પ્રહલાદનગર ગાર્ડન પાસેના કોર્પોરેટ રોડ પર તોફાની પવન અને ભારે વરસાદને કારણે એક ઝાડ તૂટી પડતાં એક તરફનો વાહન વ્યવહાર બંધ થઈ ગયાે હતો. શ્યામલ ચાર રસ્તાથી પ્રહલાદનગર વચ્ચે આવતા આનંદનગર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. 100 ફૂટ રોડ પર આવેલા શિવાલિક બંગલોઝમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં. મકરબા વિસ્તારની કેટલીક સોસાયટીઓની ચોતરફ પાણી ભરાતાં લોકો અટવાયાં હતાં. પાણીમાં વાહનો બંધ પડી જવાથી સંખ્યાબંધ લોકો ફસાયા હતાં.

ઓઢવ, નરોડાઃ ઘરોમાં વરસાદી પાણી સાથે ગટરનાં પાણી ફરી વળ્યાં, અનેક વિસ્તારમાં ટ્રાફિક જામ
પાર્શ્વનાથ ટાઉનશીપ કૃષ્ણનગર ખાતે વરસાદી પાણી ઉપરાંત ગટરના પાણી પણ લોકોના ઘરોમાં ફરી વળ્યા હતા. લોકોની ફરિયાદ હતી કે, દરેક ચોમાસામાં આ સ્થિતિ સર્જાતી હોવા છતાં મ્યુનિ. કોઈ પગલાં લેતી નથી. ઓઢવ રોડ પર પણ ઢીંચણ સુધી પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ થયો હતો અને લોકો અડધો-પોણો કલાક અટવાયા હતા.

5 રોડ બેસી ગયા, કમિશનર કંટ્રોલરૂમમાં દોડી ગયા
ભારે વરસાદ પછી સમીક્ષા માટે મ્યુનિ. કમિશનર લોચન સહેરા, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ, વોટર સપ્લાય ચેરમેન જતીન પટેલ બપોર પછી પાલડીના કંટ્રોલ રૂમ ખાતે દોડી આવ્યા હતા. વરસાદને કારણે શહેરના 100થી વધુ વિસ્તારમાં પાણી ભરાયા હતા, 5 જગ્યાએ રોડ બેસી ગયા હતા, 5 ઝાડ પડી ગયા હતા જ્યારે 3 ભયજનક મકાન ધરાશાયી થયા હતા.

મીઠાખળી સહિત 3 અંડરપાસ 5 કલાક સુધી બંધ
મીઠાખળી અંડરબ્રિજ
બપોરે 3 વાગે બંધ કરાયો, સાંજે 5 વાગે ખોલાયો.

શાહીબાગ અંડરબ્રિજ
બપોરે 3.35 કલાકે બંધ, સાંજે 4.30 ખોલાયો.

અખબારનગર અંડરબ્રિજ
બપોરે 3 વાગે બંધ કરાયો, રાતે 8.15 વાગે ખોલાયો.

અન્ય સમાચારો પણ છે...