ક્રાઇમ:નિકોલમાં ત્રણ શખ્સોએ જ્વેલર્સના સેલ્સમેનની આંખમાં મરચું નાખી 12 કિલો ચાંદીની લૂંટી, અંદાજે 1 કરોડથી વધુની લૂંટ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણેકચોકનો સેલ્સમેન ડિલિવરી આપવા માટે ગયો હતો

નિકોલમાં શનિવારે રાતે જ્વેલર્સના સેલ્સમેનની આંખમાં મરચું નાંખીને રૂ. 1 કરોડથી વધુ કિંમતની 12 કિલો ચાંદીના દાગીના ભરેલા થેલાની લૂંટ કરી 3 અજાણ્યા લોકો નાસી છૂટ્યા હતા. આ બનાવને પગલે દોડી આવેલી પોલીસે આરોપીઓને પકડવા નાકાબંધી સહિતના પગલાં લઈ તપાસ આદરી છે.

બનાવની વિગત પ્રમાણે વાસણામાં રહેતો સંકેત ખટિક માણેકચોકમાં આવેલા મિલન ગોલ્ડ નામના જ્વેલર્સને ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. સામાન્ય રીતે સંકેતનું કામ શહેરની આસપાસના વિસ્તારોમાં આવેલા જવેલર્સને ત્યાં જઈને સોનાચાંદીના દાગીના બતાવવાનું અને વેચાણ કરવાનું છે. નિત્યક્રમ મુજબ સંકેત શનિવારે સવારે માણેકચોક દુકાને ગયો હતો. મોડીસાંજે સંકેત 12 કિલો ચાંદીના દાગીના ભરેલો થેલો લઈને નિકોલ વિસ્તારમાં જ્વેલર્સને ત્યાં જવા નીકળ્યો હતો.

નિકોલ પહોંચીને તે સત્યમ પ્લાઝા પાસે ઊભો હતો. તે સમયે એક્ટિવા પર ત્રણ શખ્સો તેની નજીક આવ્યા હતા સંકેત કંઈ સમજે તે પહેલા ત્રણ પૈકી એક શખ્સે તેના ખિસ્સામાંથી એક પડીકું કાઢીને મરચાનો પાઉડર સંકેતની આંખમાં નાંખી 12 કિલો ચાંદી ભરેલ કિંમત રૂ.1 કરોડથી વધુનો થેલો લૂંટી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. જે અંગે સંકેતે તેના શેઠને જાણ કર્યા બાદ પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોન કરી ઘટનાની ફરિયાદ કરતા નિકોલ પીઆઈ સહિતનો પોલીસકાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

લુટારુઓ જાણભેદુ હોવાની આશંકા
સંકેત ખટિક પાસે 12 કિલો ચાંદી ભરેલો થેલો હોવાની વાત તેના શેઠ અને સાથે કામ કરતા લોકો સિવાય કોઈને જાણ ન હતી. આ સંજોગોમાં નિકોલ પહોચેલા સંકેતને ટાર્ગેટ કરી તેની આંખમાં મરચું નાંખી લૂંટ કરવાની ઘટનામાં કોઈ જાણભેદુ સંડોવાયેલ હોવાનું પોલીસનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...