• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Navratri, Ahmedabad Corporators Will Also Have To Wake Up At Night To Check The Vaccination Of Sailors, Societies Have Also Been Given Responsibility.

ગરબા રમજો,પણ સાચવજો:અમદાવાદના કોર્પોરેટરોએ નવરાત્રિમાં રાત્રે ઉજાગરા કરી લોકોનું વેક્સિન સર્ટિ ચેક કરવું પડશે, સોસાયટીઓને પણ જવાબદારી સોંપાઈ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના ગાઈડલાઈનના પાલન અને વેકસીનના બે ડોઝ માટે સોસાયટીના આગેવાનો સાથે મીટિંગો શરૂ થઈ
  • લોકોને ગરબામાં પ્રવેશ મામલે સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામા આવશે
  • આયોજકોને ગરબામાં ભાગ લેનારા લોકોએ વેક્સિનના 2 ડોઝ લીધા હોય તેની ખાતરી કરવા સૂચના

કોરોનાની અસર ઓસરતાં જ સરકારે 400 લોકો સાથે શેરી ગરબાની મંજુરી આપી છે. અમદાવાદમાં હવે શોપિંગ મોલ,થિયેટરો, કલબ,કોમર્શિયલ કોમ્પલેક્ષ,પાર્ટી પ્લોટ,ધાર્મિક સ્થળો,પર્યટન સ્થળો અને મોટી સોસાયટીઓમાં વેક્સિનેશન વગર પ્રવેશ મળશે નહી. તેવી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે. જો કે આ તમામ કોમર્શિયલ એકમો અને સોસાયટીના જવાબદાર લોકોએ વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવાનું રહેશે. તે ઉપરાંત કોર્પોરેટરોએ પણ રાત્રે ઉજાગરા કરીને ખેલૈયાઓનું વેક્સિનેશન ચેક કરવું પડશે.

સરકારના જાહેરનામા પ્રમાણે કોર્પોરેશન કાર્યવાહી કરશે
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ ડો. ભાવિન સોલંકીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવરાત્રિમાં બે ડોઝ લીધેલા વ્યક્તિને ગરબા રમવાની પરમીશન મામલે સરકારનું આજે જાહેરનામું આવશે. તે મુજબ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ખાનગી એકમો જેવા કે કોમર્શિયલ કોમ્પલેક્સ, ધાર્મિક સ્થળો તેમજ મોટી સોસાયટીઓમાં કોર્પોરેશન દ્વારા બે દિવસ બાદ ચેકિંગ શરૂ કરવામાં આવશે. લોકોનું વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરવામાં આવશે.

સોસાયટીના આગેવાનોને પણ ખેલૈયાઓ પાસે સર્ટિ છે કે નહીં તે ચેક કરવાની સૂચના અપાઈ ( પ્રતિકાત્મક તસવીર)
સોસાયટીના આગેવાનોને પણ ખેલૈયાઓ પાસે સર્ટિ છે કે નહીં તે ચેક કરવાની સૂચના અપાઈ ( પ્રતિકાત્મક તસવીર)

કોર્પોરેટરો પણ રાત્રે ઉજાગરા કરીને વેક્સિનેશનનું ચેકિંગ કરશે
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવરાત્રિ તહેવાર દરમિયાન દરેક લોકો જેઓ ગરબા રમવા સોસાયટીમાં ભેગા થાય તેઓએ વેક્સિન લીધેલી હોય તે જરૂરી છે. જેના માટે દરેક સોસાયટીઓના ચેરમેન સાથે વાતચીત કરી વેકસિનેશનના ચેકિંગ માટે કહ્યું છે. જેઓએ વેક્સિન લીધી છે તેઓ જ ગરબા રમે તે વધુ યોગ્ય છે. તમામ કોર્પોરેટરોને પણ આ માટે જાણ કરી છે. શહેરમાં વધુ વેક્સિનેશન માટે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ.

પોલીસ પણ વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરશે
નવરાત્રી દરમિયાન સોસાયટીઓમાં કોરોના ગાઇડલાઇનના પાલન અને વેક્સિનેશનના બે ડોઝ લીધા હોય તેવા લોકોને ગરબામાં પ્રવેશ મામલે સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામા આવશે. પોલીસે સોસાયટીના આગેવાનો સાથે મીટિંગો શરૂ કરી દીધી છે. શહેરમાં દરેક પોલીસ સ્ટેશનના પીઆઈને તેમના વિસ્તારમાં આવેલી શેરી, સોસાયટી, ફ્લેટોમાં યોજાતા રાસ-ગરબાના આયોજકો સાથે મીટિંગ કરવા મોટી સોસાયટીઓમાં યોજાતા રાસ-ગરબાના આયોજકો સાથે મીટિંગ કરવાની ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપી હતી.

શેરીઓમાં પણ પોલીસ ઓચિંતુ ચેકિંગ હાથ ધરશે ( પ્રતિકાત્મક તસવીર)
શેરીઓમાં પણ પોલીસ ઓચિંતુ ચેકિંગ હાથ ધરશે ( પ્રતિકાત્મક તસવીર)

નવરાત્રિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાશે
જેના પગલે દરેક પોલીસ સ્ટેશનના પીઆઈઓએ તેમના વિસ્તારની સોસાયટીઓમાં મીટિંગો યોજવાનું શરૂ કરી દીધું છે. ગરબાના આયોજનમાં 400થી વધુ માણસો ભેગા નહીં કરવા તેમ જ ગરબામાં ભાગ લેનારા લોકોએ વેક્સિનના 2 ડોઝ લીધા હોય તેની ખાતરી કરવા સૂચના આપી હતી. ઉપરાંત નવરાત્રી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...