બળાત્કારી સાવકા બાપની ધરપકડ:દેવું ઉતારવાની વિધિના બહાને નરાધમે દીકરી પર દુષ્કર્મ આચર્યું, બાદમાં માતા સાથે કાઢી મૂકી બીજા લગ્ન કર્યા

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ ખાતે રહેતી મહિલા સાથે યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તે મહિલાના અગાઉના પતિ દ્વારા જન્મેલી દીકરી અને તેને લઇ યુવક નરોડા રહેવા આવી ગયો હતો. જ્યાં દેવું ઉતારવા સહિતના બહાને તાંત્રિક વિધિ કરવી પડશે તેમ કહી સાવકા પિતાએ દીકરી પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ માતા-દીકરીને મુંબઇ કાઢી મુક્યા હતા અને બીજી યુવતી સાથે અમદાવાદમાં લગ્ન કર્યા હતા. આ મામલે જાણ થતાં યુવતીએ સાવકા પિતા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

પીડિતા મુંબઈમાં માતા સાથે રહીને દુકાને સિલાઈનું કામ કરે છે
મુંબઈ ખાતે મેઘા(નામ બદલ્યું છે) તેની માતા સાથે છેલ્લા ત્રણેક માસથી રહે અને દુકાને સિલાઈનુ કામકાજ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મેઘાના પિતાએ અગાઉ બીજી મહિલા સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. ત્યારબાદ માતા દસેક વર્ષ પહેલા શાન્તાક્રૂજ મુંબઈ ખાતે રહેતા અને મીઠાઇનો ધંધો કરતા રાધે ઉર્ફે ગોપાલ રાજુભાઇ ઠક્કર સાથે મુંબઈ ખાતે મંદિરમાં પ્રેમલગ્ન કરેલા ત્યારથી મેઘા તેની માતા સાથે રાધે ઉર્ફે ગોપાલભાઇ રાજુભાઇ ઠક્કર સાથે રહેતી હતી અને ત્યારબાદ તેઓ બધા મુંબઈથી કોલકાતા રહેવા ગયેલા અને નવેક મહિના કોલકાતા ખાતે રહેલા.

2021માં યુવતીને તેનો સાવકો બાપ અમદાવાદ લાવ્યો
2021માં જુલાઈ માસમાં મેઘા તથા તેની માતાને રાધે ઉર્ફે ગોપાલ ઠક્કર કોલકાતા ખાતેથી અમદાવાદના નરોડા લઈ આવ્યો હતો. તેઓ નરોડા એક ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. જ્યાં રાધે ઉર્ફે ગોપાલ રાજુભાઇ ઠક્કર પુજાપાઠ, ભુવા અને તાંત્રિક વિધિને લગતી કામકાજ કરતો અને ઘરે મંદિર બનાવી પુજા પાઠ કરતો હતો. દરમ્યાન રાધે ઉર્ફે ગોપાલ ઠક્કરે મેઘાની માતા બહાર કે માર્કેટ જાય તે વખતે તેને કહેતો કે, આપણા પર દેવુ થયેલું છે. જે દેવુ ઓછું કરવા આપણે વિધિ કરવી પડશે. તુ મારી સાથે વિધિ કરીશ તો આપણુ દેવુ ઓછું થશે. વિધિ કરવા તારે મારી સાથે શરીરસંબંધ બાંધવો પડશે, તો આપણુ દેવુ ઓછુ થશે તેની વિધિ કરવી પડશે. તેમજ વિધિ કરીશ તો તારૂ તથા તારી મમ્મીનુ સારૂ થશે અને જો તુ મારી સાથે વિધિ કરવા શરીરસંબંધ નહી બનાવે તો તારી મોટી બહેનના પેટમાં રહેલું બાળક મરી જશે. તારી મમ્મીનુ સારૂ નહી થાય અને આપણુ દેવુ ઓછું નહી થાય તેવી વાતો મેઘાને કરતો હતો.

વિધિને બહાને શારીરિક સંબંધ બાંધતો
તેની વાતોથી મેઘા ડરી ગઇ હતી અને આ વાત તેણે કોઇને કરેલી ન હતી. રાધે મેઘાને ભુવા તાંત્રિકની વાતચીતો કરી ડર ઘૂસાડી તેની માતા બહાર જાય ત્યારે તાંત્રિક વિધિ કરાવાનુ કહી અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો. તેમજ બહાર ફરવા લઈ જવાના બહાને 31 ઓક્ટોબર 2021ના રોજ નરોડા ગંગોત્રી હોટલ ખાતે લઈ ગયો હતો. જ્યાં કહ્યું હતું કે, આપણે વિધિ કરવા મારે એકાંતમાં મળવુ પડશે તેમ કહી હોટલમાં તાંત્રિક વિધિના બહાને બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરાંત આ વાત ઘરે કોઇને કરીશ તો તારા બહેનનુ અને પુજાનુ મૃત્યુ થશે અને આપણુ દેવુ માફ નહીં થાય તેવો ડર બતાવતો હતો. જેથી મેઘા કોઇને વાત કરી ન હતી.

અન્ય મહિલા સાથે લગ્નની ખબર પડી
દરમ્યાન મેઘાને ખબર પડી હતી કે, રાધેને મીના સાથે સંબંધ છે. જેથી મેઘા મીનાને મળી હતી અને સમગ્ર વાતચીત કરી હતી. મેઘાએ તેની માતાને પણ આ વાત કરી હતી. જેથી રાધેએ મેઘાની માતા સાથે ઝગડો કર્યો હતો. જેથી રાધેએ માતા-દીકરીને ગાળો બોલી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરેથી કાઢી મુકી મુંબઈ ખાતે મોકલી દીધા હતા. બાદ મેઘાને જાણવા મળેલું કે રાધે મીના સાથે લગ્ન કર્યા છે અને તે અમદાવાદ ખાતે રહે છે. તેવી જાણ થતાં મેઘાએ આ મામલે રાધે સામે બળાત્કાર સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...