છેડતી-પજવણી ક્યારે અટકશે?:અમદાવાદના મેઘાણીનગરમાં યુવતીના ઘરે જઈને છેડતી, પીડિતાની માતાએ વીડિયો ઉતારતા ટપોરી નગ્ન થયો

અમદાવાદ5 મહિનો પહેલા
  • વિકૃત ટપોરી ઘરની બહાર કપડાં કાઢી નગ્ન થતાં ઘટનાનો વીડિયો ઉત્તારીને પોલીસ ફરિયાદ નોંધાવી
  • યુવતી ઘરની બહાર નીકળે ત્યારથી ઘરે પરત આવે ત્યાં સુધી પીછો કરતા લુખ્ખા સામે મેઘાણીનગરમાં ફરિયાદ

સુરતમાં પ્રેમમાં પાગલ પ્રેમીએ ગ્રીષ્મા વેકરિયાને ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. ત્યારે રાજ્યમાં યુવતીની પજવણી અને છેડતીના બનાવ થંભવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં એક યુવતીને તેના વિસ્તારનો લુખ્ખો ગણાતો ટપોરી રોજ પરેશાન કરે છે. તેની હિંમત એટલી વધી ગઈ છે કે તેના ઘરે પહોંચીને નિવસ્ત્ર થઈ ગયો હતો. જો કે યુવતીની માતાએ વીડિયો ઉતારીને ટપોરીને પાઠ ભણાવવા માટે ફરિયાદ નોઁધાવી છે.

યુવતી માતાપિતાની આબરૂ ન જાય તે માટે ચૂપ હતી
મેઘાણીનગર વિસ્તારમાં નિશા (નામ બદલ્યું છે ) પરિવાર સાથે રહે છે. નિશા રોજ જ્યારે ઘરેથી બહાર નીકળે ત્યારે આ વિસ્તારનો એક ટપોરી એની પાસે આવીને તેને ખૂબ ગંદી ભાષામાં વાતો કરતો હતો. રોજ બનતી આ ઘટના વિશે તેના માતા-પિતાને કરી હતી. નિશાના માતાપિતા પોતાના સમાજમાં આબરૂ ન જાય તે માટે જેમ-તેમ કરીને આ ટપોરીની હરકતોને સહન કરતા હતા. આ સમયે વધતા જતાં ત્રાસના કારણે નિશા આ યુવકને ઘણી વખત તેનો પીછો ન કરવા તેની સાથે વાત ન કરવા સમજાવતી પણ ટપોરી બોબી નડિયા કોઈ વાતે સમજવા તૈયાર ન હતો.

ઘરે પહોંચીને ટપોરી ગાળો બોલવા લાગ્યો
2જી માર્ચે નિશા અને તેની માતા ઘરે હતા ત્યારે બોબી ત્યાં આવ્યો હતો અને નિશાને બોલાવીને જોર-જોરથી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ડરીને નિશા અને તેની માતા ઘરમાં ઘૂસી ગયાં હતાં. પણ બહાર બોબી તેમના ઘર પર પથ્થરો મારવા લાગ્યો હતો. થોડી વરમાં દરવાજા પર દંડા મારવા લાગ્યો હતો. આ ઘટનામાં નિશા અને તેની માતા ઘરની અંદર ફફડતા હતા. બોબી એટલો છકટો બન્યો કે તે કપડાં ઉતારવા લાગ્યો હતો.

મેઘાણીનગર પોલીસ સ્ટેશન
મેઘાણીનગર પોલીસ સ્ટેશન

ટપોરીની હરકતના પૂરાવા મોબાઈલમાં કેદ કર્યા
ટપોરી કપડાં ઉતારીને નગ્ન થઈ ગયો હતો. એટલું જ નહીં પૂરાવા માટે યુવતીની માતા વીડિયો ઉતારવા જતાં બોબી પોતાનું ગુપ્તાંગ બતાવી ઈશારા કરવા લાગ્યો હતો. આ ઘટનાના થોડીક સમય બાદ નિશાએ બોબીને સબક શીખવાડવા નક્કી કર્યું હતું અને મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બોબીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે બોબી જેવા ટપોરીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો માસૂમ દીકરી ડર વગર જીવન જીવી શકે છે.

સમાજમાં આબરૂ જવાના ડરે છેડતીના કિસ્સા દબાઈ જાય છે
અનેક જગ્યાએ યુવતીઓની છેડતીના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે પણ પરિવાર અને સમાજની આબરૂના કારણે આવા કિસ્સા ક્યાંક દબાઈ જતા હોય છે, જેના કારણે લુખ્ખા તત્વો બેફામ બનીને માસૂમ યુવતીઓને કે તેના પરિવારને પોતાના તાબા હેઠળ લાવવા માટે અનેક ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...