અનૈતિક સંબંધનું ખરાબ પરિણામ:વાડજમાં રહેતી 3 સંતાનની માતાને પ્રેમીએ ધમકી આપી કે, ‘મારી સાથે નહિ બોલે તો એસિડ હુમલો કરી ચહેરો બગાડી દઈશ’

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્રેમીએ મહિલાના દિયરને ફોન કરીને ધમકી આપી કે, ‘તારી ભાભી મારી છે, હું તેને ઉપાડી જઈશ’, અંતે ફરિયાદ નોંધાવી

વાડજમાં રહેતી 3 સંતાનની માતાને તેના પ્રેમીએ એસિડ ફેંકી ચહેરો બગાડી દેવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે. મહિલાએ તેનો પ્રેમી નશાનો બંધાણી હોવાથી સંબંધ તોડી નાખ્યો હતો, પણ પ્રેમી યુવક સંબંધ રાખવા દબાણ કરીને પ્રેમિકાના પતિને ફોટા મોકલવાની, બાળકોને ઉપાડી જવાની અને ચહેરા પર એસિડ એટેકની ધમકી આપતો હતો. આટલું જ નહીં પ્રેમીએ પરિણીતાના દિયરને રસ્તામાં પકડીને કહ્યું કે, તારી ભાભીને તો હું ઉપાડી જઈશ. આ અંગે હાલ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.

કામ પર 3 સંતાનોની માતા સાથે યુવકની આંખ મળી
ઘટનાની વિગતો મુજબ, નવા વાડજમાં રહેતી 33 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. મહિલા એક બિલ્ડીંગમાં સાફ સફાઈનું કામ કરવા જાય છે. મહિલાને સંતાનમાં ત્રણ બાળકો પણ છે. આ મહિલા જે કોમ્પ્લેક્સમાં કામ કરતી હતી, ત્યાં અનિલ વાઘેલા નામનો વ્યક્તિ પણ કામ કરવા આવતો હતો. જેથી અનિલ આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે બાદમાં મહિલાને જાણ થઈ કે તેનો પ્રેમી અનિલ સારો માણસ નથી અને તે નશો કરે છે. તેથી મહિલાએ તેની સાથે સંબંધ રાખવાનું બંધ કરી દીધું.

મહિલાએ સંબંધ રાખવાની ના પાડતા પ્રેમી વિફર્યો
બે મહિના અગાઉ કામ કરવાની જગ્યાએ મહિલા પડી જતા તે કામ પર નહોતી જતી. છતાં અનિલ ફોન કરીને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો, પણ મહિલાએ ઘસીને તેને ના પાડી દીધી. આ બાદ મહિલા મંદિર કે શાકભાજી લેવા જાય ત્યાં બાઇક લઈને અનિલ પહોંચી જતો અને સંબંધ રાખવા દબાણ કરતો હતો. મહિલાએ અનિલને કહ્યું કે, તેના પતિને જાણ થઈ ગઈ છે છતાંય અનિલ મહિલાનો હાથ પકડી ધમકી આપી કે તેના ફોનમાં ફોટો છે તે તેના પતિને મોકલી બદનામ કરી દેશે.

પરિણીતાના દિયરને આપી ધમકી
3 સંતાનોની માતાના પ્રેમમાં પડેલા અનિલે મહિલાને એસિડ ફેંકી ચહેરો બગાડવાની અને છોકરાને ઉપાડી જવાની પણ ધમકી આપી હતી. થોડા દિવસો પહેલા અનિલે મહિલાના દિયરને ફોન કરીને કહ્યું કે "તારી ભાભી તો મારી જ છે, હું તેને ઉપાડી જઈશ". જેથી આ મામલે હવે સાસરિયાઓને જાણ થતાં જ મહિલાએ પ્રેમી સામે ફરિયાદ આપતા વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.