તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેટેલાઇટમાં પુત્રવધૂના ત્રાસ અને પોલીસ કેસ કરવાની ધમકીઓથી સ્ટ્રેસમાં રહેતા 75 વર્ષના વેપારીનું મોત નીપજ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સિનિયર સિટિઝનનું ઘરમાં જ મૃત્યુ થયા બાદ તેમના કબાટમાંથી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં તેમણે પુત્રવધૂના ત્રાસથી સ્ટ્રેસમાં રહેતા હોવાથી તબિયત બગડી હોવાનું લખ્યું હતું.
સોમેશ્વર બંગ્લોઝમાં રહેતા દીપક શાહ (ઉં. 75) ગોમતીપુરમાં કોલસનો ધંધો કરતા હતા. તેમના પુત્ર જિગરનાં બીજા લગ્ન નેત્રા સાથે થયાં હતાં. ગત 28 ફેબ્રુઆરીએ દીપકભાઈનું ઘરમાં જ અવસાન થયું હતું. 31 માર્ચે તેમનાં પત્ની કલ્પનાબહેને કબાટ ચેક કરતા એક ચિઠ્ઠી મળી હતી, જેમાં દીપકભાઈએ લખ્યું હતું કે, ‘નેત્રા મને અને પરિવારને ત્રાસ આપે છે. મારા દીકરા-દીકરી વચ્ચે આડા સંબંધ છે તેવી ખોટી વાતો ફેલાવી બદનામ કરે છે. ગમે ત્યારે મારા રૂમમાં આવી પોલીસ કેસ કરવાની ધમકી આપે છે. તેણે જીવવું મુશ્કેલ કર્યું છે. તેના કારણે જ મારી તબિયત બગડે છે.’ આ ચિઠ્ઠીના આધારે કલ્પનાબહેને નેત્રા વિરુદ્ધ સેેટેલાઇટ પોલીસમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
વહુના ત્રાસથી સસરાનો મોત થયાનો આક્ષેપ
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા સોમેશ્વર બંગલોમાં રહેતા 70 વર્ષના કલ્પના શાહ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં તેમનો દીકરો જીગર તથા તેની પત્ની એટલે કે પુત્રવધૂ નેત્રા સાથે રહે છે. તેમને સંતાનમાં એક દીકરી પણ છે જેના લગ્ન 1998માં થયા હતા અને તે તેના પતિ સાથે સિંગાપુર ખાતે રહે છે. કલ્પના બહેનના દીકરા જિગરના આજથી 18 વર્ષ પહેલા એક યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ વર્ષ 2010માં બંનેના છૂટાછેડા થયા હતાં.
નેત્રા લગ્ન પહેલાં ન્યૂ ઝીલેન્ડમાં રહેતી હતી
છૂટાછેડા બાદ જિગરે બીજા લગ્ન કરવાનું નક્કી કરતા શાદી ડોટ કોમ પરથી નેત્રાના પરિચયમાં આવ્યો હતો. નેત્રાની માતા વસ્ત્રાપુરમાં રહેતી હતી, પરંતુ નેત્રા ન્યૂ ઝીલેન્ડની પીઆર ધરાવતી હતી અને ત્યાં જ રહેતી હતી. જોકે જિગરે અમદાવાદમાં આવીને રહેવાની શરત મૂકતા નેત્રા તૈયાર થઈ હતી અને તે અમદાવાદ આવ્યા બાદ બંનેએ 2011માં લગ્ન કર્યાં હતાં.
પતિના મૃત્યુ બાદ મળી આવી ચિઠ્ઠી
ફેબ્રુઆરી 2021માં રાત્રે કલ્પનાબેન તથા તેમનો દીકરો અને પુત્રવધૂ ઘરે હાજર હતા. રાત્રે તેમના પતિ દીપકભાઈ પોતાના રૂમમાં સુવા માટે ગયા હતા અને બીજા દિવસે સવારે તેમનું ડાયાબિટીસનું રૂટિન ચેકઅપ હોવાથી કલ્પનાબેન તેમને જગાડવા ગયા હતા. જોકે દીપકભાઈએ કોઈ પ્રતિક્રિયા આપતા ડોક્ટરને ફોન કરાયો હતો અને ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ માર્ચ મહિનામાં કલ્પનાબેન દીપકભાઈના રૂમમાં ગયા હતા અને કબાટમાં પડેલા કપડા અને જરૂરી કાગળો જોયા હતા.
નેત્રાના ડરથી સસરા દરવાજે લોક મારતા
નેત્રા ગમે ત્યારે દીપકભાઈના રૂમમાં જઈને તેમને ધમકાવતી હતી, જેથી દીપકભાઈ એટલી હદે ડરી ગયા હતા કે બેડરૂમનો દરવાજો બંધ કરીને સૂઈ જતા હતા. જ્યારે કલ્પનાબહેનને રડતાં રડતાં કહેતા હતા કે, હવે નેત્રાનો ત્રાસ સહન થતો નથી, આવી રીતે જીવવું તેના કરતા તો મરી જવું સારું. દીપકભાઈનું મૃત્યુ થયું તેના ત્રણ દિવસ પહેલાં પણ નેત્રાએ તેમને પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી.
વહુ સસરાના રૂમમાં જઈને ધમકી આપતી
જેમાં એક ફોલ્ડરમાં રાખેલો કાગળ તેમને મળ્યો હતો. જેમાં બંને બાજુએ લખાણ ટાઈપ કરાવ્યું હતું. જે કાગળમાં તેમની પુત્રવધૂ નેત્રા દીપકભાઈને, કલ્પના બહેનને તથા તેમના દીકરા-દીકરીને માનસિક-શારીરિક ત્રાસ આપતી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. કલ્પનાબેનના દીકરા-દીકરી વચ્ચેના સંબંધોની વાતો કરી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. નેત્રા ગમે ત્યારે દીપકભાઈના રૂમમાં ઘુસી ગમે તેમ બોલી અને કંઈ કહે તો પોલીસ બોલાવવાની ધમકી આપીને ડરાવતી હતી. જેના કારણે તેઓની તબીયત વારંવાર બગડતી હોવાનો દીપકભાઈએ આ કાગળમાં ઉલ્લેખ કર્યો હતો.
પ્રતિષ્ઠાને હાનિ પહોંચતા વૃદ્ધ તણાવમાં રહેતા
દીપકભાઈને એવો પણ ડર સતાવતો હતો કે તેમની પુત્રવધૂ તેમનો જીવ લઇ લેશે. આ પ્રકારનું લખાણ દીપકભાઈના મૃત્યુ બાદ મળી આવ્યું હતું. વહુ અવારનવાર પૈસા બાબતે પણ ઘરમાં ઝઘડા કરી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી અને સંતાનોના ખોટા સંબંધોની લોકોને ચર્ચા કરી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કામ નેત્રા કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
મૃત્યુના બે મહિના બાદ સાસુએ વહુ સામે ફરિયાદ કરી
એપ્રિલ વર્ષ 2020 થી 2021ના ફેબ્રુઆરી માસ દરમિયાન કલ્પનાબેન અને દીપક ભાઈના દીકરાની વહુ નેત્રા ઘરના સભ્યોને અવારનવાર નાની મોટી વાતમાં બોલાચાલી કરીને માનસિક ત્રાસ તથા પોલીસ ફરિયાદ કરવાની ધમકીઓ આરતા દીપકભાઈ તણાવમાં રહેતા હતા અને તેના કારણે તેઓનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરાયો છે. સમગ્ર બાબતને લઈને જે કાગળ મળી આવ્યો તેના આધારે સેટેલાઈટ પોલીસે નેત્રા સામે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે .પોલીસે હાલ આઈપીસીની કલમ 306 મુજબ ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.