અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આજે બપોરે યુવક ઉપર તલવારથી હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં એક યુવકનું ઉપરાછાપરી તલવારના ઘા ખાતાં મોત નીપજ્યું છે. આ તમામ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં અત્યંત ક્રૂરતાપૂર્વક યુવકને તલવારના ઘા ઝીંકાઈ રહ્યા છે. તો બીજી તરફ પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેના પ્રયાસો તેજ કર્યા છે.
આ બનાવમાં મોહમ્મદફેઝાન નાસીરહુસૈન અત્તરવાલા (મોમીન) (ઉં.વ. 23) (રહે.મ.નં.3, સૈયદાબાઈની ચાલી, સૈયદવાડી, વટવા)એ ફરિયાદ નોંધાવી હતી કે હું મારાં માતા-પિતા તથા મારાં પત્ની-બાળકો તથા મારાં ભાઈ-બહેનો સાથે રહું છું અને લાલદરવાજા ખાતે રિક્ષા ડ્રાઇવિંગ કરું છું અને મારાં માસી કાનીજાબાનુ અબ્બાસહુસૈન મોમીન તથા તેમનાં આઠ સંતાનનો પરિવાર અમારા મકાનની નીચે જ રહે છે.
અમે રિક્ષા લઈને અમારા ઘરેથી હોસ્પિટલ જતાં હતાં
તેમના પરિવારમાં સૌથી મોટી બહેન તથા તેમનાથી નાના ભાઈ નાસીરહુસૈન તથા સાબાનહુસૈન ઉર્ફે સાબાનઅલી તથા રિઝવાનહુસૈન તથા ઇરફાનહુસૈન તથા મિનાલહુસૈન તથા સલમાન તથા ફરઝાનહુસૈન સાથે રહે છે. આજ રોજ હું અને મારો ભાઈ કાસીમહુસૈન નાસીરહુસૈન અત્તરવાલા તથા મારા માસીનો દીકરો સાબાનહુસૈન ઉર્ફે સાબાનઅલી અબ્બાસહુસૈન મોમીન સાથે અમારાં નાની બાનોબીબીને યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરી હોવાથી અમે ત્રણેય જણા મારી રિક્ષા લઇને અમારા ઘરેથી હોસ્પિટલ ખાતે જતાં હતાં.
કાસીમહુસૈન તથા સાબાનહુસૈન રિક્ષામાં પાછળ બેઠા હતા
રિક્ષા હું ચલાવતો હતો અને કાસીમહુસૈન તથા સાબાનહુસૈન રિક્ષામાં પાછળ બેઠા હતા. દરમિયાન આશરે પોણા ત્રણેક વાગ્યાના સુમારે અમે સારંગપુર સિંધી માર્કેટ ખાતે પહોંચ્યા. એ વખતે અમારી રિક્ષાની પાછળ એક રિક્ષામાં સાદીકહુસૈન ઉર્ફે દાદા જહીરહુસૈન મોમીન તથા રફીકહુસૈન જહીરહુસૈન મોમીન તથા લિયાકતહુસૈન જહીરહુસૈન મોમીન તથા નાસીરહુસૈન અલ્તાફહુસૈન મોમીન બેઠેલા હતા અને સાદીકહુસૈનના હાથમાં તલવાર હતી. રિક્ષાના પાછળના ભાગે નાસીરહુસૈન તથા રફીકહુસૈન બેઠેલા હતા, જેમાં નાસીરહુસૈનના હાથમાં તલવાર હતી.
રિક્ષા ઉપર તલવાર વડે હુમલો કરતા અમે ગભરાઈ ગયા
મેં તેમને અમારી રિક્ષાને ઓવરટેક નહીં કરવા દઈ અમારી રિક્ષા સિંધી માર્કેટથી પાંચકૂવા દરવાજા તરફ ભગાડતા અન્ય રિક્ષામાં બેઠેલા સાદીકહુસૈન તથા નાસીરહુસૈને અમારી રિક્ષા ઉપર તલવાર વડે હુમલો કરતા અમે ગભરાઈ ગયા હતા અને અમે પાંચકૂવા દરવાજા ખાતે પહોંચ્યા હતા. આ સાદીકહુસૈને ફરીથી પોતાની પાસે રહેલી તલવાર વડે મારી ઉપર હુમલો કરતાં મને પીઠના ભાગે સામાન્ય ઘસરકો પડ્યો હતો, જેથી મેં રિક્ષાને પૂરઝડપે જવા દીધી, પરંતુ ત્યાં ટ્રાફિક હોવાથી અમે ત્રણેય જણા રિક્ષામાંથી સુપર તવા પાસે ઊતરી ગયા અને ત્યાંથી આગળ ભાગવા લાગ્યા હતા.
તલવારથી સાથળના ભાગે તથા પીઠ ઉપર હુમલો કર્યો
એ વખતે સાદિકહુસૈન પોતાના હાથમાં તલવાર તથા લિયાકતહુસૈને પોતાના એક હાથમાં ચપ્પુ તથા બીજા હાથમાં લોખંડનો સળિયો લઇને અમારી પાછળ અમને મારવા માટે દોડી આવ્યા હતા. મારો ભાઈ કાસીમહુસૈન ભાગતો હતો એ વખતે તેને પાછળથી આ સાદિકહુસૈને તલવાર વડે તેના સાથળના ભાગે તથા પીઠ ઉપર હુમલો કર્યો હતો. તેમ છતાં તે ભાગતો રહ્યો અને અમે ત્રણેય ભાગતાં ભાગતાં કડિયાકુઇ તરફ જતાં આશરે ત્રણેક વાગ્યાના સુમારે પાંચકૂવા પાસે સાબાનહુસૈન ઉર્ફે સાબાનઅલી અબ્બાસહુસૈન મોમીન પડી ગયા અને હું તથા કાસીમહુસૈન ભાગતાં ભાગતાં આગળ જતા રહ્યા અને પાછા વળીને જોતા મીરઘાવાડ પાસે આ સાદીકહુસૈન તથા લિયાકતહુસૈને ભેગા મળીને તેમની પાસે રહેલી તલવાર તથા ચપ્પુ, સળિયા વડે સબાનાહુસૈન ઉર્ફે સાબાનઅલી અબ્બાસહુસૈન મોમીનને શરીરના જુદા જુદા ભાગે ઘા મારતા હતા.
કાલુપુર પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી
જેથી મેં રસ્તામાંથી એક ઇંટનો ટુકડો ઉપાડી તેમને મારવા જતાં તેઓ ત્યાંથી ભાગી ગયો હતો અને હું તથા કાસીમહુસૈને ત્યાં મીરઘાવાડ આગળ એક ભાડાની ઓટોરિક્ષા રોકી સાબાનહુસૈન ઉર્ફે સાબાનઅલી અબ્બાસહુસૈન મોમીનને શેઠ વાડીલાલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને મારા ભાઈ કાસીમહુસૈનને પણ તલવારના ઘા વાગ્યા હોવાથી તેની પણ સારવાર કરાવી હતી. એ દરમિયાન હોસ્પિટલના ડોક્ટરે સાબાનહુસૈન ઉર્ફે સાબાનઅલી અબ્બાસહુસૈન મોમીનને મૃત જાહેર કર્યો હતો. હાલ આ સમગ્ર મામલે કાલુપુર પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.