સમાજમાં ઘણા એવા કિસ્સા સામે આવે છે, જેમાં માત્ર ઈન્ટરનેટ ઉપર વાતચીતમાં પ્રેમના નામે ઘરસંસારને મૂકી અને યુવક-યુવતી એકબીજા સાથે રહેવા માગે છે. જોકે ઘણીવાર છેવટે તેમાં યુવક-યુવતી એકબીજાને દગો આપી દેતા હોય તેવું સામે આવે છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો હતો. આણંદમાં રહેતી મહિલાને અમદાવાદમાં રહેતા યુવક સાથે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થઈ ગયો હતો. માત્ર 30 દિવસની વાતચીતમાં મહિલા યુવક સાથે લગ્ન કરવાની જીદ કરી અને ઘર છોડી અને નીકળી ગઈ હતી.
30 દિવસના પ્રેમ માટે ઘર સંસાર છોડી દીધો
અમદાવાદ શહેરના છેવાડે આવેલા ઓડ કમોડ ગામ ખાતે મહિલાને એકલી હાલતમાં જોતા જાગૃત નાગરિકે મહિલા હેલ્પલાઇન અભયમ 181ને ફોન કરીને જાણ કરી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે તેનું કાઉન્સેલિંગ કરી છોકરાના મોબાઇલ નંબર અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યા હતા. જોકે ફોન પણ બંધ અને નેટ પણ બંધ હતું. યુવકે તેને દગો આપી હવે લગ્ન કરવા નથી માગતો. માત્ર 30 દિવસના પ્રેમમાં પોતાનો ઘરસંસાર તોડવાનું સમજાવી અને તેમને પરત સાસરીમાં મોકલી આપ્યા હતા.
દાળવડાનો ધંધો કરતો પતિ મહિને રૂ.40,000 કમાય છે
અમદાવાદ શહેરના છેવાડે આવેલા ઓડ કમોડ ગામમાંથી એક જાગૃત નાગરિકનો કોલ આવ્યો હતો કે આણંદની એક મહિલા પોતાના 12 વર્ષના બાળક અને પતિને છોડી અને અમદાવાદ આવી ગઈ છે અને પરત પતિના ઘરે જવા માંગતી નથી. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે આણંદમાં 12 વર્ષના પુત્ર અને પતિ સાથે રહે છે. પતિ દાળવડાનો ધંધો કરે છે જેમાં દર મહિને રૂપિયા 40,000 કમાય છે. પતિ પણ તેને સારી રીતે રાખે છે.
30 દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર વાતચીત ચાલુ થઈ
છેલ્લા 30 દિવસથી ઇન્સ્ટાગ્રામ પર અમદાવાદમાં રહેતા એક યુવક સાથે તેણે વાતચીત ચાલુ કરી હતી અને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. હવે પોતે આ યુવક સાથે લગ્ન કરી રહેવા માગે છે. યુવક તેને બહુ જ ગમી ગયો છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. ઘરમાં આ બાબતે જાણ થતાં તે ઘર છોડી અને આ યુવક સાથે લગ્ન કરવા માટે નીકળી ગઈ હતી. જે યુવક સાથે મહિલા વાતચીત કરતી હતી તેણે ફોન કર્યો હતો, પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પણ તેને મેસેજ કરતા તેનું નેટ બંધ હતું.
લગ્ન કરવા ન ઈચ્છતા યુવકે ફોન સ્વિચ ઓફ કરી દીધો
આમ યુવક પોતે લગ્ન કરવા નથી માગતો અને 30 દિવસના પ્રેમમાં દગો આપીને હવે તે વાત નહોતો કરતો. આ રીતે અભયમની ટીમે સમજાવતા મહિલાએ આવા પ્રેમના બહાને વાતચીત કરતાં યુવક સાથે સંબંધ તોડી અને પરત પોતાના પરિવાર સાથે રહેવા મોકલી આપી હતી. જ્યાં પતિએ પણ તેને સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી. આમ માત્ર 30 દિવસના પ્રેમમાં પડેલી મહિલાને પુત્ર અને પતિ સાથે મિલન કરાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.