જોધપુર ચાર રસ્તા પાસે રાઠી હોસ્પિટલ પાસે આવેલા એક ખાનગી પ્લોટ ભાડે રાખી બિલ્ડરે પોતાની વિવિધ બાંધકામ સ્કીમો પર કામ કરતા 400 જેટલા મજૂરો માટે ગેરકાયદે શેડ બનાવ્યા છે. જેમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના લીધે ઊભી થતી અસહ્ય ગંદકીથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. મ્યુનિ. બાદ આ અંગે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવા છતાં કોઈ નિકાલ ન થતાં સ્થાનિકોએ મ્યુનિની વોર્ડ ઓફિસનો ઘેરાવો કર્યો હતો. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અમે રજૂઆત કરવા ગયા ત્યારે કોર્પોરેશનના અધિકારીઓએ કચેરીને તાળા મારી દીધા હતાં.
જેથી અમે કચેરીના ગેટ પાસે ભેગા કરીને રૂપિયા પાંચ હજાર મૂકયા હતાં અને પૈસા લઇને કામ કરવા વિનંતી કરી હતી. આ પછી પણ કચેરીનો ગેટ નહીં ખોલતા અંતે દરવાજો કુદીને કચેરીની અંદર પહોંચ્યા હતાં. મ્યુનિ. આસિસ્ટન્ટ ટીડીઓએ રજૂઆત સાંભળીને નીરાકરણ લાવવાની મૌખિક ખાતરી આપી હતી. ગેરકાયદે શેડમાં રહેલા લોકોને કારણેે 3થી 4 હજાર લોકો ગંદા પાણી અને દુર્ગંધથી ત્રાસી ગયા છે. બિલ્ડર સાફ સફાઇ કરાવતા નથી. જોધપુર વોર્ડના અધિકારીઓએ સામાન્ય દંડ કરી ફરિયાદ ક્લોઝ કરી દીધી હતી. જેથી અમે કંટાળીને દેખાવ કર્યા છે.
ધારાસભ્ય અમિત ઠાકરને રજૂઆત કરી હતી
ચૂંટણી સમયે સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકરે પોતાના વિસ્તારમાં જાહેર સભામાં કહ્યું હતું કે, મને બહુમતીથી જીતાડશો તો એક ફોનમાં જ કામ થઇ જશે. ચૂંટણી સમયે હુંકાર કરનાર ધારાસભ્ય અમિત ઠાકરે સ્થાનિકોને કહ્યું કે, નિયમ મુજબ પહેલા કોર્પોરેટરને રજૂઆત કરો, ત્યાંથી નિકાલ નહીં થાય તો હું નિકાલ કરીશ. આ સાંભળી સ્થાનિકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતાં અને જાતે જ કોર્પોરેશનમાં પહોંચી ગયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.