સામાન્ય બોલાચાલીની અદાવત:અમદાવાદના જીવરાજપાર્કમાં 4 શખ્સોએ ભગવાન પરશુરામનું બોર્ડ, તકતી અને ફોટા ખંડિત કર્યા

અમદાવાદ22 દિવસ પહેલા
પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા
  • બ્રહ્મ સમાજનો પોલીસ તંત્ર અને સરકારને આવા તત્વોને પકડીને દાખલો બેસાડવા અનુરોધ

આજે પરશુરામ જ્યંતિ છે. રમઝાન ઈદ અને પરશુરામ જ્યંતિ બંને એક જ દિવસે છે. ત્યારે અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ભગવાન પરશુરામ ચોકનું બોર્ડ, તકતી અને ફોટાને ખંડિત કરવામાં આવ્યા હોવાની ઘટના બની છે. મોડી રાત્રે અસામાજિક તત્વોએ ફોટો અને તકતીને રોડ પર મુકી દીધાં હતાં. અદાવત રાખીને તોડફોડ કરનારા ચાર શખ્સોની CCTVને આધારે ધરપકડ કરવામાં આવી છે.

ચારેય આરોપીઓ CCTV કેમેરામાં કેદ થયા
વાસણા જીવરાજ પાર્ક પાસે ગત મોડી રાતે પરશુરામ જ્યંતી નિમિતે તૈયારી કરી રહેલા કેટલાક લોકો સાથે સ્થાનિક 4 યુવકોએ બોલાચાલી કરી હતી. ત્યાર બાદ તૈયારી કરી રહેલા યુવકો ત્યાંથી જતા રહ્યાં હતાં. ત્યાર બાદ ચાર યુવકો ફરીવાર ત્યાં પહોંચ્યા હતાં. તેમણે લાકડી તથા દંડા વડે પરશુરામ ચોક પાસે પરશુરામની તકતી તોડી હતી અને પોસ્ટર તથા ફોટા ફાડી નાખ્યા હતા. તેઓ ત્યાંથી તાત્કાલિક ભાગી ગયા હતા.ચારેય આરોપીઓ CCTV કેમેરામાં કેદ થયા હતા. તેમની પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી છે.

ભગવાનના ફોટા પણ ફાડી નાંખ્યા
ભગવાનના ફોટા પણ ફાડી નાંખ્યા

અદાવત રાખીને તોડફોડ કરી
આ અંગે ઝોન -7 DCP ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે CCTV ફૂટેજના આધારે 4 આરોપીઓની ધરપકડ કરી છે. તેમાંથી એક આરોપી સગીર હોવાની શક્યતા છે.ચારેય આરોપીઓએ સામાન્ય બોલાચાલી થઈ હતી તેની અદાવત રાખીને પોસ્ટર ફાડીને તોડફોડ કરી હતી.

તકતી અને બોર્ડ તોડી નાંખ્યું
તકતી અને બોર્ડ તોડી નાંખ્યું

બ્રહ્મ સમાજે શાંતિની અપીલ કરી
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી હેમાંગ રાવલે કહ્યું હતું કે,અસામાજિક તત્વો દ્વારા ભગવાન પરશુરામ ચોકનું બોર્ડ, તકતી અને ભગવાનના ફોટાને ખંડિત કરીને સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પોલીસ તંત્ર અને સરકારને આવા તત્વોને પકડીને દાખલો બેસાડવા અનુરોધ કરવામાં આવે છે. અમે બ્રહ્મ સમાજ અને સર્વ સમાજને શાંતિની અપીલ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...