નમસ્કાર,
આજે શુક્રવાર છે, તારીખ 10 જૂન, જેઠ સુદ દશમ-અગિયારસ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે મધ્ય-દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી
2) વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે, કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે
3) કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજથી 3 દિવસની ગુજરાત મુલાકાતે
4) રાજ્યસભાની 16 સીટ માટે આજે મતદાન થશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) સેલ્ફ મેરેજ છે પબ્લિસિટી સ્ટંટ!:અઠવાડિયામાં જ શમા બિંદુના સોશિયલ મીડિયા પર 50% ફોલોઅર્સ વધ્યા, હોમપેજ પર પોસ્ટ મૂકીને રૂપિયા કમાવવાનું તરકટ?
વડોદરાની શમા બિંદુએ સેલ્ફ મેરેજ કરવાની જાહેરાત કરી, ત્યારે 2 જૂને તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ માત્ર 17 હજાર હતા, જોકે આજે 9 જૂને તેના ફોલોઅર્સની સંખ્યા વધીને 26 હજારને પાર કરી ગઇ છે. આમ, માત્ર એક અઠવાડિયામાં જ તેના ફોલોઅર્સની સંખ્યામાં 50% જેટલો વધારો થયો છે.
2) લલિત વસોયાની સ્પષ્ટતા:જિલ્લા કોંગ્રેસના વ્હોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયાના સ્ક્રિનશોટ વાઇરલ, ધોરાજીના MLAએ કહ્યું- કોઈએ ટીખળ કરી
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે નેતાઓનો પક્ષ પલટો શરૂ થયો છે. અશ્વિન કોટવાલ અને હાર્દિક પટેલ જેવા કોંગી નેતાઓના ભાજપમાં જવાથી ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસના વ્હોટ્સએપ ગ્રુપમાંથી કોંગ્રેસના નેતા અને ધોરાજીના MLA લલિત વસોયા લેફ્ટ થયાના સ્ક્રિનશોટ વાઇરલ થયા હતા. આ મામલે દિવ્યભાસ્કરે લલિત વસોયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ મને બદનામ કરવાનું કાવતરું છે, કોઈએ ટીખળ કરી.
3) કોરોના અપડેટ્સ:દેશમાં ફરી કોરોનાએ સ્પીડ પકડી, 24 કલાકમાં 7240 નવા કેસ નોંધાયા: સતત બીજા દિવસે 40% દર્દી વધ્યા
દેશમાં એકવાર ફરી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 7240 નવા કેસ નોંધાયા છે. બુધવારે દેશમાં 5233 નવા દર્દી નોંધાયા છે. આ પહેલાં એટલે કે મંગળવારે 3741 નવા સંક્રમિત નોંધાયા છે. એનાથી સાબિત થાય છે કે દેશમાં ફરી એકવાર સંક્રમણ વધી રહ્યું છે.
4) રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખો જાહેર:ચૂંટણીપંચે કહ્યું, 18 જુલાઈએ મતદાન અને જરૂર પડશે તો 21 જુલાઈએ કાઉન્ટિંગ
દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2022નું રણશિંગુ ફૂંકાવાનો સમય આવી ગયો છે. આજે ચૂંટણીપંચ રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ચૂંટણીપંચે કહ્યું હતું કે 18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે અને જરૂર પડશે તો 21 જુલાઈએ મતગણતરી કરવામાં આવશે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થવાનો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, ચૂંટણીની દરેક પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરાવવામાં આવશે.ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 15 જૂને ચૂંટણીની અન્ય માહિતી જાહેર કરવામા આવશે અને 18 જુલાઈએ વોટિંગ કરવામાં આવશે. 21 જુલાઈએ કાઉન્ટિંગ ખતમ થયા પછી જ રાષ્ટ્રપતિના નામની જાહેરાત કરવામાં આવશે. 2017માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા રામનાથ કોવિંદનો કાર્યકાળ 25 જુલાઈએ ખતમ થવાનો છે. તેઓ દેશના 15માં રાષ્ચ્રપતિ છે.
5) પાકિસ્તાનમાં ફરી હિન્દુ મંદિર પર હુમલો:કરાંચીમાં બાઇકચાલકોએ પૂજારીને માર્યો, મૂર્તિઓ પણ તોડી નાખી
પાકિસ્તાનના કરાંચીમાં એક વખત ફરી લધુમતી હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. અહીં કેટલાક લોકોએ હિન્દુ મંદિરના પૂજારી પર હુમલો કર્યો હતો, સાથે જ ભગવાનની મૂર્તિઓ અને પૂજારીના ઘરમાં તોડફોડ કરી હતી. રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, કોરાંચીમાં શ્રી મારી માતા મંદિર પર બુધવારે મોડી રાતે હુમલો થયો હતો. પાકિસ્તાન પોલીસે આ મામલામાં અત્યારસુધીમાં એક પણ વ્યક્તિની ધરપકડ કરી છે.
6) PUBG હત્યાકાંડમાં પિતાની જુબાની:હત્યારા પુત્રના ઈરાદાનો અંદાજ આવી ગયો હતો, 5 દિવસમાં 2000 કોલ કર્યા; ઘરે ગયો હોત, પરંતુ ટિકિટ જ ન મળી
લખનઉમાં માતાની ગોળી મારીને હત્યા કરનાર 16 વર્ષના પુત્રના ઈરાદાનો અંદાજ પિતાને પહેલેથી આવી ગયો હતો. તેમણે 5 દિવસમાં જ 2 હજારથી વધુ કોલ કર્યા હતા. 3 જૂને એક વખત વાત થઈ હતી, જોકે બીજી વખત કોલ રિસીવ જ થયો નહોતો. એ પછી તેમને એ વાતનો અંદાજ આવી ગયો હતો કે તેમની પત્ની હવે જીવતી નથી. તેમનો અંદાજ એ વખતે જ વાસ્તવિકતામાં પરિણમ્યો, જ્યારે તેમના પોતાના પુત્રએ જ તેમને કોલ કરીને કહ્યું કે તેની માતા મૃત્યુ પામી છે.
7) પુત્રના મૃતદેહ માટે ભીખ માગી:પોસ્ટમોર્ટમ પછી હોસ્પિટલે 50 હજાર માગ્યા, માતા-પિતાએ ઘરે-ઘરે જઈને પૈસા ભેગા કર્યા
બિહારના સમસ્તીપુરમાં માનવતાને લજવે એવી એક ઘટના પ્રકાશમાં આવી છે. મંગળવારે અહીંની એક હોસ્પિટલે પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ આપવા માટે ગરીબ માતા-પિતા પાસે 50 હજાર રૂપિયા માગ્યા હતા. પરિવારની પાસે આટલી રકમ નહોતી. પૈસાની વ્યવસ્થા કરવા માટે તેઓ પોતાના ગામમાં પરત આવી ગયા હતા. એ પછી તેઓ ગામમાં ભીખ માગતા જોવા મળ્યા હતા. આ લોકો વિવિધ લોકોના ઘરે જતા અને પોતાની મજબૂરી અંગે જાણ કરીને મદદ માગતા હતા. આ દરમિયાન કોઈએ એક વીડિયો બનાવી લીધો, જે વાઈરલ થઈ ગયો.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) અમદાવાદ સિવિલ સાઇલન્ટ ઝોનમાં છતાં બીજે મેડિકલ કોલેજ દ્વારા લાઇવ કોન્સર્ટ યોજાયો, ડીજેના તાલે ડોક્ટર્સ સાથે લોકો પણ ઝૂમ્યા
2) દિલ્લી ખાતે રાજકોટને મળ્યો 'એવોર્ડ ઓફ એકસલન્સ', દેશના 700 જિલ્લામાં ડેવલોપમેન્ટ પ્લાન માટે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ
3) રાજકોટ ડેરી દૂધ મંડળીઓને કિલોફેટે વધારાના 10 રૂપિયા આપશે, 5 દિવસમાં બીજી વખત ભાવવધારો અપાયો
4) દિલ્હીમાં અસદુદ્દીન ઓવૈસી વિરૂદ્ધ કેસ નોંધાયો, સ્વામી યતિ નરસિંહાનંદ સહિત અત્યાર સુધીમાં 11 વિરૂદ્ધ FIR
5) ઉત્તરપ્રદેશમાં યુવકે મુસ્લિમો પાસે શ્રીરામના નારા લગાવડાવ્યા, ફકીરોને ઊઠકબેઠક કરાવી
6) 49 વર્ષના પાકિસ્તાની સાંસદ આમિર લિયાકતનું મોત, ત્રીજા લગ્ન અને ડિવોર્સના કારણે ચર્ચામાં હતા
7) પ્લેનની સીડીઓ ચડતી વખતે અમેરિકન રાષ્ટ્રપતિનો પગ લપસ્યો, સાઇડ રેલિંગ પકડી બેલેન્સ જાળવ્યું
8) કેન્સર સામે જંગ:48 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સર, અનુભવ શૅર કરતી વખતે ધ્રુસકે ધ્રુસકે રડી પડી
આજનો ઈતિહાસ
11 જૂન, 1964નાં રોજ જવાહરલાલ નેહરુની ઈચ્છા મુજબ તેમની અસ્થિઓની રાખને સમગ્ર દેશમાં વિસર્જિત કરાઈ હતી.
અને આજનો સુવિચાર
રોજેરોજ સારું કામ કરો, સમય આવ્યે તેનું પરિણામ જરૂર મળશે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.