તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યાર બાદ ગઈકાલે નાણામંત્રી નીતિન પટેલે ગુજરાતના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારે કરેલા મોંઘવારી ભથ્થાના 11 ટકાના વધારા બાદ હવે સરકારી કર્મચારીઓને 28 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. આ જાહેરાત બાદ હવે મંત્રીઓ તેમજ ધારાસભ્યોના પગારમાં પણ તોતિંગ વધારો થશે. રાજ્યના મંત્રીઓને ઓક્ટોબર મહિનાથી રૂ. 1.46 લાખ તો ધારાસભ્યોને રૂ.1.28 લાખ રૂપિયા મળશે. તો આજે આ અહેવાલના માધ્યમથી જાણીશું કે દેશમાં અન્ય રાજ્યોમાં કેટલું મોંઘવારી ભથ્થું મળે છે અને ગુજરાત એમાં કયા નંબર પર આવે છે.
ઓક્ટોબરથી મંત્રીને 1.46 લાખ તો ધારાસભ્યોને 1.28 લાખ પગાર મળશે
કોરોનાકાળ બાદ એક તરફ મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અને ખેડૂતોની દયનીય સ્થિતિ વચ્ચે ગુજરાતના ધારાસભ્યોના પગારમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ધારાસભ્યોનો હાલનો પગાર 1.16 લાખ રૂપિયા છે, જે ઓક્ટોબરમાં 11 ટકા એટલે કે 12,760ના વધારા સાથે 1.28 લાખ રૂપિયા થશે, જ્યારે મંત્રીઓના પગારની વાત કરીએ તો, હાલ મળી રહેલા 1.32 લાખ રૂપિયામાં 11 ટકા એટલે કે 14,520ના વધારા બાદ હવે 1.46 લાખ રૂપિયાની આસપાસ પગાર મળશે.
પગાર-મોંઘવારી ભથ્થામાં ગુજરાત કયા સ્થાને
દેશભરના ટોપ-10 રાજ્યની વાત કરીએ તો સૌથી વધુ મોંઘવારી ભથ્થું આપનાર રાજ્ય તેલંગાણા છે. અહીંના ધારાસભ્યોનો પગાર મહિને 2.50 લાખ રૂપિયાની આસપાસ છે, જેમાં રૂ.20,000 પગાર અને 2.30 લાખ રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. ત્યાર બાદ બીજા નંબરે ઉત્તરાખંડ આવે છે. અહીંના ધારાસભ્યોને મહિને 1,98,000 રૂપિયા મળે છે, જેમાં 30 હજાર રૂપિયા પગાર અને 1.68 લાખ રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. આ લિસ્ટમાં ગુજરાત 8મા નંબર પર આવે છે. અહીંના ધારાસભ્યોને મહિને 1.16 લાખ રૂપિયાની આસપાસ મળે છે, જેમાં તેમનો પગાર 78,000, જ્યારે 27 હજાર રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે.
2018માં મંત્રીઓ-ધારાસભ્યોના પગારમાં થયો હતો 65 ટકાનો વધારો
વર્ષ 2018માં ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી, મંત્રીઓ, તમામ ધારાસભ્યોના પગારમાં 65 ટકાનો તગડો વધારો કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં એમએલએના પગારમાં સુધારો કરતું વિધેયક પસાર કરાયું હતું. રાજ્યના ધારાસભ્યોનાં પગાર-ભથ્થા 70,727થી વધારીને 1,16,316 અને મંત્રીઓનાં પગાર-ભથ્થામાં 45 હજારનો વધારો કરી 87 હજારમાંથી 1 લાખ 32 હજાર કરવામાં આવ્યો હતો. આ પગાર વધારા બાદ પ્રજા પર વધુ એક બોજ ઝીંકવામાં આવ્યો હતો.
2018માં થયો હતો કોર્પોરેટરોનાં પગાર-ભથ્થામાં વધારો
19 સપ્ટેમ્બર 2018ના રોજ ધારાસભ્યો-મંત્રીઓનાં પગાર-ભથ્થામાં વધારો થયા બાદ 8 મહાનગરપાલિકાના કોર્પોરેટરોનાં પણ પગાર-ભથ્થા વધારવામાં આવ્યાં હતાં. 1 એપ્રિલ 2018ની અસરથી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના કોર્પોરેટરને માસિક 12000 માનદ વેતન, મીટિંગ ભથ્થું મહિને 500, ટેલિફોન એલાઉન્સ મહિને 1000 અને સ્ટેશનરી એલાઉન્સ 1500 કર્યા હતા, એટલે કે પગાર-ભથ્થા પેટે મહિને 15,000 મળે છે. જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરના કોર્પોરેટરોને માસિક 7000 માનદ વેતન, 500 મીટિંગ ભથ્થું, 1000 ટેલિફોન બિલના અને 1500 સ્ટેશનરી એલાવન્સ આપવાનો નિર્ણય કર્યો હતો, એટલે મહિને પગાર-ભથ્થા પેટે 10,000 મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.