કર્મચારીઓ આંદોલનના માર્ગે:ગુજરાતમાં જીવના જોખમે પરવાનાવાળો દારૂ લાવનારા કર્મચારીને સરકાર દૈનિક 110 રૂપિયા જ ભથ્થું આપે છે

અમદાવાદ24 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે

નશાબંધી અને આબકારી વિભાગ ગૃહ વિભાગના ત્રણ વિભાગ પૈકીનો એક વિભાગ છે. વર્ષ 2006 સુધી આ ત્રણેય વિભાગમાં ગ્રેડ પેની સમાનતા હતી. જોકે વર્ષ 2006 બાદ પહેલા પોલીસ ખાતા દ્વારા અને વર્ષ 2014માં જેલ ખાતા દ્વારા કર્મચારીના પગારધોરણમાં સુધારો કરવાની રજૂઆત કરતાં પોલીસ અને જેલ ખાતાના કર્મચારીના પગાર ધોરણ સુધરી ગયા હતા, પરંતુ નશાબંધી ખાતાના કર્મચારીઓ છેલ્લાં 16 વર્ષથી એક જ પગાર સ્કેલમાં પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમને આપવામાં આવતું ભથ્થું પણ વર્ષો જૂના નિયમો મુજબ જ અપાય છે. ત્યારે નશાબંધી ખાતાના કર્મચારીઓ હવે તેમના પગારધોરણમાં સુધારો કરવા માટે સરકાર સામે માગ કરી રહ્યા છે.

દર મહિને સરકારી જગ્યા પર માત્ર દસ લાખ રૂપિયાનો ફેર પડે
નશાબંધી ખાતાના તમામ કર્મચારીઓ દ્વારા નશાબંધી ખાતાના વડા સાથે ગ્રેડ પે બાબતે ગત રોજ સંવાદ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ગૃહ ખાતામાં તથા નાણાં વિભાગમાં નશાબંધી ખાતામાં ગ્રેડ પે વિસંગતતા લગતી માગણી જે નાણાં વિભાગ દ્વારા ગ્રેડ પે પોલીસ તથા જેલ સમકક્ષ કરવામાં આવે તો કેટલો બોજો પડે છે એનો જવાબ મોકલી આપવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ દર મહિને સરકારી જગ્યા પર માત્ર દસ લાખ રૂપિયાનો ફેર પડે છે તેમજ પરવાનેદારો દ્વારા બોન્ડની જગ્યાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓના પગારવધારા અંગે કોઈ ફેરફાર નથી.

ગ્રેડ પે નહિ સુધરે તો અચોક્કસ મુદતની હડતાળ
નશાબંધી ખાતાના કર્મચારીઓ દ્વારા હાલ ત્રણ દિવસ સુધી માસ સી.એલ. પર રહી અને પોતાની માગ માટે લડત આપવાની શરૂઆત કરવામાં આવી છે. દરમિયાન તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે એક અઠવાડિયામાં ગ્રેડ પે બાબતે નિકાલ નહિ લાવવામાં આવે તો સમગ્ર નશાબંધી આબકારી ખાતાના કર્મચારીઓ સામૂહિક અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરશે અને ત્યાર બાદ પણ જો માગણીઓ સંતોષવામાં ન આવે તો સમગ્ર ખાતાના કર્મચારીઓ આમરણાંત ઉપવાસ પર ઊતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, એમ નશાબંધી ખાતાના કર્મચારી આરજી ગઢવી જણાવ્યું હતું.

જો માગ સ્વીકારે તો સામાન્ય જ ભારણ આવે એમ છે
નશાબંધી ખાતાના વધુ એક કર્મચારી વી.એ. રબારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે નશાબંધી ખાતામાં અમારા ઘણા પડતર પ્રશ્નો છે, જેમાં ગ્રેડ પેનો મહત્ત્વનો મુદ્દો છે. 2006માં પોલીસ તથા 2014માં જેલ ખાતાના કર્મચારીઓનો પગાર સુધર્યો છે. અમે અનેક રજૂઆત કરી છે, તેમ છતાં ગ્રેડ પે વધારતા નથી. જો અમારી માગ સ્વીકારે તો સરકારને સામાન્ય ભારણ પડે એમ છે, જેથી અમારી માગ સ્વીકારે એવી વિનંતી છે.

અમારી સલામતી માટે કોઈ સાધન જ મળતાં નથી
મનીષા પટેલ, જેઓ અમદાવાદ ખાતે નશાબંધી ખાતામાં ફરજ બજાવે છે, તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે કચેરીમાં અલગ અલગ કામગીરી સોંપવામાં આવે છે. કચેરીનું મહેકમ ઓછું છે એટલે કામનું ભારણ આવે છે. એસ્કોર્ટની ગાડી પરવાનેદાર સુધી પહોંચાડે છે. અમારી સેફ્ટી માટે કોઈ સાધન અપાતાં નથી. ક્યાંય કોઈ તકલીફ થાય તો બેથી ત્રણ દિવસ સુધી રોકાવું પડે છે. ઘણી તકલીફો થાય છે. બીજા એક કર્મચારી હર્ષદ પરમારનું કહેવું છે કે અમારી પાસેથી કામગીરી સ્વરૂપે એસ્કોર્ટ કામગીરી કરવામાં આવે છે. 24 કલાકની સતત કામગીરી છતાં દૈનિક ભથ્થું 110 રૂપિયા મળે છે, જ્યારે ધુલાઇ ભથ્થું 25 રૂપિયા મળે છે.

જેલ અને નશાબંધી ખાતામાં ગ્રેડ પે ઠેરનો ઠેર
વર્ષ 2006માં પોલીસ-કોન્સ્ટેબલ, જેલ-કોન્સ્ટેબલ નશાબંધી કોન્સ્ટેબલ, પોલીસ જમાદાર, નશાબંધી જમાદાર અને જેલ જમાદાર પોલીસ સબ-ઇન્સ્પેકટર, નશાબંધી સબ-ઇન્સ્પેક્ટર અને જેલ સબ-ઇન્સ્પેકટર સહિત તમામ ગ્રેડ પેમાં સુધારો કરવા રજૂઆત કરવામાં આવી હતી. જે-તે સમયે વર્ષ 2006માં પોલીસ વિભાગ દ્વારા માગણી કરવાથી કોન્સ્ટેબલના 1800, જમાદાર 2400. પીએસઆઇના 4400 ગ્રેડ પે નક્કી કરવામાં આવ્યો હતો. જેલ વિભાગ દ્વારા વર્ષ 2014માં પોલીસ સમકક્ષ ગ્રેડ પેની માગણી કરવામાં આવી હતી. આ માગણીને પણ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી અને પોલીસ સમકક્ષ ગ્રેડ પે કરી આપવામાં આવ્યો હતો. નશાબંધી ખાતા દ્વારા 2014થી રાજ્ય સરકારના ગૃહ વિભાગ, નાણાં વિભાગ તેમજ મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆત કરવામાં આવી એમ છતાં તેનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

ખાતું એક, કેડર એકપણ પગાર અલગ
ગૃહ વિભાગના તાબા હેઠળ જેલ ખાતું, પોલીસ ખાતું તેમજ નશાબંધી ખાતું આવે છે. આ પૈકી પોલીસ ખાતાના કર્મચારીઓનું વર્ષ 2006માં, જ્યારે જેલ ખાતાના કર્મચારીઓનું વર્ષ 2014માં પગાર ધોરણ સુધારવામાં આવ્યા છે, જ્યારે નશાબંધી કોન્સ્ટેબલ ગ્રેડ પે વર્ગ 3ના કર્મચારીઓમાં સૌથી ઓછો એટલે કે 1650 ગ્રેડ પે, જમાદાર ગ્રેડપે 1900, સબ-ઇન્સ્પેક્ટર ગ્રેડ પે 2800 છે. એનો મતબલ કે સાતમા પગાર પંચમાં કોન્સ્ટેબલનો પે મેટ્રિક 16000 થાય. આટલા પગારમાં એક કર્મચારી શહેરમાં કેવી રીતે પોતાનું જીવનધોરણ ચલાવી શકે એ એક મોટો પ્રશ્ન છે.

નશાબંધી ખાતાના વર્ગ 3 કર્મચારીની કામગીરી
ગુજરાત રાજ્ય નશાબંધી નીતિનો નિયમન કરવા માટેના તમામ પાસ પરવાનાને લગતા લાઇસન્સ વગેરે જેવા પરવાનાની કામગીરી કરે છે. આ બધા જ પરવાનાનું સુપરવિઝન તેમજ આ બધા જ પ્રતિબંધિત દ્રવ્યોની હેરફેર ખાસ કરીને ગુજરાતની અલગ અલગ બોર્ડર, જેવી કે કપરાડા, ભીલાડ, સુત્રાપાડા, સોમગઢ, પીટોલ, શામળાજી, અમીરગઢ, જેવી બોર્ડર પરથી પ્રતિબંધિત પદાર્થો લઇ આવી જે-તે જગ્યાએ પહોંચાડે છે.

500 કરોડની આવક કરતું ખાતું, પણ કર્મચારી ઓરમાયા
નશાબંધી ખાતું દર વર્ષે એસ્કોર્ટ ચાર્જ, સુપર વિઝન ચાર્જ, એક્સાઇઝ ડ્યૂટી વસૂલી વાર્ષિક 500 કરોડ જેટલી આવક કરે છે. આ ઉપરાંત મહિનામાં બીજા તેમજ ચોથો શનિવાર તેમજ રવિવાર અન્ય જાહેર રજામાં પણ કર્મચારીઓને ડ્યૂટી કરાવવામાં આવે છે, કેમ કે જરૂરિયાત મુજબ મહેકમની ઉપલબ્ધતા નથી. ખાતા દ્વારા પરવાનેદારો પાસેથી કોન્સ્ટેબલનું 5000 રૂપિયા અને જમાદારનું 5500 ચલણ સરકાર દ્વારા ભરાવવામાં આવે છે. જીવના જોખમે થતા પરિવહનમાં ભૂતકાળમાં પણ અનેક અકસ્માતોમાં સ્ટાફના માણસો ઘાયલ થવાના તેમજ મોતને ભેટવાના કિસ્સા બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...