ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ વીજળીમાં પ્રતિ યુનિટ વધતા ફ્યુઅલ સરચાર્જ પર સરકારની આકરી ટીકાઓ કરી છે. ગુજરાત સરકારે વર્ષ 2000થી લઈને અત્યાર સુધીમાં સરકારી પાવર પ્લાન્ટોને ધીરે ધીરે બંધ કરી દીધા છે. ખાનગી પાવર પ્લાન્ટોએ ગુજરાત સરકારે સાથે 2007માં 25 વર્ષ સુધી ફિક્સ ભાવે પાવર સપ્લાય કરવાના કરારો કર્યા હતા.કોલસાના આંતરરાષ્ટ્રીય ભાવો વધ્યા છે. એવું બહાનું આગળ ધરીને પાવર પ્લાન્ટ સીઆરસીમાં ગયા, સીઈઆરસીએ 2 એપ્રિલ 2013 અને 15 એપ્રિલ 2013ના હુકમથી પાવર પ્લાન્ટોને રાહત આપી હતી.
સ્વૈચ્છિક સંસ્થાએ હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ કહ્યું હતું કે, આ સમયે ગુજરાત સરકાર પાસે અધિકાર હતો કે, પાવર પ્લાન્ટોને પોતાના કરારનું પાલન કરવા ફરજ પાડે. એને બદલે સરકારે હુકમ માની લીધો. ગ્રાહક મંડળ અને સ્વૈચ્છિક સંસ્થાએ હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે પાવર પ્લાન્ટોને પોતાનું કમિટમેન્ટ પાળવા કહ્યું અને ભાવવધારો માન્ય નહોતો રાખ્યો. ગુજરાત સરકારે પાવરપ્લાન્ટનાં હિતમાં સમિતિની રચના કરી રસ્તો કાઢવાનો નિર્ણય કર્યો હતો.
BPL પરિવારો પર મોટો બોજ નાંખ્યો
તેમણે કહ્યું હતું કે, સેન્ટ્રલ ઇલેકટ્રીસિટી રેગ્યુલરટરી કમિટીએ પાવર પ્લાન્ટોએ માંગેલા ભાવવધારા માટે દિપક પારેખ કમિટીની રચના કરી અને કમિટીએ ભાવધારાની ભલામણ કરી એ સ્વીકારીને રેગ્યુલેટરી કમિટીએ ભાવવધારો આપ્યો. ગુજરાત સરકાર બિચારા પાવર પ્લાન્ટોને બચાવી લેવા મેદાને આવી અને એક હાઇપાવર કમિટીની રચના કરી. હાઇપાવર કમિટીએ બેન્કોને પૈસા માંડી વાળવા અને કરારોમાં સુધારો કરી ફ્યુઅલ સરચાર્જ વધારવા ભલામણ કરી હતી. એ કમિટીની ભલામણો માની લીધી અને ગુજરાતના દરેક પરિવાર માથે બોજ વધારીને પાવર પ્લાન્ટોને ઘી-કેળા કરી આપ્યા.
પાવર પ્લાન્ટોએ ગુજરાત સરકાર સાથે કરારો કર્યા
તેમણે ઉમેર્યું હતું કે, જયારે પાવર પ્લાન્ટોએ ગુજરાત સરકાર સાથે કરારો કર્યા ત્યારે એમને ખબર જ હતી કે કોલસાના આંતર-રાષ્ટ્રીય ભાવો રોજે રોજ વધ-ઘટ થતા હોય છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરેલા કરારોમાં નીચા ભાવે ઊંચો નફો ઘર ભેગો કર્યા પછી, ભ્રષ્ટ સરકારના સહારે ભાવ-વધારો મતદારોને માથે નાખ્યો. એક અંદાજ અનુસાર ગુજરાતમાં રોજના 169.2 મિલિયન એટલે કે, 16920 લાખ યુનિટ વપરાશ છે. ગુજરાતના 1,22,48,428 પરિવારો પૈકી 31.54 લાખ પરિવારો બીપીએલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.