DB એનાલિસિસ:ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાયા, પણ વિધાનસભા ખંડિત જ રહે! ભૂપેન્દ્ર પટેલે પણ ખંડિત વિધાનસભા સાથે જ CMપદના શપથ લીધા
અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: યોગેશ ગજ્જર
- ગુજરાતમાં વિધાનસભાની 182માંથી બે સીટ ખાલી હતી
- મોરવા હડફની સીટ પર પેટા ચૂંટણી બાદ હાલમાં દ્વારકા વિધાનસભાની સીટ ખાલી
ગુજરાતના મુખ્યમંત્રી પદે આજે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરવાના છે. વિભાનસભાના ધારાસભ્યોનું સંખ્યાબળ 182 હોવા છતાં એક સીટ ખંડિત હોવાથી તેમણે ખંડિત વિધાનસભા સાથે જ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવા પડ્યા હતા. હાલમાં ગુજરાત વિધાનસભામાં 181 ધારાસભ્યો છે. જ્યારે દ્વારકા સીટમાં પભુબા માણેકની ધારાસભ્ય પદ રદ થતા આ સીટ ખાલી પડી છે. ગુજરાત વિધાનસભા હંમેશા ખંડિત જ રહે છે, એવી એક માન્યતા કે અંધશ્રદ્ધા જે કહો એ છે. કુલ સંખ્યાબળ ભલે 182નું હોય પણ લાંબો સમય સુધી 182 સભ્યો જળવાતા નથી.
વિધાનસભામાં 182 બેઠકો જળવાતી નથી
ગુજરાતની વિધાનસભામાં પહેલેથી 182 બેઠકો ન હતી. પણ સંખ્યા વધતાં વધતાં 1980ની ચૂંટણી વખતે 182 પહોંચી છે. એ પછી વિધાનસભાના સભ્યોની સંખ્યા સળંગ લાંબો સમય માટે 182 સભ્યોની જળવાઈ રહી નથી. ખંડિત એટલે ક્યારેક કોઇ સભ્યનું મોત થાય કે આકસ્મિક રીતે જગ્યા ખાલી પડે. કોઈક રીતે એક બેઠક ભરાય તો વળી બીજી ક્યાંક ખાલી પડે. એ ભરાય તો ત્યાં જ પાછી ચૂંટણી કરવાની નોબત આવે. એમ વિવિધ કારણોસર વારંવાર વિધાનસભાના સભ્યોની સંખ્યા 182 જળવાઈ રહી નથી. માટે આ માન્યતા પણ ખાસ્સી પ્રચલિત છે.
મોરવા હડફ પર પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય
દ્વારકા સીટ ખાલી, મોરવા હડફ સીટ પર પેટા ચૂંટણી યોજાઈ
હાલમાં ગુજરાતમાં 181 વિધાનસભા સીટો પર ધારાસભ્યો છે. જ્યારે દ્વારકા વિધાનસભા સીટ હાલમાં ખાલી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં દ્વારકા સીટ પરથી જીતેલા ધારાસભ્ય પભુબા માણેકનું નોમિનેશન ફોર્મ ભૂલ યુક્ત હોઈ ગુજરાત હાઇકોર્ટે તેમની માન્યતા રદ કરી હતી. આ મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. પંચમહાલ જિલ્લાના મોરવા હડફની વિધાનસભા સીટ પરથી જીતેલા કોંગ્રેસના ભુપેન્દ્રસિંહ ખંતનું જાતિનું પ્રમાણપ્રત્ર અમાન્ય હોઈ તેમની માન્યતા પણ રદ કરવામાં આવી હતી. જેથી આ સીટ પર ફરીથી પેટા ચૂંટણી યોજવી પડી હતી. જેમાં ભાજપનો વિજય થયો.
2012થી 2016 સુધીમાં પણ અનેક વખત સીટો ખાલી રહી
- 2012માં 182 સીટો પર ચૂંટણી બાદ 2012-2013માં 4 સીટો ખાલી થઈ હતી. આ ચારેય સીટો કોંગ્રેસની હતી. જેમાં મોરવા હડફના ધારાસભ્ય સવિતાબેન ખંતનું ડિસેમ્બર 2012માં નિધન થયું હતું, જ્યારે લીંબડીના સોમા ગાંડાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જેતપુરની સીટ પરથી વિજેતા જયેશ રાદડિયા અને ધોરાજીના વિઠ્ઠલ રાદડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપ પાર્ટીમાં જોડાયા હતા.
- 2013માં સુરત પશ્ચિમના સીટિંગ ધારાસભ્ય કિશોર વાંકાવાલાના નિધન બાદ આ સીટ પર પેટા ચૂંટણી યોજાઈ હતી.
- 2014માં રાપરમાં ભાજપના ધારાસભ્ય વિજયભાઈ પટેલનું હાર્ટ એટેકથી નિધન થતા સીટ ખાલી થઈ. લાઠીના ધારાસભ્ય બાવકુ ઉંધાડ ભાજપમાં જોડાવા કોંગ્રેસ છોડી દીધું હતું. નલિન કોટડિયા, રાજેન્દ્રસિંહ ચાવડા, જશાભાઈ બારડ, છબીલભાઈ પટેલ અને પ્રભુભાઈ વસાવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. આથી 30 એપ્રિલ 2014એ આ તમામ ખાલી પડેલી 7 સીટો પર પેટા ચૂંટણી યોજાઈ હતી.
- આ બાદ 2014માં જ ભાજપના 9 ધારાસભ્યોએ લોકસભાની ચૂંટણીમાં ચૂંટાતા ધારાસભ્ય પદ છોડ્યું હતું, જેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હતા. અન્ય 8 ધારાસભ્યોમાં ખંભાળિયાના પૂનમ માડમ, આણંદના દિલીપ પટેલ, લિમખેડાના જસવંતસિંહ ભાભોર, ડીસાના લીલાધાર વાઘેલા, માતરના દેવુસિંહ ચૌહાણ, તળાજાના ભારતી શિયાળ, માંગરોળના રાજેશ ચુડાસમા અને ટંકારાના મોહન કુંડરીયાનો સમાવેશ થાય છે. આ તમામ સીટો પર 13 સપ્ટેમ્બર 2014માં પેટાચૂંટણી યોજાઈ, જેમાં ભાજપને 6 સીટો મળી અને 3 સીટનું નુકસાન થયું.
- 30 ઓગસ્ટ 2014માં વજુભાઈ વાળાને કર્ણાટકના ગવર્નર તરીકે નિયુક્ત કરાતા રાજકોટ પૂર્વ સીટ પરથી રાજીનામું આપતા આ સીટ ખાલી થઈ હતી. બાદમાં 15 ઓક્ટોબર 2014માં ચૂંટણી યોજાતા તેમાં વિજય રૂપાણી જીત્યા હતા.
- 2015માં ચૌર્યાસી વિધાનસભા સીટના સીટિંગ ધારાસભ્ય રાજેન્દ્રભાઈ પટેલનું ડેંગ્યુથી નિધન થયું. આ સીટ ખાલી થતા 2016માં તેના પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં તેમના દીકરી જીત્યા હતા.
- 2016માં તલાલા વિધાનસભાના ધારાસભ્ય જશુભાઈ બારડનું નિધન થતા સીટ ખાલી થઈ હતી.