મોબાઇલ યુઝર્સ ઘટ્યા:ગુજરાતમાં સપ્ટેમ્બર 2021માં રિલાયન્સ જિયોએ 10.98, વોડાફોને 1.48 અને એરટેલે 1.24 લાખ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • BSNLએ સપ્ટેમ્બરમાં ગુજરાતમાં કેટલાક નવા સબ્સ્ક્રાઈબર મેળવ્યા હતા
  • ગ્રામીણની સરખામણીમાં શહેરી સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં ભારે ઘટાડો દેખાયો

સમગ્ર દેશમાં કોરોના મહામારીમાં માર્ચ 2020થી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. આ દરમિયાન વર્કફ્રોમ હોમ અને ઓનલાઈન શિક્ષણને કારણે ઈન્ટરનેટ અને મોબાઈલનો ઉપયોગ વધ્યો હતો. બીજી તરફ, OTT પ્લેટફોર્મ પર લોકોએ વેબસિરીઝો જોવાનું શરૂ કર્યું હતું, કારણ કે સિનેમા પણ બંધ હતાં. આ તમામથી એવું કહેવાતું કે મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે, પરંતુ એની બીજી બાજુ ખૂબ જ ચિંતાજનક સાબિત થઈ છે. કોરોના મહામારીની બીજી લહેર બાદ ઈન્ટરનેટ અને મોબાઈલના સબ્સ્ક્રાઈબર્સની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં જોવા જઈએ તો સપ્ટેમ્બર 2021માં રિલાયન્સ જિયોએ 10.98, વોડાફોને 1.48 અને એરટેલે 1.24 લાખ સબ્સ્ક્રાઈબર ગુમાવ્યા છે. માત્ર એક BSNLજ તેના ગ્રાહકોને સાચવી રાખવામાં સફળ નીવડી છે.

ટ્રાઈના રિપોર્ટમાં સબ્સ્ક્રિપ્શનનો ઘટાડો નોંધાયો
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (TRAI) લેટેસ્ટ ટેલિકોમ સબ્સ્ક્રિપ્શન રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મોબાઈલ સબ્સ્ક્રાઈબર્સમાં 13.6 લાખ જેટલો ધરખમ ઘટાડો થયો હતો. ગુજરાતમાં ઓગસ્ટમાં કુલ મોબાઈલ સબ્સ્ક્રાઈબર 7 કરોડ હતા, જે સપ્ટેમ્બરમાં ઘટીને 6.8 કરોડ થયા હતા. તમામ મોટી ટેલિકોમ કંપનીઓમાં સપ્ટેમ્બરમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. કોરોનાની બીજી લહેર આસપાસ લોકોની ઘટેલી આવક આ ઘટાડા માટે કારણભૂત હોવાનું ટેલિકોમ ઈન્ડસ્ટ્રીનાં સૂત્રો માની રહ્યા છે.લોકોએ આવક બંધ થવાથી મોબાઈલનાં બિલ નહોતાં ભર્યાં અથવા તો ઉપયોગ નહીં થવાને કારણે મોબાઈલ કનેક્શન રદ કરવામાં આવ્યાં હતાં.

મોબાઈલ કનેક્શનની ઘટેલી સંખ્યાની અસર સપ્ટેમ્બરમાં દેખાઈ
કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમણ વધુ ફેલાવાથી લોકડાઉનના કડક આદેશો આપવામાં આવ્યા હતા, જેને કારણે લોકોના ધંધા-રોજગાર પર મોટી અસર થઈ હતી. ધંધા બંધ હોવાને કારણે લોકોએ મોબાઈલનાં બિલ નહોતાં ભર્યાં. તેઓ તેમના કનેક્શન રિચાર્જ કરવામાં અથવા તેમના મોબાઈલ બિલ નિયમિતપણે ચૂકવવામાં નિષ્ફળ ગયા હતા. કનેક્શન બે મહિના સુધી નિષ્ક્રિય રહ્યા બાદ, મોબાઈલ કનેક્શનની સંખ્યા ઘટી ગઈ હતી. એની અસર સપ્ટેમ્બરમાં જોવા મળી હતી.

BSNLએ સપ્ટેમ્બરમાં નવા સબ્સ્ક્રાઈબર્સ મેળવ્યા
મોબાઈલ કંપનીઓમાં ખાસ કરીને રિલાયન્સ જિયો, ગુજરાતમાં સૌથી વધારે સબ્સ્ક્રાઈબર્સ ધરાવે છે. તેણે 10.98 લાખ જેટલાં કનેક્શન ગુમાવ્યાં હતાં, જ્યારે વોડાફોનેએ 1.48 લાખ સબસ્ક્રાઈબર્સ, એરટેલે 1.24 સબસ્ક્રાઈબર્સ ગુમાવ્યા હતા. સરકારની માલિકીની ટેલિકોમ કંપની BSNL, જે સતત સબ્સ્ક્રાઈબર ગુમાવી રહી હતી, તેણે સપ્ટેમ્બરમાં રાજ્યમાં કેટલાક નવા સબ્સ્ક્રાઈબર મેળવ્યા હતા. TRAIના ડેટા પ્રમાણે, દેશભરના ગ્રામીણ મોબાઈલ સબસ્ક્રાઈબર્સની સરખામણીમાં શહેરી સબસ્ક્રાઈબર્સની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

બે મહિના બાદ મોબાઈલ કનેક્શન રદ થવા લાગ્યા હતા
સબ્સ્ક્રાઈબરની સંખ્યામાં ઘટાડો થવાની સાથે ગુજરાતમાં ટેલિ-ડેન્સિટી ઓગસ્ટમાં 99.62 ટકાથી ઘટીને 97.6 ટકા થઈ ગઈ હતી. આ વર્ષના જુલાઈ મહિનામાં ટેલિ-ડેન્સિટી 100.17 ટકાને સ્પર્શી ગઈ હતી, જે ફરી એકવાર ઘટતાં સબ્સ્ક્રાઈબર સાથે ઘટવા લાગી હતી. TRAIના ડેટા પ્રમાણે, ગુજરાતમાં જૂનમાં મોબાઈલ સબ્સ્ક્રાઈબરે 7 કરોડનો આંકડો પાર કર્યો હતો. એનો અર્થ એ થયો કે રાજ્યમાં સબ્સ્ક્રાઈબર્સમાં વધારો થયાના માંડ બે મહિના પછી મોબાઈલ કનેક્શન રદ થવા લાગ્યાં હતાં.