મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વિદ્યાર્થી- બાળકોના વ્યાપક આરોગ્યરક્ષા હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓન લાઇન શિક્ષણ જ ચાલુ રહેશે
રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, આગામી તારીખ 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં માત્ર ઓન લાઇન શિક્ષણ જ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ અગાઉ ગત તા. 7મી જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે તા. 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે.
સ્કૂલો અંગે હજી કોઈ સૂચના મળી નથીઃ શિક્ષણ બોર્ડના સચિવ
આ અંગે માઘ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે કહ્યું હતું કે બેઠક કે સ્કૂલો ખોલવા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, મને કોઈ સૂચના હજુ સુધી મળી નથી. નોંધનીય છે કે રાજ્યમાં 1થી 9ની શાળાઓમા કોરોના કેસ વધતાં 31 જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. આ મુદત આજે પૂરી થઈ ગઈ છે.
મુખ્યમંત્રીની હાજરીમાં શિક્ષણ વિભાગની બેઠક મળી
બીજી તરફ, રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થતાં ધોરણ 1થી ધોરણ 9ના ક્લાસ ફરી શરૂ કરવા ખાનગી શાળા સંચાલકો ભારે દબાણ કરી રહ્યા છે. તેમણે સરકાર સમક્ષ રજૂઆત પણ કરી છે. આ રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શિક્ષણ વિભાગની મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય લેવાયો હતો.
અમદાવાદ શિક્ષણ વિભાગના સુત્રોએ પહેલાં જ કહ્યું હતું કે હમણાં સરકાર કોઈ રિસ્ક નહીં લે, અત્યારે પણ અમદાવાદમાં ત્રણ હજારથી વધુ કેસ આવી રહ્યા છે. કોરોનાના કેસ સંપૂર્ણ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી સ્કૂલો શરૂ નહીં કરે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.