કોંગ્રેસનો આક્ષેપ:ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનામાં કર્મચારીઓને રોજના રૂ.48 અને સહાયકને રૂ.10નું નજીવું વેતન ચૂકવાય છે: મનીષ દોશી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીની ફાઈલ તસવીર - Divya Bhaskar
કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીની ફાઈલ તસવીર
  • મધ્યાહન ભોજન કર્મચારીઓને કાયમી કરીને “મનરેગા” જેટલું રોજનું વેતન આપવામાંની માંગ

કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પર મધ્યાહન ભોજના યોજનામાં કામ કરતા કર્મચારીઓને નજીવું વેતન ચૂકવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. આ વિશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનો દૈનિક પગાર માત્ર 48 રૂપિયા, જ્યારે રસોઈયાને દૈનિક 16 રૂ. જેટલું વેતન (જ્યાં સંખ્યા ઓછી હોય ત્યાં) મળી રહ્યું છે. મનરેગા કરતા પાંચમા ભાગનું એટલે કે માત્ર રૂ. 48 પ્રતિદિન વેતનથી પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું? ભાજપ સરકાર જવાબ આપે.

તેમણે વધુમાં કહ્યું કે, મધ્યાહન ભોજન સંચાલકને માસિક રૂ.1600, રસોઈવાળાને રૂ.500 થી 1400 અને મદદનીશને માસિક રૂ.300 થી 500 જેટલું નજીવું વેતન સરકાર ચૂકવી રહી છે. ગેસ સિલિન્ડરના 1030 રૂ. છે, જ્યારે મધ્યાહન ભોજનના કર્મચારીનું માસિક વેતન રૂ. 1400, એટલે કે પરિવારે મહિને એક ગેસ સીલીન્ડર ખરીદી કરવાની જરૂર પડે ત્યારે, જીવન જરૂરીયાતની ચીજવસ્તુ કઈ રીતે ખરીદવી? પોંન્ડીચેરીમાં રૂ.21000, કેરળમાં રૂ.14000, તામિલનાડુમાં 9000, જ્યારે ગુજરાતમાં મધ્યાહન ભોજન કર્મચારીને માત્ર રૂ.1400 થી 1600 મળે છે. ત્યારે રાજ્યની 38000 સરકારી શાળામાં કામ કરતા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનું ગુજરાતમાં જ કેમ અતિ નજીવું વેતન?

તેમણે કહ્યું, જાન્યુઆરી 2022 પછી મધ્યાહન ભોજન કર્મચારીને વેતન ચૂકવાયુ નથી. મધ્યાહન ભોજન યોજનામાં જરૂરી નાણાંકીય ભારત સરકાર 40 ટકા અને ગુજરાત સરકાર 60 ટકા ચૂકવે છે. મનરેગાના કામ કરતા શ્રમિકો કરતા પાંચમા ભાગનું એટલે કે માત્ર 48 રૂપિયા પ્રતિદિન મળી રહ્યા છે. વારંવારની રજુઆત છતાં ભાજપ સરકાર મધ્યાહન ભોજન, આશાવર્કર, આંગણવાડી સહિતના કર્મચારીઓની વ્યાજબી માંગણી ન સાંભળીને અન્યાય કરી રહી છે. હાલમાં આ મહિલાઓની હાલત બદથી બદતર થતી જાય છે. સતત વધતી જતી મોંઘવારીના સમયમાં ઘર ચલાવવુ ખૂબ જ મુશ્કેલ થતું જાય છે. ત્યારે, મધ્યાહન ભોજન કર્મચારીઓને કાયમી કરીને “મનરેગા” જેટલું ઓછામાં ઓછુ રોજીંદુ વેતન આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...