ગુજરાતમાં દારૂનો ધંધો જાણે બેરોકટોક ચાલી રહ્યો છે. દિવાળી પહેલાં દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો સક્રિય બની ગયા છે. રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી દારૂ ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે. સોલા પોલીસે બાતમીના આધારે એસપી રિંગ રોડ પર ઓગણજ સર્કલ પાસેથી કાર્ગો પાર્સલની આડમાં લવાતો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ડ્રાઈવર સહિત બે શખ્સની ધરપકડ કરી છે. શ્રીનાથ કાર્ગો પાર્સલની આડમાં આ દારૂ લવાતો હતો. સોલા પોલીસે હાલ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
કાર્ગો પાર્સલની આડમાં બિયર અમદાવાદમાં ઠલવાય છે
સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી જાડેજાનએ બાતમી મળી હતી કે કાર્ગો પાર્સલની આડમાં બિયર અમદાવાદમાં લાવવામાં આવી રહ્યું છે જેના આધારે પીએસઆઇ જે.જે રાણા અને ટીમે એસપી રિંગ રોડ પર ઓગણજ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. રાજસ્થાન પાસિંગનું બાતમીવાળું કન્ટેનર આવતાં પોલીસે રોકયું હતું. પોલીસે ટ્રકમાં બેઠેલા શખ્સની પૂછપરછ કરતા તેમનું નામ મહેન્દ્રસિંહ ચૌહાણ અને રણજીતસિંહ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું.
કન્ટેનરમાં ખોલીને જોતા બિયરના 35 પાર્સલ પડ્યા હતા
કન્ટેનરમાં ખોલીને જોતા 35 પાર્સલ પડ્યા હતા. જેમાં શ્રીનાથ કાર્ગો પ્રાઇવેટ લીમીટેડના હતા. પાર્સલ ખોલીને જોતા 62 પેટી બિયરની મળી આવી હતી. પીએસઆઇ જે.જે રાણાએ જણાવ્યું હતું કે રાજસ્થાનથી ભરી બીયર મહેસાણા લઇ જવાનું હતું ત્યાં લઈ જવાના બદલે અમદાવાદ આવ્યા હતા અને બાતમી મળતા વોચ ગોઠવી ઝડપી પાડયું હતું.પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દિવાળી નજીક આવતા બુટલેગરો સક્રિય
તહેવારની સીઝનમાં અમદાવાદ જિલ્લા પોલીસે ફતેહવાડી પાસેના ફાર્મમાં રેડ કરીને લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી લીધો છે.આરોપીઓ દારૂનો જથ્થો ફોર્ચ્યુનર કારમાં લઈ જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.વીસલપુર ગામની સીમમાં ફતેવાડી કેનાલની બાજુમાં રામચંન્દ્રસિંહ ચૌહાણના કબ્જાવાળી જમીનમાં જય અંબે ફાર્મ નામની જગ્યામાં અન્ય બીજા ઇસમોની મદદથી વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેના આધારે રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મેકડોવેલ્સ નંબર-1, સુપ્રીરીયર વ્હીસ્કીની નાની-મોટી 8856 બોટલો તથા 378 નંગ પેટી મળી હતી. ગુનો કરવા માટે ઉપયોગ લીધેલ વાહનો તથા મોબાઇલ મળીને કુલ રૂ.20,91,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વરતેજ ગામે લવાતો વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
હરિયાણાના હિસારથી ભાવનગરના વરતેજ ગામે લવાતો વિદેશી દારૂ ભરેલું ટેન્કર અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડ્યું હતું. પોલીસે ડ્રાઇવરને પૂછતાં ડામર હોવાનું જણાવ્યું હતું પરંતુ ટેન્કરના ઢાંકણા ખોલી જોતા ટેન્કરમાં ત્રણ કંપાર્ટમેન્ટમાં વિદેશી દારૂ હતો. આરોપી હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશથી દાહોદમાં દારૂ ઘુસાડી વડોદરા થઈ ભાવનગર જતો હતો ત્યારે ગ્રામ્ય એલસીબી પોલીસે વટામણ ચોકડીથી આ ટેન્કર ઝડપી લીધું હતું. 5820 જેટલી દારૂની બોટલો કિંમત રૂ. 22.78 લાખની કબ્જે કરી હતી. ડ્રાઇવરની ધરપકડ કરી હરિયાણાથી દારૂ ભરી આપનાર તેમજ મંગાવનારની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.