તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતી VS ENGLISH:કક્કાનો 'ક' ભુલાયો અને વધ્યો ABCDનો ટ્રેન્ડ, અમદાવાદમાં ગુજરાતી શાળાઓ શટડાઉન તરફ અને અંગ્રેજી સ્કૂલોને અનલોક કરવા લાંબી કતાર

અમદાવાદ20 દિવસ પહેલાલેખક: આનંદ મોદી
  • વિદેશી ભાષાના વળગણ અને કરિયરમાં અંગ્રેજીના ક્રેઝને લીધે હવે ગુજરાતી શાળાઓનાં પાટિયાં પડવા લાગ્યાં
  • અંગ્રેજી શાળા શરૂ કરવાની સેંકડો અરજી સામે હવે ગુજરાતી શાળા બંધ કરવા માટેની અરજીઓ વધી

ગુજરાત અને ગુજરાતી વિશ્વના કોઈપણ ખૂણે એક અલગ નામના ધરાવે છે. તે વિશ્વમાં વેપારમાં કાઠું કાઢનાર ઉદ્યોગપતિ હોય કે પછી મહાત્મા ગાંધી, દરેકને પોતાની માતૃભાષા માટે એટલું જ વળગણ હતું, પણ હવે ગુજરાતમાં જ ગુજરાતી ભાષા પતન તરફ આગળ વધી રહી છે. વિશ્વમાં હાલના સમયમાં અંગ્રેજી ભાષાથી જ સન્માન મળતું હોય એવી માન્યતાએ લાખો વાલીઓ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માટે તલપાપડ થઈ રહ્યા છે અને બીજી તરફ ગુજરાતી શાળાનાં પાટિયાં પડી રહ્યાં છે. આ કોઈ ભ્રામક વાત નથી, પણ વાસ્તવમાં સેંકડો અંગ્રેજી માધ્યમની શાળા શરૂ થવા માટે અરજીઓ આવી રહી છે એની સામે એનાથી વધુ ગુજરાતી શાળાઓ બંધ થવા માટેની અરજીઓ આવી રહી છે. આ સમગ્ર બાબત આવનારા સમયમાં ગુજરાતી ભાષાને હાંસિયામાં ધકેલી દેશે એવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.

અંગ્રેજી શિક્ષણ આપવાના મોહમાં ગુજરાતી ભુલાઈ રહ્યું છે
આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે રિલાયન્સના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણી, તેઓ ગુજરાતી તરીકે વિશ્વવિખ્યાત બન્યા છે. ત્યારે તેમના ગુજરાતમાં જ ગુજરાતી ભાષા અને ગુજરાતી માધ્યમની શાળા ખતરામાં હોય એવી પ્રતીતિ થઈ રહી છે. એ પણ સરકારી આંકડા જ આ બધી બાબત બતાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળકોના અભ્યાસ માટે સ્થાનિક ભાષાને વધુ મૂલ્ય આપી રહ્યા છે ત્યારે ગુજરાતમાં શિક્ષણજગતમાં ઊંધી પરિસ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી અંગ્રેજી માધ્યમની શાળાનું પ્રભુત્વ વધ્યું છે, જેની સામે ગુજરાતી શાળાનું મૂલ્ય ઘટ્યું છે. અંગ્રેજી શિક્ષણ આપવાના મોહમાં ગુજરાતી ભાષા ભુલાઈ રહી છે.

5 વર્ષમાં અમદાવાદમાં જ ગુજરાતી શાળા બંધ કરવાની 90 ટકા અરજી આવી
છેલ્લાં 5 વર્ષમાં અમદાવાદમાં અંગ્રેજી શાળા શરૂ કરવા માટે 90 ટકા અરજી આવી રહી છે, જેની સામે ગુજરાતી શાળા બંધ કરવા માટે 90 ટકા અરજી આવી રહી છે. દર વર્ષે 20-25 અરજી અંગ્રેજી શાળાઓ શરૂ કરવા માટે આવે છે, એની સામે 15-20 અરજી ગુજરાતી શાળાઓ બંધ કરવા માટે આવી રહી છે. જે ઝડપે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ થાય છે એ ઝડપે ગુજરાતી માધ્યમની શાળા કે વર્ગ બંધ થઈ રહ્યાં છે.

આવનારા સમયમાં ગુજરાતી સરકારી શાળા રહેશે જ નહીં!
અમદાવાદમાં શહેરમાં 1400 જેટલી શાળાઓ છે, જેમાંથી 540 અંગ્રેજી માધ્યમની, 700 ગુજરાતી માધ્યમની અને 150 હિન્દી માધ્યમની છે. આ આંકડા પણ હવે ધીરે ધીરે બદલાઈ રહ્યા છે. અંગ્રેજી માધ્યમની શાળાઓનો ગ્રાફ વધી રહ્યો છે અને બીજી તરફ ગુજરાતી માધ્યમની શાળાઓનો ગ્રાફ ઘટી રહ્યો છે. એક તરફ, અંગ્રેજી માધ્યમની શાળા વધી રહી છે ત્યારે સામે ગુજરાતી માધ્યમની શાળા સતત ઘટી રહી છે. આ પરિસ્થિતિ રહી તો આવનારા સમયમાં ગુજરાતી સરકારી શાળાઓ રહેશે?

ત્રણ વર્ષમાં અંગ્રેજી શાળા શરૂ કરવા 101 અરજી આવી
આંકડાની વાત કરીએ તો વર્ષ 2018-19માં અંગ્રેજી શાળા શરૂ કરવા 15 જેટલી અરજી, વર્ષ 2019-20માં 36 અરજી, વર્ષ 2020-21માં 29 અરજી અને વર્ષ 2021-22માં 21 જેટલી અરજી આવેલી છે, જેની સામે વર્ષ 2018-19માં 7 ગુજરાતી શાળા બંધ કરવા અરજી, 2019-20માં 13 અરજી, વર્ષ 2020-21માં 19 અરજી અને વર્ષ 2021-22માં 9 જેટલી અરજી આવી છે. આ ઉપરાંત ચાલુ શાળાઓમાં અંગ્રેજી માધ્યમના વર્ગ વધારવા 20-25 અરજી દર વર્ષે આવે છે, જેની સામે ગુજરાતી શાળાના વર્ગો બંધ કરવા 15થી 20 અરજી દર વર્ષે આવી રહી છે.

બાળકોમાં પણ અંગ્રેજી માધ્યમમાં ભણવાનો ક્રેઝ
અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધી રહ્યું છે, પરંતુ સામે લોકો ગુજરાતી ભાષા ભૂલી રહ્યા છે. અત્યારના વાલીઓ અને બાળકોમાં પણ અંગ્રેજી માધ્યમમાં ભણવા ક્રેઝ વધ્યો છે. મધ્યમવર્ગ હોય કે સમૃદ્ધ પરિવાર, તમામ લોકો પોતાના બાળકને હવે અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવા ઈચ્છે છે. સ્કૂલો પણ વધુ સંખ્યામાં હોવાને કારણે અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ સરળતાથી મળી રહે છે. આ પ્રકારનો અંગ્રેજી શાળાનો વધતો રહ્યો તો આવનારાં 10 વર્ષમાં ગુજરાતી માધ્યમની શાળાઓ ખૂબ જ ઓછી જોવા મળશે અને એમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ ઘટી જશે.

હું ગુજરાતીમાં ભણ્યો, પણ બાળક અંગ્રેજીમાં છે: વાલી
આ અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતી માધ્યમની શાળા માટે અરજીઓ ઓછી આવી રહી છે, જેની સામે અંગ્રેજી માધ્યમની શાળાઓ માટે અરજીઓ ખૂબ વધી રહી છે. બીજી તરફ, ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ કરવાની અરજીઓ પણ વધુ આવી રહી છે. અત્યારે નવી શાળા શરૂ કરવા માટે અરજીઓ આવે છે, એમાં ખૂબ ઓછી શાળાઓને જ મંજૂરી આપવામાં આવે છે. ટ્રસ્ટનું પોતાનું મકાન, રજિસ્ટર્ડ ભાડા કરાર અને અન્ય વ્યવસ્થા ના હોવાને કારણે શાળાઓ માટેની અરજી સામે મંજૂરી ખૂબ ઓછી આપવામાં આવી રહી છે. જિજ્ઞેશભાઈ નામના વાલીએ જણાવ્યું હતું કે હું ગુજરાતી માધ્યમમાં ભણ્યા છું, પરંતુ મારાં બંને બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણી રહ્યાં છે. અત્યારે ચારેતરફ અંગ્રેજી માધ્યમનું પ્રભુત્વ વધી રહ્યું છે, જેને લઈને ભવિષ્યમાં બાળકને તકલીફ ના પડે એ માટે અત્યારથી જ અંગ્રેજી માધ્યમમાં ભણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...