મિશન ગુજરાત 2022:ગુજરાતમાં કોંગ્રેસે ફરી રાજસ્થાનના CM અશોક ગેહલોતને મેદાનમાં ઉતાર્યા, ઉત્તર ગુજરાતમાં જનસભા અને રોડ શો યોજશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અશોક ગેહલોત ફાઈલ ફોટો - Divya Bhaskar
અશોક ગેહલોત ફાઈલ ફોટો

ગુજરાત કોંગ્રેસ દ્વારા ફરીવાર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મેદાનમાં ઉતાર્યાં છે.અશોક ગેહલોત ગુજરાતમાં પ્રચાર કરવા આજથી બે દિવસની દિવસની મુલાકાત છે. તેઓ 17 અને 18 ઓકટોબરના રોજ ઉત્તર ગુજરાતના રાધનપુર અને થરાદમાં જનસભા કરશે.તેમજ યૂથ કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રાના સમાપનમાં પણ જોડાશે.18 ઓક્ટોબરે થરાદમાં રોડ શો અને બાદમાં જનસભાને સંબોધશે.અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ સાથે પણ બેઠક કરશે.આ બેઠક બાદ અશોક ગેહલોત પત્રકાર પરિષદ પણ સંબોધશે. ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી હાઈકમાન્ડે અશોક ગેહલોતને સોંપી છે. તે ઉપરાંત પ્રભારી તરીકે રાજસ્થાનના મંત્રી ડો. રઘુ શર્માને જવાબદારી સોંપાઈ છે.

કોંગ્રેસ ઉમેદવારોની બે તબક્કામાં જાહેરાત કરાશે
કોંગ્રેસે ઉમેદવારોની યાદી તૈયાર કરી નાખી છે. આ યાદી પ્રમાણે ઉમેદવારોના નામને અંતિમ સ્વરૂપ આપવા માટે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક 19 થી 21 ઓકટોબર દરમિયાન દિલ્હી ખાતે મળશે. આ બેઠકમાં કોંગ્રેસના 182 ઉમેદવારોની યાદી તૈયાર થશે અને તે દિવાળી પછી જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા જિલ્લા કક્ષાએથી બેઠક પ્રમાણે દાવેદારોની યાદી તૈયાર કરી પ્રદેશ કક્ષાએ સ્ક્રૂટિની કરવામાં આવી હતી. કોંગ્રેસ તમામ ધારાસભ્યોને ટિકિટ આપવાની છે,તેમ છતાં ઉંમરને કારણે જે ધારાસભ્યો ચૂંટણી લડવા માગતા નથી તેવા ધારાસભ્યોની જગ્યાએ તેમના વારસ કે પછી તેઓ જે વ્યકિતને કહે તે દાવેદારને ટીકીટ આપે તેવી શકયતા છે.

નવા ચહેરા અને યુવાનોને ટિકિટ અપાશે
કોંગ્રેસ આ વખતે જૂનાં જોગીઓને જાકારો આપે તેવી શકયતા છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં નવા ચહેરાઓ અને યુવાનોને વધુ જીત્યા હોવાથી યુવાનો અ્ને નવા ચહેરાનો કોંગ્રેસે વધુ તક આપે તેવી શકયતા છે. સામાન્ય રીતે કોંગ્રેસમાં એકાદ-બે ચૂંટણી લડયા પછી હારતા નેતાઓને પણ કોંગ્રેસ ટીકીટ આપતી હોય છે,પણ આ વખતે યુવાનો અને વર્ષોથી સંગઠનમાં કામ કરતા હોય તેવાને ટિકિટ મળે તેવી શક્યતા છે.

BJP અને AAPની જેમ હવે કોંગ્રેસ સોશિયલ મીડિયા પર એક્ટિવ થશે
ભાજપ અને આપ આગામી વિધાનસભાની ચૂંટણી માટે સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયું છે. તેવી જ રીતે હવે કોંગ્રેસ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ થશે અને કોંગ્રેસ શાસન દરમિયાન કરાયેલા કામો પ્રજા સમક્ષ પહોંચાડશે. કોંગ્રેસે તેના લાંબા કાર્યકાળ દરમિયાન પ્રજાલક્ષી કોઇ કામ કર્યા નથી તેવો પ્રચાર કરવામાં આવે છે ત્યારે કોંગ્રેસે પણ ભાજપને સોશિયલ મીડિયા મારફત જવાબ આપવા માટે કોંગ્રેસ દ્વારા કરાયેલા કામોને પ્રચાર કરવાનું નક્કી કર્યુ છે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં અનેક કાર્યો કરવામાં આવ્યા છે,પણ તેની પ્રસિદ્ધ યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાથી ભાજપ કોંગ્રેસે કઇ કર્યુ નથી તેવું પ્રસ્થાપિત કરવામાં સફળ રહીં છે.

અન્ય સમાચારો પણ છે...